• ‘ભગવા’ને લજવતા સાધુઓ સમાજને કેવી રીતે રાહ બતાવી શકશે?
  • પોલીસે બે સ્વામી સહીત ત્રણ વિરુદ્ધ દુષ્કર્મ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામ ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ સાથે સંકળાયેલા બે જેટલા સ્વામિનારાયણના સંતો સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ દુષ્કર્મ અને ગર્ભપાત સહિતની કલમો હેઠળ ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને લાંછન લગાડતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુળના ધર્મસ્વરૂપદાસ સ્વામીએ ફેસબુક મારફત યુવતી સાથે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી ખોટા લગ્નનું નાટક કરી તેની સાથે અવાર-નવાર ઇચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી યુવતીને સગર્ભા બનાવી હતી. જે બાદ ધર્મસ્વરૂપદાસ સ્વામીએ હોસ્ટેલના સંચાલક મયૂર કાસોદરિયા સાથે પ્રેગ્નન્સી કિટ અને ગર્ભપાતની દવા મોકલાવી યુવતીની ઇચ્છા વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યો હતો. આ ઘટના અંગે યુવતીએ રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ આ ઘટના ખીરસરા (ઘેટિયા) ગામમાં બની હોવાથી ભાયાવદર પોલીસે ફરાર ધર્મસ્વરૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને હોસ્ટેલ સંચાલક મયૂર કાસોદરિયાને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ શહેરમાં રહેતી 30 વર્ષીય યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. 25-12-2020 ના રોજ ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુળ આવેલ છે, ત્યાં રહેતા ધર્મસ્વરૂપદાસ સ્વામીએ મને ફેસબુકમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. મેં તેમનું પ્રોફાઇલ જોઇને રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી અને ત્યારબાદ આ ધર્મસ્વરૂપદાસ સ્વામી મારી સાથે ફેસબુકમાં અને વ્હોટ્સએપમાં વાતચીતો કરતા અમારી વચ્ચે મિત્રતા થઈ હતી.

ત્યારબાદ તેમણે મને રૂબરૂ મળવા બોલાવતા હું ફેબ્રુઆરીમાં સ્વામીને મળવા માટે ખીરસરા ગામે ગઈ હતી. ત્યારે હું અરણી ગામના બસ સ્ટેશનમાં ઊતરતા મયૂર કાસોદરિયા મને લેવા આવ્યો હતો, જેને સ્વામીએ મોકલ્યો હતો. આ મયૂર મને ગુરુકુળમાં લઈ ગયો હતો. મને પહેલેથી જ ધર્મસ્વરૂપદાસ સ્વામીએ કીધેલું હતું કે, ગુરુકુળમાં ગેસ્ટરૂમ આવેલ છે તો તમે ત્યાં જ જતાં રહો હું તમને ત્યાં મળીશ તેવું જણાવેલ હતું. યુવતી ત્રીજા માળે આવેલા ગેસ્ટરૂમમાં ગઈ ત્યારે આ ધર્મસ્વરૂપદાસ સ્વામી ત્યાં હાજર જ હતા. તે દરમિયાન તે મારી સાથે વાતો કરવા લાગ્યા અને મને આશ્વાસન આપી અને મને ખોટી હમદર્દી બતાવીને ભેટી પડ્યા હતા અને બીભત્સ હરકતો કરવાની કોશિશ કરતા મેં તેનો પ્રતિકાર કર્યો હતો.

ત્યારબાદ તેમણે મારી સાથે લગ્નની વાત કરી હતી અને મને વાતમાં ફસાવી છેતરીને ખોટી રીતે મારી સાથે ત્યાં ગેસ્ટરૂમમાં જ લગ્ન કર્યા હતા. પછી મને કહ્યું કે, હવે હું તારો કાયદેસરનો પતિ કહેવાય જેથી હવે તારા ઉપર મારો હક્ક છે. તે રાતે આ ધર્મસ્વરૂપદાસ સ્વામીએ મારી ઇચ્છા વિરુદ્ધ મારી સાથે પરાણે શરીર સંબંધ બાંધ્યો હતો અને કહ્યું હતું કે, આપણાં લગ્ન થઇ ગયાં છે તે વાત તું કોઇને કહેતી નહિ. આપણે સમાજમાં કાયદેસર લગ્ન ન કરી શકીએ અને આપણે સાધુ-સાધ્વી થઈને સાથે રહેવાનું છે. આ પછી સવારના 5 વાગ્યે હું ગુરુકુળથી બસ સ્ટેશન ગઈ હતી અને બસ આવતા હું રાજકોટ મારા ઘરે આવતી રહી હતી. આ વાત ઘરે મેં કોઇને કરી નહોતી.

