મોતીયાના ઓરપેશન બાદ છ દર્દીઓએ કાયમ માટે દ્રષ્ટી ગુમાવી અને ૧૯ જેટલા દર્દીઓની આંખમાં ઝાખપ આવ્યાનો તપાસ ટીમના રિપોર્ટ બાદ બે વર્ષે તબીબ સહિત પાંચ સામે નોંધાતો ગુનો
શહેરની સાધુવાસવાણી હોસ્પિટલમાં મોતીયાના ઓપરેશન બાદ એક સાથે ૨૫ જેટલા દર્દીઓને આંખમાં નાખવા માટે આપવામાં આવેલા ટીપાના કારણે બળતરા શરૂ થઇ હતી. છ દર્દીઓને કાયમી અંધાપો અને ૧૯ જેટલા દર્દીઓને આંખમાં ઝાખપ આવી જતાં ગોકીરો થયો હતો. અંધાપાકાંડની સરકાર દ્વારા તપાસ ટીમ બનાવવામાં આવી હતી. તપાસ ટીમે તબીબની બેદરકારી કારણભૂત હોવાનો અભિપ્રાય આપતા પોલીસે તબીબ સહિત પાંચ સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જંકશન પ્લોટમાં આવેલી સાધુ વાસવાણી હોસ્પિટલમાં ગત તા.૨૧-૧૨-૨૦૧૫ના રોજ ૨૫ જેટલા દર્દીઓની આંખના મોતિયાના ઓપરેશન કરાયા બાદ આંખમાં નાખવા માટે આપેલા ટીપાના કારણે અંધાપાકાંડ સર્જાયાનું અને છ જેટલા દર્દીઓએ કાયમી દ્રષ્ટી ગુમાવી છે તેમજ ૧૯ જેટલા દર્દીઓ અસરગ્રસ્ત બનતા તમામે દ્રષ્ટીમાં વધુ પડતી ઝાખપ આવ્યાનો અભિપ્રાય તપાસ ટીમ દ્વારા આપવામાં આવતા પોલીસે એકતા સોસાયટીમાં રહેતા રિક્ષા ચાક રજાકભાઇ ઇબ્રાહીમભાઇ ઉઠીજાની ફરિયાદ પરથી પોલીસે સાધુવાસવાણી હોસ્પિટલના ડોકટર હેમલ બખાઇ, માધવી પંડયા, સંગીતા નંદલાલ છદાણી, એલીઝા જેમ્સપત અને કોકીલાબેન નારણભાઇ ધામેચા સામે ગુનો નોંધ્યો છે.
ગત તા.૧૯-૧૨-૨૦૧૫ના સાધુ વાસવાણી હોસ્પિટલમાં મોતિયાનો કેમ્પ હોવાથી રજાકભાઇ ઉઠીજા પોતાની જમણી આંખ બતાવવા ગયા હતા ત્યારે તેમને આંખમાં મોતિયો પાકી ગયો હોવાનું નિદાન કરી ઓપરેશન કરાવવાની સલાહ આપવામાં આવી હતી.
રજાકભાઇ ઉઠીજાની જમણી આંખના મોતિયાનું ઓપરેશન તા.૨૧-૧૨-૨૦૧૫ના રોજ સાધુવાસવાણી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું અને રજા આપી તેમને આંખમાં નાખવા ટીપા આપી બે દિવસ બાદ ફરી બતાવવા આવવાનું કહેવામાં આવ્યું હતું. રજાકભાઇ ઉઠીજાના ઓરપેશન સમયે ઓપરેશન રૂમમાં ડો.હેતલ બખાઇ, ડો.માધવી પંડયા, નર્સીંગ સ્ટાફના સંગીતાબેન છદાણી, એલીઝા જેમ્સપત અને કોકીલાબેન હાજર હતા.
રજાકભાઇ ઉઠીજાએ ઘરે જઇ આંખમાં ટીપા નાખતા તેઓને બળતરા શરૂ થઇ હોવાથી બીજા દિવસે જ તેઓ સાધુવાસવાણી હોસ્પિટલે ગયા હતા ત્યારે ત્યાં અન્ય દર્દીઓ પણ આંખમાં બળતરાની ફરિયાદ સાથે આવ્યા હતા તમામની આંખની તપાસ કરી ડો.હેતપલ બખાઇએ આંખમાં ઇમ્ફેકશન લાગ્યાનું અને તેનું ઓપરેશન અહીં નહી થાય તેવું જણાવતા હોસ્પિટલે ગોકીરો બોલ્યો હતો. દર્દીઓના સગા-સંબંધીઓ દ્વારા તબીબની બેદરકારી અંગે આક્ષેપ કરી હંગામો મચાવ્યો હતો.
રજાકભાઇ ઉઠીજા વિદ્યાનગર રોડ પર અન્ય આંખની હોસ્પિટલમાં બતાવતા તેઓને રિએકશન આવ્યાનું અને દ્રષ્ટી કાયમ માટે ગુમાવ્યાનું જણાવ્યું હતું. તેમજ બીજી આંખમાં પણ ઇન્ફેકશન લાગે તેમ હોવાથી ડાબી આંખનું ઓપરેશન કરાવી બચાવી લીધી હતી.
સાધુવાસવાણી હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ એક સાથે ૨૫ જેટલા દર્દીઓને અંધાપો આવતા સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. રાજય સરકાર દ્વારા તપાસ ટીમ બનાવવામાં આવી હતી. તપાસ ટીમ દ્વારા છ જેટલા દર્દીને કાયમી અંધાપો આવ્યાની અને ૧૯ જેટલા દર્દીઓને ઓપરેશન બાદ રિએકશનના કારણે આંખમાં ઝાખપ આવ્યાનો અભિપ્રાય આપતા પ્ર.નગર પોલીસે રજાકભાઇ ઉઠીજાની ફરિયાદ પરથી બે ડોકટર સહિત પાંચ સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.