- લોકો ફ્રોડના ભરડામાં ન આવે તે માટે માર્ગદર્શન આપતી ગીર સોમનાથ પોલીસ
- ઓનલાઈન સાયબરક્રાઈમની ફરિયાદ માટે હેલ્પલાઈન નં.1930નો સંપર્ક કરવો
- 17 લાખથી વધુની રકમ પરત અપાવતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ, ન્યૂઝ: 21મી સદીમાં ડિજિટલ જગતનો વ્યાપ વધ્યો છે. ડિજિટલ યુગના ફાયદાઓ સામે ગેરફાયદાઓ પણ એટલા જ છે. ડિજિટલ સંશાધનોનો ઉપયોગ વધવાની સાથે જ હેકિંગ, મહત્વના ડેટાની ચોરી, સેક્સટોર્શન, સાયબર બુલિંગ સહિત ફાઈનાન્શિયલ ફ્રોડ જેવા સાયબર ક્રાઈમ પણ વધ્યા છે. સામાન્ય નાગરિક આ ફ્રોડના અજગર ભરડામાં ફસાઈ પોતાની મહેનતના નાણાં ન ગુમાવે તે માટે ગીર સોમનાથ પોલીસ પણ સતત માર્ગદર્શન આપી રહી છે. તા.01 જાન્યુઆરીથી લઈ 31 મે સુધી ઓનલાઇન નાણાકિય છેતરપિંડીમાં ભોગ બનનારના કુલ રૂ.17,03,801 જેટલી રકમ પરત અપાવી ગીર સોમનાથ પોલીસની સરાહનિય કામગીરી રહી છે.
અજાણી લિંક પર ક્લિક ન કરવું
સાયબર ક્રાઈમમાં સામાન્ય નાગરિક પોતાની મહેનતની કમાણી એકાએક જ ગુમાવી ન બેસે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ‘ટેક્નોલોજીના ઉપયોગ સાથે સાયબર ક્રાઈમના બનાવો વધી રહ્યાં છે. જેથી નાણાકિય છેતરપિંડીથી બચવા માટે રોકાણ માટેની અજાણી લિંક પર ક્લિક ન કરવું જોઈએ. તેમજ સાયબર ક્રાઇમથી બચવા માટે સાવચેતી એ જ સલામતી છે. આમ કહી તેમણે લોકોને ઓનલાઈન છેતરપિંડીથી બચવા સાવચેત રહેવા અને સાયબર ક્રાઈમનો ભોગ બને તો ઈણાજ ખાતે સાયબર ક્રાઈમની કચેરીનો સંપર્ક કરવાની અપીલ કરી હતી.
લોભામણી જાહેરાતોમાં લલચાવું નહીં
ગીર સોમનાથ પોલીસના માર્ગદર્શન અનુસાર ઓનલાઈન પ્રોડક્ટ્સ માટે નાણાકીય વ્યવહારો કરતી વખતે સાવચેત રહેવું, સોશિયલ મીડિયા કે અન્ય ઇ-કોમર્સ વેબસાઇટ પર લોભામણી લાલચ આપતી જાહેરાતોમાં લલચાવું નહીં, બનાવટી વસ્તુઓની ડિલિવરીથી બચવું તેમજ અજાણ્યા લોકો સાથે બેંકની વિગતો, પાસવર્ડ, કાર્ડની માહિતી, સીવીવી, ઓટીપી કે પીન નંબર જેવી અગત્યની માહિતી શેર ન કરવી.
કાર્ડથી પેમેન્ટ કર્યા બાદ કાર્ડની વિગતો ડિલિટ કરવી
વધુમાં અજાણી લિંક પર ક્લિક ન કરવું અને ઓનલાઇન શોપિંગ સમયે ક્રેડીટ-ડેબિટ કાર્ડથી પેમેન્ટ કર્યા પછી કાર્ડની વિગતો ડિલિટ કરવી તેમ ઓનલાઈન નાણાકિય લેવડદેવડ સમયે તેમજ સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે ટૂ-ફેક્ટર ઓથેન્ટીકેશન એક્ટીવેટ રાખવું. થર્ડ પાર્ટી એપ્લિકેશન દ્વારા ફોન હેક થવાની શક્યતા જોતાં બોગસ એપ ડાઉનલોડ કરવાનું ટાળવું જોઈએ. જેથી કોઈપણ એપ્લિકેશન પ્લેસ્ટોર પરથી જ ડાઉનલોડ કરવી.
ગીર સોમનાથ પોલીસ દ્વારા લોકોને શેર બજારમાં પૈસા ડબલ કરવા, શેરબજારની કે અન્ય કોઇ ફેક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી ઘરે બેઠા પૈસા કમાવાની લાલચ આપવી તેમજ આવા કોઈપણ શંકાસ્પદ નાણાકિય વ્યવહાર અજાણ્યા ગ્રુપોમાં ન કરવા સૂચના આપવામાં આવી છે.
જયેશ પરમાર