રાજય સરકારના ફી નિર્ધારણ કાયદાના અમલમાં આઠ મહિના પછીયે કોઈ જ ઠેકાણા નથી: અધિકારીઓ લાચાર
જામનગર સહિત સમગ્ર રાજયમાં ખાનગી શાળાઓ શૈક્ષણીક ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવે છે. રાજય સરકારે ગત એપ્રિલમાં ફી નિયંત્રણ માટે ઘડેલા કાયદાને હજુ અમલી જામા પહેરાવી શકાયા નથી સમગ્ર મામલો અદાલતમાં વિચારાધીન હોવાનું બહાનું આગળ ધરી, શિક્ષણતંત્રો આ મામલે લાચારી વ્યકત કરી રહ્યા છે. અને બીજી બાજુ ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી બેફામ ફી વધારો વસુલ કરવામાં આવી રહ્યો છે.
વાલીઓ પોતાના સંતાનોના ઉંચા શિક્ષણ ખર્ચને કારણે પરેશાન છે. ગત એપ્રીલમાં સરકારે કાયદો નો બનાવી નાખ્યો છે. પરંતુ ફી નિયંત્રણ થઈ શકયું નથી.
સરકારે કાયદો બનાવ્યા પછી તેનો કડક અમલ કરાવ્યો નથી. જે શાળાઓ ફી વધારવા ઈચ્છતી હોય તેને ફી વધારાની દરખાસ્તો કરવાની સુવિધા કરી આપવામાં આવી છે. બીજી બાજુ ખાનગી શાળાઓનાં સંચાલકો કાયદો છતા, ફી વધારો ચાલુ રાખવા અને અંકુશથી બચવા આ આખો મામલો વડી અદાલતમા ઢસડી ગયા છે. અદાલતમાં હજુ કોઈ નિર્ણય નથી આવ્યો. શાળાઓ જિલ્લા શિક્ષણતંત્ર સમક્ષ ફી વધારાની દરખાસ્તો મૂકે છે. આ માટેની ખાસ સમિતિ દરખાસ્તોનો અભ્યાસ કરે છે. નવાઈની વાત એ છેકે ફીનો મમલો પ્રત્યક્ષ રીતે વાલીઓ સાથે સંકળાયેલો મુદો હોવા છતાયે આ સમિતિમાં વાલીઓનાં પ્રતિનિધિઓનો સમાવેશ કરવામા આવ્યો નથી.
બીજી બાજુ જાણીતા કારણસર આ મામલો વડી અદાલતમાં ઝડપથી નિપટાવવામાં રાજય સરકારને રસ નથી. સરકાર મકકમ કે નિર્ણાયક નથી પરિણામે મામલો લંબાઈ રહ્યો છે. શાળાઓએ બેફામ શિક્ષણ ફી ના નામે લૂંટ ચાલુ જ રાખી છે. અને વાલીઓ લૂંટાઈ રહ્યા છે. સરકારનાં પ્રતિનિધિ એવા જિલ્લાનાં શિક્ષણ અધિકારીઓ, અદાલતનો ઉલ્લેખ કરી આ મામલે હાથ બાંધીને બેઠેલા હોવાની સ્થિતિ છે.