ત્યારબાદ હું અઠવાડિયાના ગાળામાં બે વખત આ સ્વામીને મળવા માટે ગઈ હતી. સ્વામીએ મને લલચાવી કહ્યું કે, સેવા-ચાકરી કરવાની છે. આ વખતે મારે ધર્મસ્વરૂપદાસ સ્વામી સાથે સાધ્વી થવા બાબતેની વાતચીત થઈ હતી. જે વાત મેં ઘરે જઈને મારા પરિવારને સાધ્વી બનવા અંગેની કરી હતી. ત્યારબાદ હનુમાન જયંતીના દિવસે હું અને મારાં પરિવારજનો ખીરસરા ગામે ગયા હતા અને ત્યાં સ્વામીને મળી સાધ્વી થવા અંગેની વાતચીત કરી હતી. જ્યાં આ ધર્મસ્વરૂપદાસ સ્વામીએ મને કંઠી પહેરાવી અને દીક્ષા અપાવેલ હતી. દીક્ષા બાદ ખીરસરાથી ટીંબડી ગામમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલ મને એક રૂમ આપ્યો હતો, જ્યાં હું રોકાયેલ હતી.બીજા દિવસે સવારે મેં હોસ્ટેલના સંચાલકને કહ્યું કે, મારો પરિવાર ખીરસરા ગુરુકુળમાં રોકાયેલ છે, તો હું છેલ્લી વાર તેને મળવા માગું છું. આ બહાનું બતાવવા મને સ્વામીએ કહ્યું હતું. જેથી હોસ્ટેલના સંચાલક મયૂર કાસોદરિયા કે જે સ્વામીનું બધું જાણતો હોતો અને સ્વામીને મદદ કરતો હતો. આ મયૂર કાસોદરિયા મને ખીરસરા ગુરુકુળ મૂકવા આવ્યો, જ્યાં હું સ્વામીને મળી અને ત્યાં જ રાત રોકાઈ હતી. ત્યારે આ ધર્મસ્વરૂપદાસ સ્વામીએ દિવસના તેમજ રાત્રિના એમ કુલ 5 વાર મારી સાથે મારી ઇચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો.

ત્યારબાદ થોડા દિવસ બાદ મારા માસિક ધર્મ ચુકી જતા મેં સ્વામીને વાત કરી હતી. જેથી સ્વામીએ મયૂર કાસોદરિયા સાથે પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ મોકલાવી હતી. જેમાં ચેક કરતા હું પ્રેગ્નન્ટ હોવાનું સામે આવતા મેં સ્વામીને ફોન કરી પ્રેગ્નન્સી અંગેની વાત કરી હતી.

જેમાં સ્વામીએ ગર્ભપાત થવા અંગેની દવા મયૂર સાથે મોકલાવી અને મને કહ્યું કે, આ દવા ખાઇ જજે. જેથી મેં સ્વામીના કહેવાથી દવા ખાધી હતી અને મારો ગર્ભ પડી ગયો હતો, ત્યારબાદ મને ભુજ ખાતે સાધ્વીની ટ્રેનિંગ માટે મોકલી હતી. ત્યારબાદ ભુજ ટ્રેનિંગ પૂરી કરી હળવદ ટ્રેનિંગમાં મોકલી હતી. ત્યાં ટ્રેનિંગ પૂરી કરી હું પાછી ટીંબડી આવતી રહી હતી. આ સમયગાળા દરમિયાન મારે આ સ્વામી સાથે મતભેદ થયો હતો. જેથી સ્વામીએ મને સમજાવેલ કે, તું ખોટું વિચારે છે, મેં તારી સાથે કંઈ ખોટું કર્યું નથી. હું તને સારી રીતે જ રાખું છું, પરંતુ હું માની નહિ અને સ્વામી નારાયણસ્વરૂપદાસને આ સમગ્ર બનાવની વાત કરી હતી. જે બાબતની જાણ સ્વામીને અગાઉથી જ હતી અને બાદમાં હોસ્ટેલ સંચાલક મયૂર, મોટા સ્વામી નારાયણસ્વરૂપદાસ અને ધર્મસ્વરૂપદાસ સ્વામી આ ત્રણેયે મને ધમકાવી અને કહ્યું કે, તું આ વાત કોઇને કરીશ તો અમે જોઇ લઈશું. તને સમાજમાં બદનામ કરીને રાખી દઇશું, તને જીવવા જેવી નહિ રહેવા દઇએ.આ લોકો વાતને દબાવવા માંગતા હતા, જેથી યેનકેન પ્રકારે મને ડરાવી-ધમકાવીને ચૂપ કરાવી હતી. બાદ હું દસેક દિવસ પછી રાજકોટ મારા ઘરે આવતી રહી હતી અને આ સમગ્ર બનાવની વાત મેં મારા માતાને કરી હતી. ત્યારબાદ પણ આ સ્વામી મને ફોનમાં આ વાત કોઈને ન કરવા અંગે ધમકીઓ આપી હતી અને કહેતા હતા કે, તું કેસ કરીશ તો તારું કોઈ માનશે નહીં. મોટા સ્વામી નારાયણસ્વરૂપદાસ અને મારી બહુ લાગવગ છે, તું અમારું કંઈ નહીં કરી શકે. અમે તને જ સમાજમાં બદનામ કરી નાખીશું આવી ધમકીઓ ફોનમાં આપી હતી.

આમ આ ધર્મસ્વરૂપદાસ સ્વામીએ મારી સાથે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી ખોટા લગ્નનું નાટક કરી મારી સાથે અવારનવાર મારી ઇચ્છા વિરુદ્ધ મારી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. મને તેનાથી ગર્ભ રહી જતા હોસ્ટેલના સંચાલક મયૂર કાસોદરિયા સાથે પ્રેગ્નન્સી કિટ તથા ગર્ભપાતની દવા મોકલાવી મારી ઇચ્છા વિરુદ્ધ મારો ગર્ભપાત કરાવ્યો હતો. આ સમગ્ર બનાવમાં નારાયણ સ્વરૂપદાસ સ્વામી તથા હોસ્ટેલના સંચાલક મયૂરભાઈ આ બન્ને ધર્મસ્વરૂપદાસ સ્વામીને મદદ કરતા તેઓની વિરુદ્ધ પોલીસે આઈપીસીની કલમ 376(2)(એન), 313, 114 મુજબ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.