- અગ્નિકાંડનો સંપૂર્ણ રિપોર્ટ આવ્યા બાદ રાજય સરકાર દ્વારા આકરા પગલા લેવામાં આવે તેવી સંભાવના
રાજકોટમાં નાના મવા રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં ગત 25મી મેના રોજ સર્જાયેલા જીવલેણ અગ્નિકાંડની ઘટનામાં 27 નિદોર્ષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા આ ઘટનાથી સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે. અગ્નિકાંડની ઝીણવટભરી તપાસ કરવા રાજય સરકાર દ્વારા ઘટનાની ગણતરીની કલાકોમાં આઈપીએસ સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની તપાસ સમિતિ બનાવવામાં આવી છે. આ સીટની ટીમ દ્વારા ઘટનાના પ્રથમ 10 દિવસ બાદ અગ્નિકાંડનો પ્રાથમિક અહેવાલ સોંપવામાં આવ્યો હતો. દરમિયાન આવતીકાલે સીટ દ્વારા સંપૂર્ણ તપાસ રિપોર્ટ રાજય સરકાર સમક્ષ રજૂ કરી દેવામાં આવશે. ત્યારબાદ સરકાર હજી કેટલાક આકરા પગલા લઈ શકે છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં રાજકોટ અગ્નિકાંડનાં આવતીકાલે રજૂ થનારા રિપોર્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં મુખ્ય જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાના નિભંર તંત્રની ખૂલ્લી છે. મહાપાલિકાના ટીપીએ, એટીપી, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, સ્ટેશન ઓફીસર, ઈજનેરો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.હજી તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આઈપીએસ સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં રચાયેલી સીટની ટીમ દ્વારા અગ્નિકાંડની ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ આવ્યા બાદ સંપૂર્ણ રિપોર્ટ માટે ત્રણ મહિનાનો સમય આપવા માંગણી કરી હતી. જોકે ગુજરાત હાઈકોર્ટ અગ્નિકાંડની ઘટનાથી ખુબજ આગ બબુલા છે. સીટની ટીમને 20મી જૂન સુધીમાં સંપૂર્ણ રિપોર્ટ આપવા કડક તાકીદ કરી હતી. આવતીકાલે સીટની ટીમ દ્વારા સંપૂર્ણ તપાસ અહેવાલ રાજય સરકાર સમક્ષ રજૂ કરી દેવામાં આવશે.
આ તપાસના આધારે રાજય સરકાર અથવા ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખને સુપરસીડ કરવા શો-કોઝ નોટિસ પણ ફટકારે તેવી શકયતા નકારી શકાતી નથી.
બીજી તરફ રાજય સરકાર દ્વારા ટીઆરપી અગ્નિકાંડ સંદર્ભે ગત સોમવારે ખાતાકીય તપાસ માટે ત્રણ સિનિયર આઈએએસની કમિટી બનાવવામાં આવી છે. જેના દ્વારા પણ તપાસ શરૂ કરી દેવામાં આવ્યો છે. દરમિયાન આવતકાલે સીટની ટીમ દ્વારા અગ્નિકાંડની ઘટનાનો સંપૂર્ણ અહેવાલ રજૂ કરી દેવામાં આવશે. આ તપાસ રિપોર્ટના આધારે રાજય સરકાર દ્વારા જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.
કેબિનેટ બેઠકમાં પણ ‘સીટ’ના રિપોર્ટ અંગે ચર્ચા
આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધયક્ષસ્થાને રાજય સરકારના મંત્રી મંડળના સભ્યોની બેઠક મળી હતી. આ મેરેથોન કેબિનેટમાં રાજકોટ અગ્નિકાંડ મામલે સીટની ટીમ દ્વારા આવતીકાલે રજૂ થનારા સંપૂર્ણ તપાસ રિપોર્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત કેબિનેટની બેઠકમાં શાળા-કોલેજોમાં ફાયર એનઓસી, આગામી 27 થી 29 જૂન દરમિયાન યોજાનારા શાળા પ્રવેશોત્સવ, વરસાદની ખેંચ, સિંચાઈ માટે પાણી છોડવા, પાવાગઢમાં મૂર્તિ ખંડિત કરવા સહિતના વિવિધ મૂદે ચર્ચા કરાય હતી.