- પાવાગઢ ખાતે પ્રતિમાઓ પુન: સ્થાપિત કરવાની કામગીરી શરૂ કરાઈ: સમગ્ર મામલાની તપાસ પંચમહાલ ડીએસપીને સોંપવામાં આવી હોવાની જાણકારી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી આપી
પાવાગઢમાં પ્રાચીન જૈન પ્રતિમાને ખંડિત કરવાના મામલે સમગ્ર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘ દ્વારા તાકીદે બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં અમદાવાદ જૈન મહાસંઘ દ્વારા પ્રતિમાજી ખંડિત કરવાની ઘટનામાં જે પણ કોઈ જવાબદાર હોય તેઓની તાત્કાલિક ધરપકડ કરી કડકમાં કડક કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી હતી. આ મામલે અમદાવાદ કલેક્ટરને તા. 19મીએ સવારે 10.30 કલાકે આવેદન આપવા સમગ્ર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘે આહવાન કર્યું છે. પાવાગઢમાં જૈન મૂર્તિઓના વિવાદના જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. બીજા દિવસે પણ જૈન સમાજના લોકો એકઠા થયા હતા. ઠેર ઠેર આવેદન પત્ર આપી રોષ ઠાલવવામાં આવી રહ્યો હતો ત્યારે સુરતમાં કલેક્ટર કચેરીએ જૈન સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.શાહીબાગ ગિરધરનગર જૈન સંઘમાં મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થયા હતા અને આ સમગ્ર દુષ્કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું હતું. યુવાનોએ સ્થાનિક ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાની મુલાકાત લઇ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. જૈન યુવા સંઘ સંગઠનના સુરેશભાઈ ચેન્નઈ, જૈન યુવક મહા સંઘના ભદ્રેશ શાહ વગેરે જણાવ્યું હતું કે મૂર્તિ ખંડિત કરવાનું બેજવાબદાર કૃત્ય કરનાર વિરુદ્ધ સરકાર અને પુરાતત્વ ખાતા દ્વારા પગલાં લેવાવા જોઈએ.પ્રાચીન જૈન ધરોહરને જાળવી રાખવા માટે વર્ષોથી જે જગ્યાની વ્યવસ્થા માટે માગણી કરવામાં આવી છે તે સોંપવામાં આવે.પાવાગઢમાં પ્રાચીન જૈન મંદિરોને જૈન ધર્મની પેઢીને સોંપી સોંપવામાં આવેપાલીતાણાના સંદર્ભમાં બે વર્ષથી ટાસ્ક ફોર્સની રચના થઈ તેનું તાત્કાલિક અમલીકરણ જૈન ધર્મના તીર્થસ્થાનોની સુરક્ષા, જાળવણી માટે જૈન ધર્મગુરુઓને સાથે રાખી ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી પગલાં ભરવામાં આવેકોર્ટમાં વર્ષોથી જે મુદ્દા છે તે કેસોને ફાસ્ટ ટ્રેક પર ચલાવી અને નિર્ણય લાવવામાં આવે.હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને વિકાસના નામે તોડી (ખંડિત)ને ફેંકી દેતા ભારે હોબાળો મચી ગયો છે. રવિવારે મોડી સાંજે મોટી સંખ્યામાં જૈનો પાવાગઢ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તોડફોડ રોકીને જવાબદારો સામે પગલાં લેવા માટે માગ કરી હતી. દરમિયાન, જૈન તીર્થંકરોની પ્રતિમાઓ જ્યાં સુધી સ્થાપિત ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી સાથે સોમવારે પણ સુરત અને નવસારીમાં સવારથી મોટી સંખ્યામાં જૈન સમાજના નાગરિકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જૈનાચાર્યોની હાજરીમાં જૈન સમાજના લોકોએ ધરણાં યોજ્યા હતાં. પ્રતિમાઓને ઉખાડીને ફેંકનારા જવાબદારો વિરુદ્ધ કાર્યવાહીની માગ પણ ઊઠાવી છે.
પાવાગઢના જૈન તીર્થંકરોની મૂર્તિઓ ખંડિત કરનારાઓને છોડાશે નહિ: ઋષિકેશ પટેલ
પાવાગઢના તીર્થંકરની મૂર્તિઓ ખંડિત થવાના મામલે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે લોકોની ધાર્મિક લાગણી સાથે ચેડા કરનાર કોઈને પણ છોડાશે નહીં. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મુદ્દે એફઆઇઆર દાખલ કરી છે. આ કૃત્ય કરનારા અસામાજિક તત્વોને પકડીને તેમની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે જેથી તેઓ ફરીથી આ પ્રકારનું કૃત્ય ન કરે. અસામાજિક તત્વોના આ પ્રકારના કૃત્યોના પગલે લોકોની સામાજિક અને ધાર્મિક લાગણી દુભાય છે.આમ તેમણે જણાવ્યું હતું કે આ કૃત્ય તંત્રનું નથી, અસામાજિક તત્વોનું છે. આમ કરનારા તત્વોને છોડાશે નહી. તંત્ર તો ઉપરથી પાવાગઢની સગવડોમાં વધારો કરી રહ્યુ છે અને જેટલી પણ પૌરાણિક મૂર્તિઓ છે તેને નવસ્થાપિત કરવા પ્રયત્નશીલ છે.
આવી ઘટનાનું પુનરાવર્તન સરકાર અટકાવે: વિહિપ
પાવાગઢમાં જૈન તીર્થંકરોની પ્રતિમા ખંડિત થવાના મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદે ચિંતા વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તેનું તંત્ર ધ્યાન રાખે તેમ જણાવ્યું છે. વિહિપના મંત્રી અશોક રાવલે જણાવ્યું છે કે આ ઘટના ફક્ત જૈન જ નહીં સમગ્ર હિન્દુ સમાજ માટે આઘાતજનક છે. સીએમ આ બાબતે હસ્તક્ષેપ કરીને જૈન સમાજ, મુનિ ભગવંતો અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓ-અધિકારીઓ સાથે બેસીને સુખદ ઉકેલ લાવે તેવી અપીલ પણ કરી છે.