- અટલ સરોવર અને કણકોટ એન્જી. કોલેજ પાસે જમીનનું લેવલ કરાવવામાં વધુ કસરત કરવી પડે તેમ હોવાથી તે જગ્યા પડતી મુકાઈ
- અબતક, રાજકોટ : લોકમેળા માટે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા નવી ત્રણેક જગ્યાઓ જોવાય છે. પણ જમીન સમતળ ન હોવાથી તમામ જગ્યા રિજેક્ટ કરવામાં આવી છે. કારણકે જમીનનું લેવલ કરાવવામાં વધુ કસરત કરવી પડે તેમ હોવાથી આ જગ્યા પડતી મુકવામાં આવી છે.
રાજકોટની આગવી ઓળખ એટલે પ્રતિવર્ષ રેસકોર્ષ મેદાનમાં યોજાતો લોકમેળો. હૈયુ દળાય તેટલો માનવ મહેરામણ આ મેળામાં ઉમટી પડે છે. આખુ વર્ષ જન્માષ્ટમીએ સૌરાષ્ટ્રભરના લાખો લોકો લોકમેળાની રાહ જોતા હોય છે. ઉંચા ઉંચા ફજર, ફાળકા સહિતની રંગબેરંગી રાઇડસમાં બેસવાની મોજ. એક અંદાજ મુજબ દર વર્ષે દસેક લાખ લોકો આ મેળામાં મહાલે છે. નાના બાળકોથી માંડીને શતાયુ નાગરિકો સુધીના દરેક રાજકોટવાસીઓ માટે મેળો એ આખું વર્ષ રાહ જોવાનો પ્રસંગ છે. જેમ શિયાળોએ આખા વર્ષની તાજગી ભરી લેવાની મોસમ છે. એમ પ્રત્યેક રાજકોટવાસીઓ માટે મેળો એ આખા વર્ષની મસ્તી માણી લેવાનો અવસર છે.
જિલ્લા વહીવટી તંત્ર સંચાલિત લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા આ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળો વર્ષોથી રેસકોર્સમાં યોજવામાં આવે છે. પણ રેસકોર્સમાં ખૂબ ટ્રાફિકના કારણે ગીચતા વધી રહી છે. તેવામાં કોઈ નાની દુર્ઘટનાના કારણે અફરાતફરી મચવાની સંભાવના વધી જતી હોય, જેને પગલે નવુ સ્થળ શોધવામાં આવી રહ્યું છે.રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં દર વર્ષે જન્માષ્ટમીએ લોકમેળો યોજાય છે. જે દર વર્ષે શ્રાવણ માસની છઠથી શરૂ થાય છે. તે દિવસે સાંજના સમયે મેળાનું ઉદઘાટન થાય છે. વધુમાં આ મેળો પાંચ દિવસ ચાલે છે. જો જરૂર પડે તો મેળાને એક કે બે દિવસ લંબાવવામાં આવે છે. આ વર્ષે લોકમેળો તા.24, 25, 26, 27 અને 28 ઓગસ્ટના રોજ લોકમેળો યોજાનાર છે. હાલ નવી જગ્યા શોધવા કલેકટર તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. અટલ સરોવર અને કણકોટ એન્જીનીયરીંગ કોલેજ નજીક સહિતની ત્રણ જગ્યાઓ કલેકટર તંત્ર દ્વારા જોવામાં આવી છે. પણ આ જગ્યાઓમાં સમતળ જમીન નથી. જમીન સમતળ કરવામાં મોટો ખર્ચ થાય એમ છે. માટે આ જગ્યાઓને પડતી મુકવામાં આવી છે. એટલે હજુ પણ જગ્યા માટે સર્ચ શરૂ છે.