- આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
વ્યક્તિ પોતાના આત્માની શોધ યોગની જીવનદ્રષ્ટિ દ્વારા કરી શકે: યોગથી આપણા શરીર, પ્રાણ, મન, બુધ્ધિ અને આત્માનો પૂર્ણ વિકાસ થાય: તે એક શારીરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રથા છે, જે ભારતમાં છ હજાર વર્ષ પહેલા ઉદ્ભવી હતી
યોગએ ભારતની પ્રાચિન પરંપરાની અમૂલ્ય ભેટ છે, જે મન અને શરીરની એકતાને મૂર્ત બનાવે છે: આરોગ્ય અને સુખાકારી સાથે યોગ તાણ મુક્ત કરે છે અને તે રોગને પણ ભગાવે છે
આજકાલની આપણી જીવનશૈલીને કારણે ઘણા બધા રોગો સાથે શારીરીક તકલીફો લગભગ બધાને જોવા મળે છે. સતત દોડધામમાં કે બેઠાડું જીવન આપણું જીવન સતત તાણવાળું બનાવતા આજે સૌ કોઇ મનોરોગી બની ગયા છે. આપણાં દેશની ઘણી પ્રાચિન પરંપરા આપણે બદલાતા યુગે ભૂલતા ગયા હોવાથી ઘણી મુશ્કેલી સહન કરીએ છીએ. વિદેશના લોકોએ આપણી ઘણી સારસ વાતો ગ્રહણ કરતાં તેમની જીવનશૈલી સુધારી છે. આજે વિશ્ર્વ યોગ દિવસ છે, યોગ આપણા દેશની શોધ છે અને આજે વિશ્ર્વના તમામ દેશોમાં લોકો તેને અનુસરીને સ્વસ્થ જીવન જીવે છે.
યોગ એક જીવનદ્રષ્ટિકોણ છે. વેદકાળથી આ વર્તમાન યુગમાં પણ તેનું મહત્વ અકબંધ છે. 2014માં યુનોની મહાસભામાં આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજના દિવસને વિશ્ર્વ યોગ દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મુક્યો હતો જેણે વિશ્ર્વએ વધાવી લઇને વૈશ્ર્વિકસ્તરે ઉજવણી કરી હતી. દર વર્ષે ઉજવણી થીમમાં આ વર્ષે ‘સ્વયં અને સમાજ માટે યોગ’ થીમ છે. જેનો અર્થ પોતાની જાતને તંદુરસ્ત રાખવા સાથે સ્વસ્થ સમાજના નિર્માણ માટે પણ યોગ જરૂરી છે. વ્યક્તિ પોતાના આત્માની શોધ યોગની જીવનદ્રષ્ટિ દ્વારા કરી શકે છે. યોગથી માણસના પ્રાણ, મન, શરીર, બુધ્ધિ અને આત્માનો પૂર્ણ વિકાસ થાય છે. તેનાથી શરીરને સ્થિર, સુંદર અને સંતુલિત વિકાસ થાય છે અને શરીરનો આંતર-બાહ્ય શુધ્ધિકરણ થાય છે. યોગથી ઘણા બધા ફાયદાઓ થતાં હોવાથી તેની વિશેષ અસર આપણાં જીવન પર પડે છે.
આજથી છ હજાર વર્ષ પહેલા યોગનો ઉદ્ભવ આપણાં દેશમાં થયેલ હતો. આપણાં ઋષીમુનિઓ પાસે ઘણી બધી એવી વસ્તુઓ, વનસ્પતિઓ હતી. જેના જ્ઞાન વડે લાંબુ સ્વસ્થ જીવન જીવી શકાતું હતું, તે પૈકી યોગએ એક શારીરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રથા છે. બદલાતા યુગો સાથે ઘણા બદલાવ આવ્યા પણ આ પ્રાચિન પરંપરાની ઘણી સારી વાતો આપણે ભૂલી નથી, વિદેશના લોકોને પણ તેનું આકર્ષણ થવાથી તેઓ પણ આ શિખવા આવ્યા હતા. આજે 10મો યોગ દિવસ ઉજવાય રહ્યો છે, ત્યારે તે એક ફિલસૂફી બનાવાના માર્ગ સાથે વિકસિત થયો છે. 19મી સદીમાં તે પશ્ર્ચિમના દેશોના ધ્યાને આવ્યો હતો. આપણી ભારતીય સંસ્કૃત્તિની ઘણી પરંપરા, પ્રથાઓ પાછળ વિદેશીઓ આજે પણ દિવાના છે.
સ્વામિ વિવેકાનંદે પશ્ર્ચિમના લોકોને યોગની સક્રિય હિમાયત કરીને તેની સમજ આપનાર પ્રથમ હિન્દુ શિક્ષક હતા, અને તે યુએસની મૂલાકાતે પણ ગયા હતા. યોગએ ભારતની પ્રાચિન પરંપરાની અમૂલ્ય ભેટ છે. તે વિચાર, ક્રિયા, પ્રકૃત્તિ, સંવાદિતા, આરોગ્ય અને સુખાકારી માટે એક સર્વગ્રાહી અભિગમ છે.
