• આજે વિશ્ર્વ રક્તદાતા દિવસ
  • શસ્ત્ર ક્રિયાઓ, બાળ જન્મ, કેન્સરની સારવાર અને અકસ્માત પીડિતો માટે કટોકટીની સંભાળ સહિતની મેડિકલ પ્રક્રિયામાં રક્તદાન નિર્ણાયક : રક્તની સાર્વત્રિક જરૂરિયાત હોવા છતાં, સુરક્ષિત રક્તની પહોંચ મર્યાદિત છે
  • આ વર્ષની થીમ ’દાનની ઉજવણીના 20 વર્ષ : રક્તદાતાઓનો આભાર’ છે, જેનો હેતુ તેના નિ:સ્વાર્થ યોગદાન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે: લોહીમાં રહેલા શ્ર્વેતકણો રોગોના જંતુઓ સામે લડીને શરીરને રોગથી બચાવે છે

આજે વિશ્વ રક્તદાન દિવસ, આ વર્ષની ઉજવણી થીમ દાનની ઉજવણીના 20 વર્ષ : રક્તદાતાઓનો આભાર છે, જેનો હેતુ રક્તદાતાઓના નિસ્વાર્થ યોગદાન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે. જેમ્સ બલ્ડેલ દ્વારા દુનિયામાં સૌ પ્રથમ 1818 માં પ્રથમ સફળ રક્ત ચઢાવવામાં આવ્યું હતું. દુનિયામાં ભવ્ય ટેકનોલોજીનો વિકાસ થયો પણ હજુ સુધી કૃત્રિમ રીતે લોહી બની શક્યું નથી. સરળ લાગતો લોહી શબ્દ કેટલો વજનદાર અને કીમતી છે, તે તો તેની જરૂર પડે ત્યારે જ ખબર પડે છે. રક્તદાનમાં શરીરમાંથી કુલ બ્લડ પૈકી માત્ર 15 ટકા ભાગ જ લોહી લેવાય છે જે પણ 24 કલાકમાં શરીરમાં નવું બની જાય છે. આપણા દેશમાં આખું વર્ષ લોહીની તીવ્ર ખેંચ રહેતી હોવાથી દેશના યુવાધને રક્તદાન કરીને કોઈનું જીવન બચાવવાની અમૂલ્ય સેવા કરવી જોઈએ.પૃથ્વી પરના પ્રાણી, પક્ષીઓ, જળચર અને જંતુઓના શરીરમાં વિવિધ અંગોમાં શક્તિ પહોંચાડવા માટે પ્રવાહી લોહી સમગ્ર શરીરમાં ફરતું રહે છે. જગતના સજીવની લોહીની વિશેષતા અલગ અલગ હોય છે.

લોહીમાં હિમોગ્લોબીન તત્વના કારણે લાલ દેખાય છે. લોહીમાં રક્તકણો, શ્વેતકણો અને તેને તરતા રાખનાર પ્રવાહી પ્લાઝમા છે. શરીરની રક્તવાહિનીઓમાં ફરતું લોહી સતત ફરતું રહીને લાખો કિલોમીટરનો પ્રવાસ કરે છે. માણસના શરીરના વજનનો સાત ટકા ભાગ લોહી છે.વિશ્વ રક્તદાતા દિવસ 2004 થી ઉજવાતો હોવાથી આ વર્ષે 20મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં જીવનરક્ષક દાન માટે રક્તદાતાઓનો આભાર પ્રગટ કરાયો છે. લોહી જાદુઈ રીતે કે ફેક્ટરીમાં બનતું ન હોવાથી આપણા જેવા રોજિંદા લોકો રક્તદાન કરે તો જ બીજાનો જીવન બચાવી શકાય છે. રક્તદાતાઓ જ સુરક્ષિત રક્ત પુરવઠાની કરોડરજ્જુ છે.

લોહી એક જીવંત પ્રવાહી છે, વિજ્ઞાને માનવ રક્તને નાથ્યું અને માનવ રક્તની સારવારથી કરોડો લોકોના જીવ બચાવ્યા છે. એક માનવીની લોહીની જરૂરીયાત બીજો માનવી જ પુરી પાડી શકતો હોવાથી સ્વૈચ્છિક રક્તદાતાનું વિશેષ મહત્વ છે. વિશ્ર્વ રક્તદાતા દિવસ છે ત્યારે કોઇકના બૂઝાતા દિપકને તમારા રક્તદાનથી નવજીવન આપો એ જ શ્રેષ્ઠ સેવા ગણાશે. રક્તદાનને રક્તધર્મ નિભાવો તેમ પણ કહી શકાય કારણ કે રક્તદાન જેવું બીજું એકપણ દાન ન હોય શકે. વિશ્ર્વના સમગ્ર જીવનની એકતાનું પ્રતિક માનવ રક્ત છે, આપણા બધાના પ્રત્યેક શરીરમાં ધબકતું લોહી તો એક સહિયારી મૂડી છે, આ મુડીનો સદ્ઉપયોગ એટલે જ સ્વૈચ્છિક રક્તદાન માટે આજે જ આપો, હમણાં જ આપો રક્તદાન કરો.

