- જમ્મુમાં છેલ્લા દિવસોમાં આતંકી હુમલાઓમાં વધારો,
- કાશ્મીરની તર્જ ઉપર જ ત્યાં પણ શાંતિ સ્થાપવા વિવિધ
- એજન્સીઓને દિશા નિર્દેશ કરતા અમિત શાહ
ફક્ત કાશ્મીર નહિ, જમ્મુમાં અમરનાથ યાત્રાને લઈ સુરક્ષા કવચ મજબૂત બનાવવા ગૃહમંત્રી અમિત શાહે કમર કસી છે. જમ્મુમાં છેલ્લા દિવસોમાં આતંકી હુમલાઓમાં વધારો થયો છે. ત્યારે કાશ્મીરની તર્જ ઉપર જ ત્યાં પણ શાંતિ સ્થાપવા વિવિધ એજન્સીઓને દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે.
જમ્મુ અને કાશ્મીરના જમ્મુ ડિવિઝન – જ્યાં છેલ્લા અઠવાડિયે રિયાસી, કઠુઆ અને ડોડા જિલ્લામાં વારંવાર આતંકવાદી હુમલાઓ થયા છે . રવિવારે અહીં યોજાયેલી સમીક્ષા બેઠકમાં, ગૃહ પ્રધાન અમિત શાહે સુરક્ષા એજન્સીઓને નવીન માધ્યમોનો ઉપયોગ કરવા અને કાશ્મીર ક્ષેત્રમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રાપ્ત કરેલી સફળતાઓની તર્જ ઉપર જ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા નિર્દેશ આપ્યો હતો.
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબંધિત ઘટનાઓ, તાજેતરની લોકસભા ચૂંટણીઓમાં પ્રવાસીઓના રેકોર્ડ પ્રવાહ અને ઉચ્ચ મતદાનમાં પ્રતિબિંબિત થાય છે – જમ્મુ ડિવિઝનમાં એરિયા ડોમિનેશન પ્લાન અને ઝીરો-ટેરર પ્લાન શરૂ કરીને આતંકીઓને ભરી પીવા સુચના અપાઈ છે. એક અલગ બેઠકમાં શાહે 29 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રાની સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. યાત્રાળુઓ માટે મુસાફરીને સલામત અને મુશ્કેલીમુક્ત બનાવવા માટે તેમણે જે પગલાં પર ભાર મૂક્યો તેમાં આરએફઆઇડી ટેગ્સ દ્વારા યાત્રાળુઓ અને યાત્રાળુઓના વાહનોની અવરજવર, પર્યાપ્ત સુરક્ષા કર્મચારીઓની તૈનાતી, રૂટનું યોગ્ય સેનિટાઈઝેશન, શિબિરોની કિલ્લેબંધી અને આપત્તિની તૈયારીનો સમાવેશ થાય છે. બંને બેઠકોમાં એનએસએ અજીત ડોભાલ, જમ્મુ અને કાશ્મીરના એલજી મનોજ સિંહા અને ગૃહ મંત્રાલય, જમ્મુ અને કાશ્મીર, સેના, અર્ધલશ્કરી દળો અને ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓએ હાજરી આપી હતી.
“વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચેના તાજેતરના માધ્યમો અને એકીકૃત સંકલન” દ્વારા તમામ પ્રકારના આતંકવાદને જડમૂળથી ખતમ કરવાના મોદી સરકારના સંકલ્પ તરફ ઈશારો કરતા અમિત શાહે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સામેની લડાઈ નિર્ણાયક તબક્કામાં છે. તેમણે સુરક્ષા એજન્સીઓ વચ્ચે એકીકૃત સંકલન, સંવેદનશીલ વિસ્તારોને ઓળખવા અને આવા વિસ્તારોની સુરક્ષા ચિંતાઓને દૂર કરવા પર ભાર મૂક્યો હતો. આતંકવાદ સામે સરકારની શૂન્ય-સહિષ્ણુતા નીતિ અને “નવીનતમ માધ્યમો” દ્વારા આતંકવાદીઓ પર કાર્યવાહી કરવાની તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા, તેમણે તમામ સુરક્ષા એજન્સીઓને મિશન મોડમાં કામ કરવા અને સંકલિત રીતે ત્વરિત પ્રતિસાદ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો.
કાશ્મીરમાં એક આતંકી અને ઝારખંડમાં ચાર નકસલી ઠાર
ઝારખંડના ચાઈબાસા જિલ્લાના ગુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત જંગલમાં સોમવારે સવારે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ચાર નક્સલીઓને ઠાર કર્યા હતા. એન્કાઉન્ટર સ્થળ પરથી નક્સલવાદીઓના મૃતદેહો સાથે હથિયારો અને અન્ય સામગ્રી મળી આવી છે. બીજી તરફ ઉત્તર
કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના અરગામ વિસ્તારમાં ચાલી રહેલા ફાયરિંગમાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે. શરૂઆતમાં આ વિસ્તારમાં બે આતંકવાદીઓ છુપાયા હોવાના અહેવાલ હતા.