રોહિત શર્માએ ૩૫ બોલમાં સદી ઝૂડીને સાઉથ આફ્રિકાના ડેવિડ મિલરના રેકોર્ડની બરાબરી કરી
રોહિત શર્માના શાનદાર ૧૧૮ અને લોકેશ રાહુલના ૮૯ રન તથા સ્પિનરોની આક્રમક બોલિંગની મદદથી ભારતીય ટીમે બીજી મેચમાં ૮૮ રને પરાજય આપી ૩ મેચની શ્રેણીમાં ૨-૦ થી લીડ મેળવી લીધી છે. જીતવા માટેના ૨૬૧ રનના લક્ષ્યાંક સામે શ્રીલંકાની ટીમ ૧૭.૨ ઓવરમાં ૯ વિકેટ ગુમાવી ૧૭૨ રન જ બનાવી શકી હતી.
શ્રીલંકા તરફથી કુસલ પરેરાએ ૭૭ અને ઉપુલ થરંગાએ ૪૭ રનનું યોગદાન આપ્યું હતું. જયારે એન્જેલો મેથ્યુઝ ઈજાગ્રસ્ત હોવાના કારણે બેટિંગમાં આવી શકયો ન હતો. ભારતીય ટીમ તરફથી યુઝવેંદ્ર ચહલે ૫૨ રનમાં ૪ અને કુલદીપ યાદવે ૫૨ રન આપી ૩ વિકેટ ઝડપી હતી. વનડે શ્રેણીમાં શ્રીલંકા સામે બેવડી સદી ફટકારનારા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ કે.એલ.રાહુલ સાથે મળીને પરેરાનો પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય ખોટો સાબિત કર્યો હતો. રાહુલ અને રોહિતે પ્રથમ વિકેટ માટે ૧૬૫ રન જોડયા હતા.
જો ક્રિકેટમાં ભારત તરફથી સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ છે. આ પહેલા આ વર્ષે ન્યુઝીલેન્ડ સામે રોહિત શર્માએ શિખર ધવન સાથે મળીને ૧૫૮ રન જોડયા હતા. આ દરમિયાન રોહિતે ફકત ૩૫ બોલમાં પોતાની બીજી સદી પુરી કરી હતી. આ સાથે રોહિતે દ.આફ્રિકાના બેટસમેન ડેવિડ મિલરની બરાબરી કરી લીધી હતી. ડેવિડે બાંગ્લાદેશ સામે ૩૫ બોલમાં સદી ફટકારી હતી. રોહિતે પોતાની આ ઈનિંગમાં વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. આમ રોહિત બની રહ્યો છે. વિશ્ર્વનો વિસ્ફોટક બેટસમેન. રાહુલે અર્ધ સદી પુરી કરી લીધા પછી આક્રમક બેટીંગ કરી હતી. તે ખુલીને રમી રહ્યો હતો.
રોહિત શર્માએ વન-ડેમાં બેવડી સદી અને સદી ફટકારીને સાબિત કરી દીધું છે કે તે ટાઈમિંગ પ્રમાણે તો રમે જ છે. સાથો સાથ સુકાની પદનો ભાર હોવા છતાં આક્રમક અને વિસ્ફોટક રમત પ્રદર્શન દાખવી રહ્યો છે. કોહલીની ગેરહાજરીમાં પણ તેણે ટીમ ઈન્ડિયાની જીતની આગેકુચ જારી રાખી છે.