એક અંદાજ મુજબ આપણાં દેશમાં દર વર્ષે પાંચ કરોડ રક્ત બોટલની જરૂરીયાત ઉભી થાય છે તેની સામે એક કરોડ જ લોકો રક્તદાન કરે છે. તેથી બ્લડ બેંક સતત તેની તીવ્ર ખેંચ ઉભી થતી જોવા મળે છે. પ્રત્યેક વ્યક્તિ નિયમિત સ્વૈચ્છિક રક્તદાન કરે તો જ તબીબી સારવારમાં માનવ રક્તની ખોટ પૂરી કરી શકાય છે. આજે રક્તદાન કેમ્પ ઉપરાંત જન્મ દિવસે કે જીવનના વિવિધ શુભ દિવસોએ લોકો કોઇકના બૂઝાતા દિપકને પ્રજ્વલિત કરવા રક્તદાન કરવા લાગ્યા છે. આપણાં દેશમાં હજી બધા લોકો રક્તદાન કરતાં નથી જો કે આપણા ગુજરાતમાં 70 ટકાથી વધુ લોકો રક્તદાન કરવા લાગ્યા છે, જેથી આપણે આજે સંકલ્પ કરીને 100 ટકા લક્ષ્યાંક પહોંચાડવાનો છે.

વિશ્ર્વ રક્તદાન દિવસ દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરવાનો દિવસ છે.1930 માં નોબલ વિજેતા અને અઇઘ બ્લડ ગ્રુપ સિસ્ટમનાં શોધક કાર્લ લેન્ડસ્ટેઇનરના જન્મ દિવસની યાદમાં આ દિવસ ઉજવણી કરાય છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ રક્તદાનના મહિમાને વધારવા આ દિવસની ઉજવવાની પહેલ કરી હતી. લોહીનો બીજો કોઇ વિકલ્પ જ ન હોવાથી આપણું લોહી જ બીજાની જીંદગી બચાવી શકે છે. કુદરતે પણ આપણાં શરીરનાં લાંબા હાડકાના પોલાણમાં વધારાનું બ્લડ રાખેલ એટલા માટે છે કે આપણને અકસ્માત કે અન્ય ઇજા થાય તો જે લોહી વહે તેના બદલામાં એ લોહી કામ આવે છે, માટે રક્તદાન કરવાથી આપણને કોઇ મુશ્કેલી પડતી જ નથી.

દર ત્રણ માસે રક્તદાન કરનાર ડોનર તંદુરસ્ત એટલા માટે ગણાય છે કે દર વખતે તેની ઇંશદ, હિપેટાઇટિસ એ,બી જેવી વિવિધ તપાસ થતી હોવાથી તેને વગર પૈસે સેવા સાથે પોતાની તપાસ થઇ જાય છે. સુરક્ષિત બ્લડ બ્લડ બેંક માંથી ઉપલબ્ધ થતું હોવાથી તેની મહત્તા વધુ છે. આજે તો લગભગ દરેક સરકારી હોસ્પિટલમાં બ્લડ બેંક ઉપલબ્ધ છે. ખાનગી કે ટ્રસ્ટ અથવા રેડક્રોસની બ્લડ બેંક પણ હોય છે. આટલી બધી સુવિધા વચ્ચે પણ રક્તની ખેંચ લગભગ દરરોજ જોવા મળે છે, તેનું કારણ રક્તદાન ઓછું થવાથી જોવા મળે છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના 11 સત્તાવાર કાર્યક્રમ અને દિવસ પૈકી એક આજનો દિવસ પણ છે, તેથી કેટલી અગત્યતા હશે તે આપ વિચારી શકો છો. લોહીના 10 મિલિયન યુનિટના અંદાજ સામે 80 ટકાના દરે રક્ત પરત રક્તદાન આવતું હોવાથી સતત ખેંચ બ્લડ બેંક અનુભવે છે. રક્તદાનનું ઉમદા કાર્ય જ જીવન બચાવી શકે છે. રક્ત અને રક્ત સંબંધિત ઉત્પાદનો ઘણા દર્દીઓ માટે મહત્વપૂર્ણ છે. જરૂરી છે જેમ કે ગર્ભાવસ્થા, બાળ જન્મ સાથે સંકળાયેલ રક્તસ્ત્રાવ પિડિત મહિલાઓ, મેલેરિયા, કુપોષણ, એનેમિયાથી પિડાતા બાળકો, કટોકટી, આપત્તિ, સર્જરી, અકસ્માતો, લોહી ઉડી જવું જેવી ઘણી ઇમરજન્સીમાં તેની આવશ્યકતા જોવા મળે છે.

