- સ્વાતિ પાર્ક પાસેથી ગત રાત્રે મળ્યો’તો સળગાવી નાખેલો મૃતદેહ : ક્રાઇમ બ્રાન્ચની ટીમે શકમંદોને ઉઠાવી પૂછપરછ આદરી
શહેરમાં એક જ દિવસે બે હત્યાના બનાવથી રાજકોટ રક્તરંજીત બન્યું હતું. એકતરફ ગાંધીગ્રામ વિસ્તારના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી દેવાતા પોલીસ દોડતી થઇ હતી જયારે બીજી બાજુ આજીડેમ પોલીસ મથક હેઠળના કોઠારીયા વિસ્તારના સ્વાતિ પાર્કના કાચા રસ્તે એક સળગાવી નાખેલી લાશ મળી આવતા પોલીસ દોડી ગઈ હતી. ખરાબ રીતે દાઝી ગયેલી લાશની ઓળખ મેળવવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની મદદ લેવામાં આવી હતી. દરમિયાન સળગાવેલી લાશના અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થતાં આ લાશ વિપુલ કયાડાની હોવાની આશંકાએ તેમના પરિજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જે બાદ આ લાશ વિપુલ કયાડાની જ હોવાનું ખુલવા પામ્યું હતું. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રણ શખ્સોને સકંજામાં લઇ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યાનું સૂત્રો જણાવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર સ્વાતિ પાર્કના કાચા રસ્તે મળી આવેલી સળગાવી નાખેલી લાશ ભગીરથ સોસાયટી શેરી નં.-3માં રહેતા અને લેથ મશીનનું કામ કરતા વિપુલ વશરામભાઈ કયડા (ઉ.વ.38)ની હોવાનું ખુલવા પામ્યું છે.
મૃતક વિપુલ કયાડા મંગળવારે રાત્રે ઘરેથી ચાલ્યા ગયાં બાદ સીધી તેમની સળગાવેલી લાશ મળી આવી હતી. કાળા રંગનો શર્ટ અને ભૂખરા રંગનું પેન્ટ જે સળગી ગયું હતું તેના પરથી પરિવારે આ લાશ પોતાના પરિજનની જ હોવાનું જણાવ્યા બાદ ખરેખર લાશ વિપુલ કયડાની જ હોવાનું ફલિત થયું હતું.
જે બાદ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલીયાની ટીમ તેમજ આજીડેમ પોલીસની ટીમોએ તપાસ હાથ ધરતા લાશની બાજુમાં એક બોટલ મળી આવી હતી. જે બોટલમાં જવલનશીલ પદાર્થ લઇ આવી લાશને સળગાવી નાખવામાં આવી હોય તેવું સામે આવ્યું હતું.
દરમિયાન તપાસમાં મૃતકના હાથ બાંધીને હત્યા કરવામાં આવી હોય અને ત્યારબાદ લાશને સળગાવી દેવામાં આવી હોય તેવું પણ ધ્યાને આવ્યું હતું.
જે બાદ આગળ તપાસ હાથ ધરતા હત્યા પાછળ પૈસાની લેતી-દેતી જવાબદાર હોય તેવી માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે ભરવાડ અને એક અનુસૂચિત જનજાતિ સમાજના શખ્સ સહીત કુલ ત્રણ શખ્સોને ઉઠાવી લઇ ક્રાઇમ બ્રાન્ચ ખાતે આકરી પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.
હાથ બાંધી હત્યા કરાઈ : ઓળખ ન થાય તે માટે જ્વલનશીલ પદાર્થ છાંટી સળગાવી મૃતદેહ સળગાવી નાખ્યો
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર લાશની બાજુમાં એક બોટલ મળી આવી હતી. જે બોટલમાં જવલનશીલ પદાર્થ લઇ આવી લાશને સળગાવી નાખવામાં આવી હોય તેવું સામે આવ્યું હતું. દરમિયાન તપાસમાં મૃતકના હાથ બાંધીને હત્યા કરવામાં આવી હોય અને ત્યારબાદ લાશને સળગાવી દેવામાં આવી હોય તેવું પણ ધ્યાને આવ્યું હતું.
વ્યાજનું વિષચક્ર : મૃતકે રૂ. 8 લાખ 2% વ્યાજે લીધાનો ખુલાસો
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ત્રણેય શખ્સોએ એવી કબૂલાત આપી છે કે, વિપુલ વશરામ કયડાને રૂ. 8 લાખની રકમ 2% વ્યાજે આપેલ હતા. જે રકમ કે તેનું વ્યાજ નહિ આપી શકતા વિપુલને ઉઠાવી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઉશ્કેરાટમાં હત્યા નીપજાવી દીધી હતી. જે બાદ મૃતદેહની ઓળખ ન થઇ શકે તે માટે જ્વલનશીલ પદાર્થ છાંટી મૃતદેહ સળગાવી નાખ્યો હતો.