બીએ, બી.એડ કરેલ માધ્યમિક શાળાના શિક્ષકોનો પગાર 40 હજાર જ્યારે પીએચ.ડી., નેેટ સ્લેટ જેવી રાષ્ટ્રીય પરીક્ષા પાસ કરનારા કોલેજોમાં અભ્યાસ કરાવતા અધ્યાપકોનો પગાર ફક્ત 40 હજાર!: કોલેજ અધ્યાપક સહાયકોના પગાર વધારાની રજૂઆત નિદત્ત બારોટે મુખ્યમંત્રીને કરી
સમગ્ર રાજ્યની અંદાજે 350થી પણ વધુ ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપકોની ભરતી યુજીસી પ્રમાણેની લાયકાત અને કેન્દ્રીય કૃત્ત મેરીટના આધારે પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગારમાં એટલે અધ્યાપક સહાયક તરીકે કરવામાં આવે છે. ત્યારે એવી વાત પણ સામે આવી છે કે શાળાઓ કરતા કોલેજોના અધ્યાપક સહાયકોનો પગાર ઓછો છે. સમગ્ર મામલે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા ડો.નિદત્ત બારોટે મુખ્યમંત્રીને તાકીદે પગાર વધારો કરવા માંગ કરી છે અને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
ડો.નિદત્ત બારોટે જણાવ્યું હતું કે ગુજરાતમાં અનુદાનિત કોલેજોમાં યુજીસીના નિયમોથી વિપરિત ગુજરાત સરકારે અધ્યાપક સહાયકની જગ્યા પૂર્ણ પગારના અધ્યાપકોની જગ્યાએ ભરવાનું નક્કી કર્યું. 7,500ના ફિક્સ પગારથી પાંચ વર્ષ લટકતી તલવારે અધ્યાપક સહાયક કાર્યકરે તેવી શરૂઆત થઇ આજે અધ્યાપક સહાયકોને 40,156 ફિક્સ પગાર મળે છે. ગુજરાતમાં ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકોનો પગાર રૂ.49,600 છે. માધ્યમિક શાળાઓમાં શિક્ષકોનો પગાર 40,800 છે. બીએ, બી.એડ કરેલ માધ્યમિક શાળાના શિક્ષકોનો પગાર પણ 40,800 છે. ઉપરાંત એમ.એ.બી.એડ. કરેલ ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકોનો પગાર રૂ.49,600 છે. જ્યારે બીજી બાજુ માસ્ટર, પીએચ.ડી અને નેટસ્લેટ જેવી પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોનો પગાર ફક્ત રૂ.40,156 છે. જ્યારે કોલેજ અધ્યાપક સહાયકોનો શોષણ થતું હોય અને આ અધ્યાપક સહાયકોએ ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ સ્પીપા આયોજીત સીસીસી પરીક્ષા આપવાની અને 25 દિવસનો સઘન ગુરૂદક્ષતાનો કાર્યક્રમ કરવાનો, સંશોધન પત્ર લખવાના તેમજ ચૂંટણી સહિતની તમામ કામગીરી કરવાની છતાં પણ પગાર કેમ ઓછો? વધુમાં તેમણે જણાવ્યું હતું કે આવા યુવાનો કે જે અધ્યાપક સહાયક થયા છે. જે કોલેજમાં કામ કરતા વિદ્વાન યુવાનોનો પગાર ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં કામ કરતા શિક્ષકોથી ઓછો અને ધોરણ-9-10 માં કામ કરતા શિક્ષકો જેટલો. આવું માત્ર ગુજરાતમાં જ છે. સરકાર જ્યારે ગુજરાત મોડેલની ચર્ચા કરતી હોય અને દેશ તેને ફોલો કરતી હોય ત્યારે ગુજરાત અધ્યાપક સહાયકોની કેટલીક વેદનાઓ સરકાર સમજે અને તે સમસ્યાનો હલ કરી કોલેજ અધ્યાપક સહાયકોનો પણ પગાર વધે તેવી મારી મુખ્યમંત્રી સમક્ષ માંગ છે.