અહંકારી ઈન્દ્રનીલ રાજયગુરુનો હિસાબ કરવા ડો.હેમાંગ વસાવડા જુથ ફરી સક્રિય: રાજકોટમાં કોંગ્રેસ ઉભી થવાની કોશીષ કરે તે પૂર્વે જ પક્ષના માંધાતાઓ એકબીજાને પાડી દેવાના મુડમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની બેઠકોમાં ભલે વધારો થયો હોય પરંતુ રાજકોટ સંપૂર્ણપણે કોંગ્રેસ મુકત બની ગયું છે. ચૂંટણીના પરિણામો બાદ રાજકોટ શહેર કોંગ્રેસ સમીતીમાં ફરી કકળાટનો ચરૂ ઉકળી ઉઠયો છે અને જુથવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. અહંકાર ઈન્દ્રનીલ રાજયગુરુનો હિસાબ પતાવી દેવા ડો.હેમાંગ વસાવડા જૂથ સક્રિય થઈ ગયું છે. ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરી ફરી ઉભુ થવાની કોશીષ કરવાના બદલે કોંગ્રેસના માંધાતાઓ એકબીજાને પાડી દેવાને મુડવામાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતીના મહામંત્રી ડો.હેમાંગ વસાવડાએ ગઈકાલે એવી જાહેરાત કરી હતી કે, કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોની એક મીટીંગનું આયોજન શુક્રવારના રોજ નાગર બોર્ડીંગ ખાતે કરવામાં આવ્યું છે દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ ઈન્દ્રનીલ રાજયગુરુ અને કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતે એવી ચોખવટ કરી હતી કે, આવી કોઈ બેઠક યોજવા માટે પ્રદેશમાંથી સુચના આપવામાં આવી નથી. બેઠક બોલાવવા મામલે રાજકોટમાં કોંગ્રેસના પ્રદેશ અને લોકલ આગેવાનો રીતસર એકબીજાની સામે આવી ગયા છે. મહાપાલિકાની ચૂંટણીમાં ખુબજ નજીવી સરસાઈથી હારેલી કોંગ્રેસ માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આશાનું એક સુવર્ણ કિરણ દેખાતુ હતું પરંતુ જુથવાદના પાપે રાજકોટ કોંગ્રેસ મુકત બની ગયું છે.
સામાન્ય રીતે ચૂંટણી સંગઠન શક્તિના આધારે લડાતી હોય છે અને તેમાં સફળતા હાસલ કરવામાં આવતી હોય છે પરંતુ પ્રમુખપદ અને ત્યારબાદ ધારાસભાની ટિકિટ મળતા અહંકારી ઈન્દ્રનીલને જાણે બધુ જ પ્રાપ્ત થઈ ગયું હોય તેવું વર્તન થઈ હતું અને જાહેરમાં તેને પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ડો.હેમાંગ વસાવડા સામે એવો આક્ષેપ કર્યો હતો કે તે દગાખોર છે. મુખ્યમંત્રી સામે ચૂંટણી લડનાર ઈન્દ્રનીલ રાજયગુરુ સાથે સંગઠનના કોઈ હોદ્દેદારો જોડાયા ન હતા. પરિણામે રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભાની બેઠક પરથી ઈન્દ્રનીલે કારમો પરાજય વેઠવાનો વારો આવ્યો હતો.
સામાન્ય રીતે કોઈ પણ રાજકીય પાર્ટી પરાજયમાંથી શીખ લઈ ફરી બેઠી થવા માટેનો પ્રયત્ન કરતી હોય છે પરંતુ રાજકોટ શહેર કોંગ્રેસને જાણે કે આવી કોઈ જ પ્રકારની સીસ્ટમ ન હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં ફરી કોંગ્રેસને મજબૂત બનાવવાના એક માત્ર ઈરાદા સાથે ગઈકાલે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ડો.હેમાંગ વસાવડાએ કાર્યકરો અને આગેવાનોની બેઠક બોલાવી હતી જેમાં ચૂંટણી સમીક્ષા થવાની હતી પરંતુ સામાપક્ષે ઈન્દ્રનીલ રાજયગુરુ અને મહેશ રાજપૂતે આવી કોઈ જ બેઠક બોલાવી ન હોવાની જાહેરાત કરી દીધી હતી જેના કારણે સંગઠન ઉભુ થાય તે પહેલા જ ઉધા માંથે ફરી પટકાયું હતું.
વર્ષોથી રાજકોટમાં કોંગ્રેસ જૂથવાદના વમણમાં ફસાયેલી છે. જે કદી બહાર નીકળવા માંગતી ન હોય તેવું લાગી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણી વખતે લાગતુ હતું કે માત્ર રાજકોટ નહીં ગુજરાતભરમાં એક બનીને ચૂંટણી લડી રહી છે. જો કે ચૂંટણીના પરિણામો જાહેર થયાના ચોથા દિવસે જ રાજકોટ કોંગ્રેસમાં કકળાટનો ચરૂ ઉકળવા માંડયો છે અને જૂથબંધી ચરમસીમાએ પહોંચી ગઈ છે. બન્ને જૂથો એકબીજાનો હિસાબ કરી નાખવા માટે જાણે મરણીયા બન્યા હોય તેવું લાગી ર્હ્યું છે. સામાન્ય બેઠક બોલાવવા જેવા મામલે પણ સામસામા આવી ગયા છે. જૂથવાદના કારણે કોંગ્રેસ ફરી કોમામાં સરકી જાય તેવી ભીતિ પણ કાર્યકરોમાં વ્યાપી જવા પામી છે.