યુનિવર્સિટી કે સંલગ્ન કોલેજમાં પ્રવેશ લીધા બાદ વિદ્યાર્થી પ્રવેશ રદ કરાવે તો ઘણી ખરી યુનિવર્સિટીઓ ફી પરત આપતી ન હોવાની ફરિયાદ ઉઠી હતી: વર્ષ 2024-25માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ પૈકી કોઇ 30 સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ રદ કરાવે તો તમામ ફી પરત આપવાની રહેશે
દેશની જુદી જુદી યુનિવર્સિટીઓમાં હાલમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. જે તે યુનિવર્સિટી કે સંલગ્ન કોલેજમાં પ્રવેશ લીધા બાદ વિદ્યાર્થી પ્રવેશ રદ કરાવે તો યુનિવર્સિટીઓ ફી પરત આપતી નથી. આ સ્થિતિમાં વર્ષ 2024-25માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ પૈકી કોઇ 30 સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશ રદ કરાવે તો તમામ ફી પરત આપવાની રહેશે. આ સિવાય 31મી ઓક્ટોબર સુધીમાં પ્રવેશ રદ કરાવે તો માત્ર રૂ.1 હજાર સુધી કાપીને બાકીની ફી પરત કરવા આદેશ કરવામાં આવ્યો છે. યુજીસી દ્વારા કરવામાં આવેલા આ આદેશ તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને લાગુ પડશે તેવી સ્પષ્ટતાં પણ કરવામાં આવી છે.ધો.12ના પરિણામ બાદ હાલમાં દરેક રાજયોમાં આર્ટસ,કોમર્સ, સાયન્સ સહિતની જુદા જુદા કોર્સની કોલેજમાં પ્રવેશની કાર્યવાહી ચાલી રહી છે. આ સ્થિતિમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન) સુધી એવી ફરિયાદો પહોંચી હતી કે, મોટાભાગની કોલેજો કે યુનિવર્સિટીઓ એક વખત વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવ્યા પછી જો કોઇ સ્થિતિમાં વિદ્યાર્થીઓ પ્રવેશ રદ કરાવે તો યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓની ફી પરત આપતી નથી અથવા તો મોટાભાગની રકમ કાપ્યા પછી સામાન્ય રકમ જ પરત આપતી હોય છે. યુજીસી સમક્ષ પહોંચેલી ફરિયાદના અનુસંધાનમાં તાજેતરમાં યુજીસીની મળેલી બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે, કોઇપણ વિદ્યાર્થીઓ એક વખત પ્રવેશ લીધા પછી નિર્ધારિત સમયમાં પ્રવેશ રદ કરાવે તો તેમને સંપૂર્ણ ફી પરત મળવી જરૂરી છે. આ માટે યુજીસી દ્વારા સત્તાવાર પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો છે. યુજીસીએ કરેલા આદેશ પ્રમાણે ચાલુવર્ષે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ પૈકી કોઇ વિદ્યાર્થી 30મી સપ્ટેમ્બર પહેલા પ્રવેશ લઇને રદ કરાવે તો તેણે ભરેલી તમામ ફી પરત આપવાની રહેશે. આ ઉપરાંત 30 સપ્ટેમ્બર પછી એટલે કે 31મી ઓક્ટોબર સુધીમાં જો કોઇ વિદ્યાર્થી પ્રવેશ રદ કરાવે તો માત્ર રૂ.1 હજાર કાપીને બાકી રહેતી તમામ ફી પરત કરવાની રહેશે. દેશની તમામ કોલેજો, યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને આ નિયમ લાગુ પડશે તેવી સ્પષ્ટતાં પણ કરી દેવામાં આવી છે. 30 સપ્ટેમ્બર સુધી પ્રવેશ રદ કરાવનારાને તમામ ફી, 31 ઓક્ટોબર સુધીમાં પ્રવેશ રદ કરાવનારા વિદ્યાર્થીઓની માત્ર 1 હજાર રૂપિયા ફી કાપી શકાશે.
- પ્રવેશની છેલ્લી તારીખ પહેલા 15 દિવસ સુધીમાં 100 ટકા રીફંડ મળશે
મહત્વની વાત એ કે, 31 ઓક્ટોબર સુધીમાં કેવી રીતે ફી પરત આપવી તેની સ્પષ્ટતાં કર્યા બાદ એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે, આ સમયમર્યાદા પછી જો કોઇ ફી અંગે વિવાદ ઉભો થાય તો યુજીસી દ્વારા અગાઉ ઓક્ટોબર 2018માં ફી રીફંડ અંગે કરાયેલા નિયમો લાગુ કરવામાં આવશે.પ્રવેશની છેલ્લા તારીખ પહેલા 15 દિવસ સુધીમાં 100 ટકા રીફંડ મળશે.
આ ઉપરાંત 15 દિવસથી પછી અને 30 દિવસથી અંદર 80 ટકા અને 30 દિવસ પછી પ્રવેશ રદ કરાવે તો 50 ટકા ફી પરત આપવાની રહેશે તેવી જાહેરાત પણ કરી દેવામાં આવી છે.