- સાયબર ફ્રોડ થકી નાણાં ખંખેરવાની મેલી મુરાદ નિષ્ફળ બનાવતી ગુજરાત પોલીસ
- ફક્ત પાંચ માસના સમયગાળામાં રાજ્યમાં ઓનલાઇન ઠગાઈની 53 હજારથી વધુ ફરિયાદો
ટેક્નોલોજીના ક્ષેત્રે હરણફાળ વધતા સિક્કાની બે બાજુની જેમ ગઠીયાઓ તકનો લાભ લેવા પ્રજાજનો સાથે ઓનલાઇન ઠગાઈ આચરી લેતા હોય છે. છેલ્લા ઘણા વર્ષોથી ટેક્નોલોજીના ક્ષેત્રે હરણફાળ સાથે સાયબર ક્રાઇમનો રેશિયો પણ વધ્યો છે. સાયબર ક્રાઇમ ફ્રોડો લોકોના મોબાઈલમાં મેસેજ અથવા કોઈપણ પ્રકારની લિંક મોકલીને લાલચ આપી રહ્યા છે. માનવી પણ શોર્ટકર્ટમાં પૈસા બનાવવાની લાલચમાં સાયબર ક્રોડોની દોરી પર ચાલવા લાગે છે અને બાદમાં પૈસા ગુમાવ્યાની ફરિયાદો કરે છે. સાયબર ફ્રોડ ફેક ઓળખ, ઇન્વેસ્ટમેન્ટ, ઓનલાઇન શોપિંગ, ઓટીપી ફ્રોડ, શેરમાર્કેટ સ્કેમ જેવી અનેક સ્કીમમાં વધુ પૈસાની મેળવાની લાલચ આપીને લોકોના ખાતા ખાલી કરી રહ્યા છે. ફક્ત ગુજરાતમાં જ છેલ્લા 5 મહિનામાં 504 કરોડના સાયબર ફ્રોડની ફરિયાદો મળી છે.
ગુજરાત સાયબર પોલીસનો હેલ્પલાઇન નંબર 1930 છે. જ્યારે પણ સાયબર ફ્રોડ થાય તો આ નંબર પર કોલ કરી ફરિયાદ કરી શકાય છે. જાન્યુઆરી-2024થી મે-2024 સુધીમાં 1930 હેલ્પલાઇન પર 504 કરોડના ફ્રોડની 53279 ફરિયાદો આવી છે. જેમાં ફેક ઓળખ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કાર્ડ ફ્રોડ, ઓનલાઇન શોપિંગ ફ્રોડ, વિધાઉટ ઓટીપી સહિતના 28 ફ્રોડનો સમાવેશ થાય છે. જેમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ એટલે કે શેરમાર્કેટ સ્કેમની રકમ 250 કરોડ જેટલી થાય છે. ફેક ઓળખથી 50 કરોડ, કાર્ડથી 31 કરોડ, ઓનલાઇન શોપિંગથી 15 કરોડ, વિધાઉટ ઓટીપી 20 કરોડ રૂપિયાના ફ્રોડ થયા છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસે જાહેર કરેલા આંકડા અનુસાર ચાલુ વર્ષના પાંચ માસના સમયગાળામાં ગ્રામ્ય પોલીસને કુલ 975 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદ મળી છે. જે પૈકી 120 અરજીઓમાં રૂ. 19,46,475ની રકમ ફ્રીઝ કરીને આગામી 22 જુનના રોજ લોક અદાલત મારફત ભોગ બનનારને પૈસા પરત આપવામાં આવનાર છે.