- રકતનું એક ટીપુ અકાળે ઓલવાતુ જીવન બચાવી શકે
- સૌરાષ્ટ્રભરમાં ગઇકાલે 14 જુનના વિશ્ર્વ રકતદાતા દિવસે માનવ સેવાનો ઘોડાપુર સર્જાયો હોય તેમ ઠેર ઠેર ગામે ગામ રકતદાન કેમ્પોનું આયોજન થયું હતું.
- અને સ્વૈચ્છીક ધોરણે હજારો બોટલ રકત એકત્ર થયું હતું. સરકારી હોસ્પિટલો, બ્લડ બેંકો અને ખાસ કરી થેલેસેમીયા બાળકોને સમયસર જરૂરીયાત મુજબનું રકત મળી રહે તે માટે સૌરાષ્ટ્રના દાતાઓએ સ્વયંભુ ઉત્સાહ પૂર્વક રકતદાન કરી વિશ્ર્વ રકતદાન દિવસની માનવતા ભરી ઉજવણીમાં સહભાગી થયા હતા.
અબતક, અતુલ કોટેચા, વેરાવળ
કાર્લ લેન્ડસ્ટેનરે બ્લડ ગ્રુપ સિસ્ટમની સમગ્ર વિશ્વને જાણ કરી હતી. કાર્લ લેન્ડસ્ટેનરનો જન્મદિવસ 14 જૂને થયો હતો, જેના સન્માનમાં તેમના જન્મદિવસે ’વિશ્વ રક્તદાતા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથ જિલ્લા શાખાના બ્લડ સેન્ટર ખાતે ’વિશ્વ રક્તદાતા દિવસ’ ની ઉજવણી રક્તદાન કેમ્પ યોજીને કરવામાં આવી હતી. આ અવસરે ઉપસ્થિત અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ અને પ્રાંત અધિકારી વિનોદ જોશીએ પણ માનવતાના આ કાર્યમાં પોતાનું યોગદાન આપતા રક્તદાન કરીને અન્ય લોકો પણ રક્તદાન કરવા માટે પ્રેરિત થાય તે માટે પોતાનું પુણ્ય કાર્ય અદા કર્યું હતું.
અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલે રક્તદાનની મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, રક્તદાન એ જીવનની મહામૂલી ભેટ છે. આજે મનુષ્ય દ્વારા તમામ વસ્તુઓનું નિર્માણ કરી શકાય છે. પરંતુ રક્તનું નવું નિર્માણ શક્ય નથી. રક્તદાન કરવાથી પોતાનું સ્વાસ્થ્ય તો સારું રહે છે
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથ જિલ્લાના ચેરમેન કિરીટભાઈ ઉનડકટે જણાવ્યું હતું કે, વ્યક્તિનું જીવન બચાવવા માટે લોહીની જરૂર પડે છે. બ્લડ બેન્કમાં હાજર બ્લડથી સમયસર વ્યક્તિને જીવનદાન આપી શકાય છે. લોકો રક્તદાન માટે જાગૃત થાય તે અત્યંત જરૂરી છે. જેથી રક્તદાન અવશ્ય કરવું જોઈએ.સ્વૈચ્છિક રક્તદાતાઓનું પ્રમાણપત્ર આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું.આ તકે, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ શ્રી કપિલભાઈ મહેતા, મેડિકલ ઓફિસર શ્રી સોઢા, અગ્રણીઓ, ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સભ્યો તેમજ સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યાં હતાં.
અબતક, પ્રદિપ ઠાકર, અમરેલી
અમરેલી જિલ્લામાં તાલુકા સ્તરે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં યોજાયેલા કેમ્પમાં 515 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરના સંદર્ભે તાલુકા આરોગ્ય અધિકારી-પદાધિકારીઓ અને ગામના આગેવાન તેમજ ગામ લોકોએ સફળ આયોજન કર્યું હતુ. સમગ્ર વિશ્વમાં લોહી અને પ્લાઝમાનું નિયમિત રીતે દાન લોહી અને લોહીના ઘટકોની સુરક્ષિત અને કાયમી ઉપલબ્ધિ રહે તે સુનિશ્ચિત કરવામાં આવે છે. 18 થી 65 ઉંમરની તંદુરસ્ત હોય તેવી કોઈપણ વ્યક્તિ દર ત્રણ થી ચાર મહિને રક્તદાન કરી શકે છે. નિયમિત રીતે કરવામાં આવેલું રક્તદાન ઘણી જિંદગીઓ બચાવી શકે છે. વધુમાં વધુ નાગરિકોને રક્તદાન કરવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.એમ જોષી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.
અબતક, અપ્પુ જોષી, બાબરા
અમરેલી જિલ્લાના બાબરા સી.એચ.સી.ખાતે હેલ્થ કચેરી બાબરા તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાબરાના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર રક્તદાન કેમ્પ દરમિયાન શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલની અનુભવી ડોકટરોની ટીમ દ્વારા રક્ત કલેક્શન કરાયું હતું જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.મકવાણા, ડો.વ્હોરા તેમજ તાલુકા હેલ્થ સુપરવાઈઝર રાજેશ સલખના, કેમ્પમાં મહેશ કુમાર પાઠકે 70 મી વખત અને કૈલાસબેનએ 33 મી વખત પોતાનું રક્ત દાન કરી યુવા વર્ગ માટે પ્રેરણા રૂપ બન્યા હતા..
અબતક, સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા
ધ્રાંગધ્રા ખાતે થેલેસેમિયા દર્દીઓ માટે ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા સમયાંતરે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ધ્રાંગધ્રા ખાતે લુહાણા સમાજની વાડીમાં આજે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે સ્વર્ગસ્થ ભિક્ષાબા ઈન્દ્રવિજયસિંહ જાડેજા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ અને ઓમેક્ષ કોટસ્પીન પ્રા.લી., જયેશભાઈ એચ. પટેલના સહયોગથી ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 128 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં સવારથી જ યુવાનો મહિલાઓ વૃદ્ધો દિવ્યાંગ સહીત દરેક જ્ઞાતિના લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. એકત્ર કરેલ તમામ રક્તની બોટલો બ્લડ બેન્કમાં જમાં કરાવવામાં આવી હતી તેમજ રક્તદાન કરનાર દરેક રક્તદાતાઓને સર્ટીફીકેટ અને સિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ચા- પાણી નાસ્તા સહીતની તમામ સુવિધાઓ પણ પુરી પાડવામાં આવી હતી થેલેસિમિયા દર્દીઓને નિયમિત પડતી રક્તની જરૂરિયાતને ધ્યાને લઈ આ રક્તદાન કેમ્પ યોજાયો હતો. તેમજ ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપના યુવાન સલીમભાઇ ઘાંચી દ્વારા પણ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરનાર દરેક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે પુર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા ઉદ્યોગપતિ મનુભાઈ પટેલ, સહીત સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાઓ, સંતો મહંતો સહીત રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા