વર્ષ 2023ના નવા ફાયર સેફટીના નિયમ સાથે રૂડા ઓફિસનું બિલ્ડીંગ સુસંગત નથી: રૂડા વિસ્તારમાં ફાયર સેફટીના ચેકીંગમાં પણ વ્હાલા-દવલાની નીતિનો આક્ષેપ
રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા ભયાનક અગ્નિકાંડમાં બાળકો સહિત 27 નિર્દોષ નાગરિકો બળીને ભડથુ થઈ ગયા બાદ રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન સાથે હવે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા) દ્વારા પણ તેના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં ફાયર સેફટી અને ફાયર એનઓસી નું ચેકીંગ કરવામાં આવી રહયું છે. પરંતુ રૂડા ઓફિસ બિલ્ડીંગમાં જ ફાયર સેફટી નથી તે વિસ્તવિકતાને નજર અંદાજ કરવામાં આવી છે. તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણી સહિતના તમામ હોદેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા એવી માંગણી છે કે જો રૂડા ઓફિસ પાસે ફાયર એનઓસી હોય તો જાહેર જનતા સમક્ષ પ્રદર્શીત કરો. શું રૂડા ઓફિસનું 40 વર્ષ જુનું બિલ્ડીંગ ફાયર સેફટીના વર્ષ 2023 ના લેટેસ્ટ રૂલ્સ મુજબ અપડેટ છે ? શું રૂડા ઓફિસમાં ફાયર એક્ષ્ટીંગ્યુશર્સ છે ? રૂડા ઓફિસને ફાયર સેફટીના નિયમો લાગુ ન પડે ? જો લાગુ પડતા હોય તો શહેરની અન્ય મિલ્કતો-સંકુલોની જેમ રૂડા ઓફિસ બિલ્ડીંગ પણ સીલ થવું જોઈએ પરંતુ આજ દિવસ સુધી સીલ કરાયુ નથી.
વધમાં કોંગ્રેસ પ્રમખ અતલ રાજાણીએ જણાવ્યું છે કે,
રૂડા એરિયામાં હાલ જે ફાયર સેફટી અને ફાયર એનઓસીનું ચેકીંગ કરવામાં આવી રહયું છે તેમાં પણ રૂડાના સ્ટાફ દ્વારા વ્હાલા-દવલાની નિતી દાખવવામાં આવી રહી છે અને વ્યાજબી રજૂઆતો ધ્યાને નહીં લઈને વેપારીઓને કનડગત કરવામાં આવી રહી છે.
રૂડા કચેરીમાં કયારેય સ્ટાફ હાજર હોતો નથી ત્યારે કોઈ મુદ્દે રજૂઆત કરવી હોય તો કોને કરવી તે પણ એક પ્રશ્ર્ન છે. રૂડા ઓફિસમાં બે દરવાજા છે જેમાં એક દરવાજો શ્રોફ રોડ તરફ અને બીજો દરવાજો જામનગર રોડ તરફ છે પરંતુ જામનગર રોડ તરફનો દરવાજો કાયમ બંધ રખાય છે તેવું શા માટે ? તેનો ખુલાસો કરશો. રૂડા ઓફિસ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોરમાં મિની ઓડિટોરીયમ છે તેમાં પણ એન્ટ્રી-એકઝીટના અલગ દરવાજા કે ઈમરજન્સી એકઝીટની કોઈ સુવિધા નથી. રૂડા ઓફિસમાં આજથી બરાબર એક માસ પછી ફરી કોંગ્રેસ ચેકીંગ કરવા આવશે ત્યાં સુધીમાં ફાયર સેફટીની સુવિધા નિર્માણ કરી લેશો.
હાલ રૂડા કચેરીમાં ચેરમેનની જગ્યા વર્ષોથી ખાલી પડેલ હોય અને પુરતું મહેકમ પણ છે નહિ અનેક જગ્યાઓ ખાલી હોય તે જગ્યાઓ ભરાતી નથી અને શાસકોની આંતરીક ખટપટને પગલે ચેરમેનની જગ્યા પણ વર્ષોથી ખાલી પડેલ છે તેમ છતાં સીલ મારવાના પગલે રૂડા કચેરીનો સ્ટાફ હોતો નથી અને કચેરી ખાલીખમ રહેતી હોય છે જે પગલે કામકાજ અર્થે આવતા નાગરીકોને પારાવાર હાડમારી વેઠવી પડે છે. તેમ યાદીમાં જણાવાયુ છે. તેમ યાદીમાં જણાવાયું છે.
પહેલા રૂડા પોતાની ઓફિસને સિલ મારે પછી વેપારીઓને હેરાન કરે : ડો.નયનાબા જાડેજા
કોંગ્રેસ અગ્રણી ડો. નયનાબા જાડેજાએ જણાવ્યું કે રૂડા ઓફિસે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને રજુઆત કરાઈ છે કે તમારી ઓફિસમાં પણ સીલ મારવું જરૂરી છે કેમકે તમારી ઓફિસમાં ફાયર સેફ્ટીના સાધનો નથી. ફાયર સેફટીના પ્રોટોકોલ તમે પણ મેન્ટેન નથી કરી રહ્યા. રૂડા ઓફિસ દ્વારા વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવે છે. વેપારીઓ ખૂબ હેરાન થઈ રહ્યા છે. અત્યાર સુધી તંત્ર ગાઢ નિંદ્રામાં હતું. ક્યાંય ચેકિંગ ના કર્યું એટલે અગ્નિકાંડ થયો. લોકોને વેપાર ધંધામાં તકલીફ પડી રહી છે. દુકાનોમાં સીલ મારી રહી છે ત્યારે તમારી ઓફિસમાં પણ સીલ લાગવું જોઇએ. પહેલા તમારી ઓફિસમાં સીલ મારો પછી વેપારીઓ અને અન્ય લોકોને હેરાન કરો.