- રામ નગરીમાં તૈનાત સુરક્ષાદળોને એલર્ટ કરી દેવાયા અને રામકોટના તમામ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ અભિયાન સાથે તપાસ શરૂ કરાઇ
નેશનલ ન્યૂઝ : અયોધ્યામાં ફરી એકવાર નવનિર્મિત રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી મળી છે. આ વખતે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે ધમકી આપી છે. તેનો એક ઓડિયો વાયરલ થયા બાદ ઉત્તર પ્રદેશની યોગી સરકારે એલર્ટ જાહેર કર્યું છે. રામ નગરીમાં તૈનાત સુરક્ષાદળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. એલર્ટ બાદ અયોધ્યાના રામકોટના તમામ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ અભિયાન સાથે તપાસ શરૂ કરવામાં આવી છે. રામલલાના દર્શન માર્ગ પર પણ ભક્તોની દેખરેખ વધારી દેવામાં આવી છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ એજન્સીઓ હાઈ એલર્ટ પર
મળતી માહિતી મુજબ, ધમકીભર્યા ઓડિયોમાં જૈશ-એ-મોહમ્મદનો આમીર નામનો આતંકવાદી એવું કહેતા સંભળાય છે કે, અમારી મસ્જિદ હટાવી દેવાઈ છે અને મંદિર બનાવવામાં આવ્યું છે. હવે બોંબમારો થશે. આતંકવાદી કહી રહ્યો છે કે, અમારા ત્રણ સાથીઓએ બલિદાન આપ્યું છે અને હવે આ મંદિરને તોડવું પડશે. એલર્ટની સાથે સુરક્ષા એજન્સીઓ ઓડિયોની તપાસ કરી રહી છે. રાજ્ય સરકારની સૂચના બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ એજન્સીઓ હાઈ એલર્ટ પર છે.