આજે તો બ્લડ કોમ્પોનેટ પધ્ધતિ આવતા એક જ હોલ બ્લડમાંથી બે-ત્રણને જેને જે ઘટકોની જરૂર પડે તે તેને બ્લડમાંથી છુટું પાડીને અપાતું હોવાથી દર્દીની રીક્વરી ફાસ્ટ થઇ ગઇ છે, જેમ કે પ્લાઝમાં, આર.બી.સી. કે ડબલ્યું.બી.સી જેવા જે ઘટકોની ખામી હોય તે જ તેને ચડાવાય છે. પર્યાપ્ત પુરવઠો જાળવવા અને સલામત રક્ત તબદિલી માટે સાર્વત્રિક અને સમયસર પહોંચ પ્રાપ્ત કરવા માટે સૌએ પ્રતિબધ્ધ રહેવું જ પડશે. બ્લડ મેનેજમેન્ટ સૌથી અગત્યની બાબત છે. સાચો સમય, સાચો ડોનર, સાચી જગ્યા જેવું કોમ્બિનેશન જ સૌથી શ્રેષ્ઠ છે.

બધા દેશોને સ્વૈચ્છિક, અવેતન રક્તદાતાની જરૂર પડતી જ હોય છે, તેના માટે સતત લોકશિક્ષણ અને જનજાગૃતિ જ અસરકારક ઉપાય છે. આ જીવન રક્ષક પ્રક્રિયા માટે ખાસ યુવા વર્ગ આગેવાની લે તો જ આપણે ધાર્યા પરિણામો મેળવી શકીશું. શેર લાઇફ, ગીવ બ્લડ આ સૂત્રને અનુસરીને યુવા વર્ગે દર ત્રણ મહિને રક્તદાન કરી તેની માંગ પૂર્ણ કરવા મિત્ર-વર્તુળ સાથે સેવાધર્મ બજાવવો જોઇએ અને આજના દિવસનો સંકલ્પ પણ તે જ હોય શકે છે.

કોઈનું જીવન બચાવવા કરેલુ “રક્તદાન” એ સૌથી શ્રેષ્ઠ મહાદાન

અનાદિકાળથી લોહીને આપણે મંત્રમુગ્ધ બનીને જોઇએ છીએ. અજ્ઞાન ગુફાવાસી આદિમાનવ પણ એટલું સમજી શકતો કે જીવન બચાવવા લોહી બચાવવું જરૂરી છે. રક્ત આપણાં શરીરમાં પળે પળ વસંત લાવે છે, જેનું કારણ છે કુદરતની અણમોલ ભેટ, રક્ત રૂધિર કે લોહી છે. હજારો વૈજ્ઞાનિકોએ રક્તમાં રહેલા ગુઢ રહસ્યોનો ભેદ ઉકેલવા જીવનભર પરિશ્રમ કર્યો છે. બાયોકેમિસ્ટોએ હિમોગ્લોબિન અને પ્રોટીન પદાર્થોનો અવિરત અભ્યાસ આદર્યો છે. લોહીના દર્દોને સમજવા તથા તેની શ્રેષ્ઠ સારવાર થઇ શકે તેવા માર્ગ શોધવા હિમેટોલોજીસ્ટે તેમનું જીવન સમર્પિત કર્યું છે. રક્તનો અભ્યાસએ જીવનનો પણ અભ્યાસ છે, કેમ કે ખરેખર તો રક્ત એ જ જીવન છે. કુદરતના તમામ રાતા કે લાલ રંગોમાં લોહીનો રંગ સૌથી ચડિયાતો છે. જંગમાં, ઉમંગમાં કે માનવીના અંગે અંગમાં વહે છે આ રંગ. તે સાથ, સહકાર અને મદદનો સંગી છે. કોઇના પ્રાણ બચાવવા રક્તદાનએ સૌથી શ્રેષ્ઠ મહાદાન છે. સૃષ્ટિની દરેક જીવતી વ્યક્તિમાં રક્તરૂપી જીવન સરીતા અખંડ વડે છે. હૃદય દ્વારા સંચાલિત રક્ત માનવ શરીરમાં ફરે છે. શરીનો કચરો સાફ કરે અને શરીરના કરોડો કોષો જેનું જીવન પ્રાણવાયુ ઉપર નિર્ભર છે, તેને પુરતા પ્રમાણમાં પ્રાણવાયુ પહોંચાડે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.