- મયુરસિંહ નામના શખ્સનું જુગારધામ : ચારેક જુગારીઓની ધરપકડ
- અગાઉ આ જ સ્થળેથી સ્ટેટ મોનીટરીંગ સેલે જુગારધામ પકડી પાડ્યું’તું
- અગાઉ જ્યાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડ્યો હતો ત્યાં ફરીવાર જુગારધામ ધમધમી રહ્યાની જાણ એસએમસીને થઇ પણ થોરાળા પોલીસ અજાણ રહી!!
શહેરમાં બનેલી અગ્નિકાંડની ગોઝારી ઘટનાને પગલે એસઆઈટી, એસીબી, સીઆઈડી ક્રાઇમ, તપાસ સમિતિના સચિવ કક્ષાના અધિકારીઓના જયારે રાજકોટમાં ધામા છે ત્યારે હવે વધુ એક તપાસ એજન્સીએ રાજકોટમાં ધામા નાખી મોટા પાયે ધમધમતા જુગારધામ પર દરોડો પાડતા સપાટો મચી જવા પામ્યો છે. એસએમસીએ થોરાળા વિસ્તારના ધમધમી રહેલા જુગારધામ પર દરોડો પાડીને ચારેક જુગારીઓની ધરપકડ કરી છે. અત્યંત ઉલ્લેખનીય બાબત છે કે, હાલ જે સ્થળેથી જુગારધામ ઝડપાયું છે તે જ સ્થળે એસએમસીએ અગાઉ પણ દરોડો પાડીને જુગારધામ પકડી પાડ્યું હતું. હવે તે જ સ્થળે ફરીવાર જયારે જુગારધામ ધમધમી ઉઠ્યું હોય તે બાતમી છેક ગાંધીનગર બેસતી એજન્સીને મળી જતી હોય અને સ્થાનિક પોલીસ અજાણ રહેતી હોય ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ખડા થયાં છે.
સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર શહેરના થોરાળા વિસ્તારમાં મયુરસિંહ નામના શખ્સે આંકડા લખી વરલી મટકાનો જુગાર શરૂ કર્યો હતો. જે અંગેની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને મળતા તાત્કાલિક એસએમસીએ દરોડો પાડી આખેઆખુ જુગારધામ ઝડપી પાડ્યું હતું.
એસએમસીના દરોડામાં ચારેક જુગારીઓ ઝડપાયા હોય તેવા અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે. એસએમસીના હાથમા એકાદ લાખ રૂપિયાનો મુદ્દામાલ આવ્યો હોય અને હજુ પણ મુદ્દામાલની ગણતરી ચાલતી હોય તેવા અહેવાલ પ્રાપ્ત થયાં છે.
ઉલ્લેખનીય બાબત છે કે, એસએમસીએ અગાઉ આ સ્થળે દરોડો પાડીને જુગારધામ ઝડપી પાડ્યું હતું. હવે તે જ સ્થળે ફરીવાર જુગારધામ ધમધમતા બાતમી છેક ગાંધીનગરની એજન્સીને મળી ગઈ પણ સ્થાનિક પોલીસ અજાણ રહી હતી. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસીએ દરોડો પાડી દેતાં પોલીસબેડામાં પણ ક્યાંક ખળભળાટ મચ્યો હોય તેવા અહેવાલ છે. આગામી દિવસોમાં આ મામલે શિક્ષાત્મક પગલાં લેવાય તો પણ નવાઈ નહિ.