- ચીનની ‘નાપાક’ હરકત
- પાકિસ્તાન અને ચીનના વિવાદાસ્પદ નિવેદન બાદ ભારતનો સણસણતો જવાબ, જમ્મુ-કાશ્મીર અને લદાખ ભારતનો હિસ્સો છે અને રહેશે: હવે મુદ્દો જી-7માં ગાજવાના અણસાર
- ચીન અને પાકિસ્તાને કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ ગણાવતું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જે બાદ ભારતે સણસણતો જવાબ આપી જમ્મુ-કાશ્મીર અને લદાખ ભારતનો હિસ્સો છે અને રહેશે તેવું કહ્યું છે. હવે મુદ્દો જી7માં ગાજવાના અણસાર મળી રહ્યા છે.
ચીન અને પાકિસ્તાનને ઘણી વખત ભારતથી હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ બંને દેશો ભારત વિરુદ્ધ કોઈને કોઈ ષડયંત્ર રચતા રહે છે. તાજેતરના વિકાસમાં, 7 જૂનના રોજ, પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ અને ચીનના વડા પ્રધાન લી કિઆંગે બેઇજિંગમાં એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. આ દરમિયાન બંને દેશોના નેતાઓએ કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે એકપક્ષીય કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. આના પર ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમે જમ્મુ-કાશ્મીર મુદ્દે 7 જૂને ચીન અને પાકિસ્તાનના સંયુક્ત અયોગ્ય નિવેદનો જોયા છે. અમે આવા નિવેદનોને સંપૂર્ણપણે નકારીએ છીએ.
ભારતે ચીન અને પાકિસ્તાનને આપેલા સંદેશમાં સ્પષ્ટપણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો ભારતના અભિન્ન અને અવિભાજ્ય અંગો રહ્યા છે અને રહેશે. સરકારે જમ્મુ-કાશ્મીરના ઉલ્લેખને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધો હતો. ગયા અઠવાડિયે ચીન અને પાકિસ્તાન દ્વારા બહાર પાડવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને લઈને ટિપ્પણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક બ્રીફિંગમાં અન્ય ઘણા આંતરરાષ્ટ્રીય અને વ્યૂહાત્મક મુદ્દાઓ પર નિવેદનો આપ્યા. રણધીર જયસ્વાલે વધુમાં કહ્યું કે ભારત આ મુદ્દે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી ચૂક્યું છે, અને અન્ય કોઈ દેશને આ મુદ્દે ટિપ્પણી કરવાનો અધિકાર નથી.
આ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પર પણ તીખી ટિપ્પણી કરી હતી, જે ચીન-પાકિસ્તાન દ્વિપક્ષીય બેઠકમાં એક મહત્વપૂર્ણ મુદ્દો હતો. સંયુક્ત નિવેદનમાં કહેવાતા ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર હેઠળની પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાંથી કેટલાક ભારતના સાર્વભૌમ પ્રદેશમાં છે, જે પાકિસ્તાન દ્વારા બળજબરીપૂર્વક અને ગેરકાયદેસર કબજા હેઠળ છે, એમ તેમણે જણાવ્યું હતું.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેમના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે “ભારત આ વિસ્તારો પર પાકિસ્તાનના ગેરકાયદેસર કબજાને મજબૂત કરવા અથવા કાયદેસર બનાવવાના અન્ય દેશોના કોઈપણ પગલાનો સખત વિરોધ કરે છે અને નકારે છે જે ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પર અતિક્રમણ કરે છે.”
ઉલ્લેખનીય છે કે હાલ વડાપ્રધાન મોદી જી 7 સમીટમાં છે આ સમીટમાં રશિયા યુક્રેન યુદ્ધ વિશે પણ ચર્ચા થવાની છે. જેમાં સાર્વભૌમત્વનો મુદ્દો ઉઠવાનો છે. તેવામાં ચીન અને પાકિસ્તાનના વિવાદાસ્પદ નિવેદનનો મુદ્દો ગુંજે અને જી 7 તોફાની બની રહે તો નવાઈ નહિ.