જામનગર ન્યુઝ : જામનગરના રણજીત સાગર ડેમમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત સાથે રણજીતસાગર ડેમના વિસ્તારમાં ધાર્મિક સ્થળનું દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. અને તમામ દબાણ દૂર કરીને રણજીત સાગર ડેમની જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. આ વિસ્તારમાં કેટલાક સરકારી થાંભલા સહિતની મિલકતો જોવા મળી હતી. ત્યારબાદ તંત્ર દ્વારા આ બધી વસ્તુઓ કબ્જે કરવામાં આવી હતી . આ ઓપરેશન મહાનગરપાલિકાના તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા ગુપ્ત રીતે કરવામાં આવ્યું હતું. જેના કોઈ વધુ પ્રત્યાઘાતો ન પડે, તે માટે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ ગેરકાયદેસર ઊભી કરી દેવાયેલી પંજુપીર નામની દરગાહને તંત્ર દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કરવામાં આવ્યું હતું. સાથોસાથ તમામ પ્રકારનું ધાર્મિક દબાણ સાથેનું બાંધકામ પણ દૂર કરાયું હતું. આ રણજીતસાગર ડેમનું પાણી ઓછું થતાં આ દરગાહ બહાર દેખાય આવી હતી. જેને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી.
રણજીતસાગર ડેમના કેચમેન્ટ વિસ્તારમાં અગાઉના વર્ષો દરમિયાન પણ પાણીની માત્રા ઘટી ગઈ હતી અને ડેમનો વિસ્તાર ખુલ્લો રહ્યો હતો તે સમયમાં ધીમે ધીમે ધાર્મિક દબાણો શરૂ થયાં હતા. આ વિસ્તારમાં શરૂઆતના સમયમાં એક મજાર હતી. પણ થોડા સમયમાં ત્યાં ત્રણથી ચાર દરગાહ ઊભી કરવામાં હતી. જે મામલા અંગે હિન્દુ સેના અને અન્ય સંસ્થા દ્વારા દરગાહ દૂર કરવા અંગે એક થી વધુ વખત સરકાર પાસે રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા તપાસ હાથ ધરતા આ મજાર સહિતનું ધાર્મિક દબાણ ગેરકાયદેસર હોવાનું સામે થયું હતું. તેમજ અધિકારીઓ દ્વારા સ્થળ પર તપાસ કર્યા પછી ત્યાં પાણી ઘટશે તો કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.
તેમજ રણજીતસાગર ડેમ પર ગેરકાયદેસર 12000 થી 15000 ફૂટનો સરકારી કબજો અને ગેરકાયદેસર બાંધકામ હટાવવા કલેકટરને અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી. તેમજ જામનગર તાલુકાના હર્ષદપુર ગામના સરકારી ખરાબાની જમીનમાં 1750 ચોરસ મીટર જમીનમાં પરવાનગી વગર ધાર્મિક ગેરકાયદેસર દબાણ ઊભું કરવામાં આવ્યું હતું.જે વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ વડાપ્રેમસુખ ડેલુ ની આગેવાની હેઠળ ચુસ્ત બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યું હતું.
સાગર સંઘાણી