21મી જુનની જે તારીખ પસંદ કરી છે, તેની પાછળ પણ વિજ્ઞાન છૂપાયેલ છે. કારણ કે ઉનાળું અયનકાળ છે, અને દક્ષિણાયનમાં સંક્રમણને ચિન્હીત કરે છે, અત્યાર સુધીમાં વિશ્ર્વના 170થી વધુ દેશોએ આ દિવસ માટે તેમનું સમર્થન દર્શાવેલ છે. આજે યોગ વિશ્ર્વસ્તરે ફેલાયો કારણ કે યોગ સતત વિશ્ર્વને પ્રેરણા આપે છે. આજે એક દિવસ સંપૂર્ણ યોગમય બનો, તમારા શરીરને કાબૂમાં રાખો અને તેને આંતરીક શાંતિ આપો તેજ જરૂરી છે. તે સ્નાયુ જો મજબૂત કરીને તંદુરસ્ત પાચન ક્રિયા કરે છે. યોગએ સંસ્કૃત્ત શબ્દ છે, જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું તેવો થાય છે. યોગએ શરીર અને આત્માનું જોડાણ છે, તે આધ્યાત્મિક શિસ્ત છે. આજે સમગ્ર વિશ્ર્વમાં ખૂબ જ લોકપ્રિય થયો છે અને દિન-પ્રતિદિન તેની ચાહના વધી રહી છે. પ્રકૃત્તિ સાથે એક રૂપતા કેળવવાનું એક માધ્યમ છે. યોગ આપણી જીવનશૈલીમાં બદલાવ લાવીને જાગૃતતા ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.
અમેરિકા, ચીન, જાપાન, કેનેડા જેવા વિવિધ દેશોએ તેની જાગૃતતા વધારવા ઘણી બધી પ્રવૃત્તિઓ યોજી છે. તે આપણો માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી હોવાથી રોજીંદા જીવનમાં નિયમિત અપનાવવા આજે સૌને અપીલ છે. ભારતીય સંસ્કૃત્તિમાં યોગ અને આયુર્વેદ બંને લગભગ એક સાથે ચાલ્યા આવે છે. આયુર્વેદએ ભારતીય ઉપચાર પધ્ધતિ છે. વર્તમાન સમયમાં કસરત, નિયમિતતા વિગેરેને અન્ય આધુનિક ગણાતી ઉપચાર પધ્ધતિઓ પણ અપનાવેલ છે. રોગને ભગાડવા યોગ પણ દવા છે. તેમ વિશ્ર્વના મેડીકલ સાયન્સે પણ સ્વીકારેલ છે. યોગથી વ્યક્તિ આજના તણાવગ્રસ્ત સમયમાં શારીરીક અને માનસિક શાંતિ મેળવી શકે છે, જે આપણને સ્વસ્થ અને ઉર્જાવાન બનાવે છે. યોગ શરૂઆતમાં કોઇ નિષ્ણાંતના માર્ગદર્શનમાં કરવા જોઇએ અને સમય જતાં તમારા શરીર, પ્રકૃત્તિ, કામનો પ્રકાર, કોઇ શારીરીક મર્યાદા, ઉંમર વિગેરે અનુસાર વ્યક્તિ જાતે પોતાની જરૂરિયાત અને રૂચિ પ્રમાણેના આસનો કરી શકે છે. આજના દિવસની ઉજવણીને હેતુ યોગના ફાયદા વિશ્ર્વસ્તરે પહોંચે, લોકો તણાવ મુક્ત બનાવવા, લોકોને પ્રકૃત્તિ સાથે જોડવા વિશ્ર્વમાં વૃધ્ધિ, વિકાસ અને શાંતિ વધારવા, વૈશ્ર્વિક સંકલન મજબૂત કરવું. લોકોમાં જાગૃત્તિ ફેલાવવાનો છે. શરીર અને મનના સંતુલન સુધી તે મર્યાદિત નથી પણ યોગનો સંબંધ મન-શરીર સહિત વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વને પાંચ મુખ્ય તત્વો અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ અને આકાશ સાથે જોડવાનો પણ છે. યોગ, તંત્ર, આયુર્વેદ, જ્યોતિષ વિગેરેમાં પણ પાંચ મૂળ તત્વોથી શરીર નિર્માણ થવાની વાત કરી છે.
શારીરીક મુદ્રાઓ, શ્ર્વાસ લેવાની તકનીકો અને ધ્યાનનો સમાવેશ
યોગ શારીરીક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારીના અસંખ્ય ફાયદાઓ માટે વિશ્ર્વ વ્યાપી માન્યતા મળી છે, તેમાં શરીર, મન અને ભાવના વચ્ચે સૂમેળ સાધવા માટે શારીરીક મુદ્રાઓ (આસનો), શ્ર્વાસ લેવાની તકનીકો (પ્રાણાયામ) અને ધ્યાનનો સમાવેશ થાય છે. યોગનું મહત્વ એકદંરે આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવાની ક્ષમતામાં રહેલું છે. યોગની શારીરિક મુદ્રાઓ લવચીકતા, શક્તિ અને સંતુલન સુધારવામાં મદદ કરે છે. નિયમિત પ્રેક્ટિસ દ્વારા, વ્યક્તિઓ મજબૂત અને કોમળ શરીર વિકસાવી શકે છે. ઇજાઓનું જોખમ ઘટાડી શકે છે અને સારી મુદ્ર કરી શકે છે. યોગ માનસિક સ્વાસ્થ્ય પર તેની સકારાત્મક અસર માટે જાણીતું છે.