- ઘાટકોપરમાં કોઈ ભૂખ્યું નહિ સુવે: રોજના 5000 લોકોની જઠારાંગ્ની ઠારવાની ભાવના સાથે ગુરુપ્રસાદ અનોખા પ્રકલપનો શુભારંભ
ઘાટકોપરમાં વસતા દરેક જરૂરિયાતમંદ વ્યક્તિના ચહેરા પર ભોજનનો સંતોષ આપવાની રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની કરૂણા ભાવનાથી પારસધામના આંગણે દરરોજ હજારો ભાવિકોના ભોજનની વ્યવસ્થા દ્વારા ઘાટકોપરના અલગ અલગ ક્ષેત્રમાં અર્પણ કરવાના પરમાર્થિક પ્રકલ્પ “ગુરૂ પ્રસાદ” શુભારંભનો યોજાયેલો અવસર સમગ્ર સમાજને માનવતા અને જીવદયાના સત્કાર્યો માટેની એક નવી પ્રેરણા પ્રસારી ગયો હતો.
સર્વ મંગલ ફેમિલી ટ્રસ્ટ – શાહ હેપીનેસ ફાઉન્ડેશન અમેરિકાના ફાઉન્ડર રીકાબેન મનુભાઈ શાહના હૃદયની ઉમદા અને ઉદાર ભાવનાના સહયોગે ચાલનારા આ મહાપ્રકલ્પના શુભારંભ અવસરે મહાનુભાવો સાથે દરેક સમાજના અગ્રણી ભાવિકો તેમજ ઘાટકોપરના સંઘોના બહોળી સંખ્યામાં ભાવિકો આ મહાપ્રકલ્પની અનુમોદના કરવા વિશેષ ભાવો સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.
કચ્છના ભૂજ શહેરમાં દરરોજ 35000 ભાવિકોને, પનવેલમાં દરરોજના 15000 ભાવિકોને ભોજન અર્પણ કરી રહેલાં, કેટ્રેકટ જેવી બીમારીથી પીડાઈ રહેલાં, આંખના હજારો દર્દીઓને શાતા – સમાધિ પમાડી રહેલાં અને અનેક પ્રકારના સત્કાર્યો દ્વારા હજારો જીવોનું દુ:ખ દૂર કરવાનો પ્રયત્ન કરી રહેલાં એવા સર્વ મંગલ ફેમિલી ટ્રસ્ટ – અમેરિકાના ફાઉન્ડર રિકાબેન મનુભાઈ શાહની પરમાર્થ ભાવનાની પ્રશસ્તિ કરીને આ અવસરે પરમ ગુરુદેવે પ્રેરક વચનો ફરમાવતાં કહ્યું હતું કે, પોતાના સુખ કરતાં, બીજાના દુ:ખની ચિંતા કરનારા, પોતાની અનુકૂળતાનો વિચાર ન કરીને બીજાની પ્રતિકૂળતાને દૂર કરવાનો વિચાર કરનારા અને બીજાના ચહેરા પર શાંતિ- સંતોષની રેખા લાવનારા એવા પરમાર્થી વ્યક્તિની સ્વયંની ભાગ્યની રેખાઓ પલટાઈ જતી હોય છે. સમાજ પાસેથી આપણે જે કંઈ પણ મેળવ્યું છે, તે સમાજને અર્પણ કરવા સ્વરૂપ પરમાર્થના કાર્ય કરવા તે કોઈ એક વ્યક્તિનું નહીં પણ આપણા સૌનું કર્તવ્ય હોય છે.
ઉલ્લેખનીય છે કે ઘાટકોપરમાં દરરોજના હજારો જરૂરિયાતમંદ ભાવિકોને ભોજન અર્પણ કરવાની વિતરણ અવસ્થા એમ. એલ. એ. પરાગ શાહના નેતૃત્વમાં કરવામાં આવશે ત્યારે આ મહાપ્રકલ્પમાં સમય, શક્તિ અને સેવાનો યોગદાન આપી સાથ -સહકાર આપવાનો અનુરોધ પરાગ શાહ દ્વારા આ અવસરે કરવામાં આવતા સહુ એ સંમતિ દર્શાવી હતી. દરેક જ્ઞાતિના હજારો જરૂરિયાતમંદોની ક્ષુધાતૃપ્તિ કરવા માટે ઘાટકોપરના પારસધામ ખાતે અને કામરાજ નગરમાં દરરોજ સવારના દશ કલાકથી સાંજના છ કલાક સુધી કાર્યરત રહેનારા આ પ્રકલ્પનો, સહુના હૃદયમાંથી પ્રસરતી શુભ ભાવના અને અનુમોદના સાથે શુભારંભ કરવામાં આવતાં સર્વત્ર આનંદ – આનંદ પ્રસરાઈ ગયો હતો. આ મહાપ્રકલ્પની શૃંખલા મુંબઈના વિવિધ ક્ષેત્રોમાં સર્જાય એવી પરમ ગુરુદેવની શુભ પ્રેરણા સાથે આ અવસર વિરામ પામ્યો હતો.