- ધો.10ની પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિત રાખે તેમને જ અત્યાર સુધી
- ધો.11માં વિજ્ઞાનપ્રવાહ અથવા તો સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મળતો હતો
ધોરણ-10માં સ્ટાન્ડર્ડ ગણિત અથવા તો બેઝિક ગણિત પૈકી કોઇપણ વિષય સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ હવે ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં ગ્રૂપ અ અથવા તો ગ્રૂપ ઇ અથવા તો ગ્રૂપ અ-ઇમાં પ્રવેશ મેળવી શકશે તેવો નિર્ણય સરકાર એટલે કે શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. આ વિદ્યાર્થી ધો.11 સામાન્ય પ્રવાહમાં પણ મેળવી શકશે. આ સાથે જ અગાઉ કરાયેલી તમામ જોગવાઇ રદ કરાઈ હોવાની સ્પષ્ટતા પણ શિક્ષણ વિભાગે કરી દીધી છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો.10ની પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિત રાખે તેમને જ અત્યાર સુધી ધો.11માં વિજ્ઞાનપ્રવાહ અથવા તો સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મળતો હતો. આ જૂની જોગવાઇ રદ કરી દેવાઈ છે. અત્યાર સુધી બેઝિક મેથ્સ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓએ અ ગ્રૂપમાં પ્રવેશ મેળવવો હોય તો સપ્લીમેન્ટરી એકઝામ આપવી પડતી હતી. નવી જોગવાઇ પ્રમાણે હવે કોઇપણ ગણિત સાથે પાસ થયા હોય તેને અ-ઇ અથવા તો અઇ ગ્રૂપ પૈકી કોઇપણમાં પ્રવેશ મળી શકશે. એટલે કે જે વિદ્યાર્થી ધો.10માં બેઝિક ગણિત રાખે તે ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં ઇ ગ્રૂપમાં જ પ્રવેશ મેળવી શકે અને અ અથવા અઇ ગ્રૂપમાં પ્રવેશ મેળવી શકે નહી તેવી જોગવાઇ રદ કરી દેવાઈ છે. ધો.10માં બેઝિક ગણિતમાં પાસ થનારા વિદ્યાર્થી જો ધો.11 વિજ્ઞાનપ્રવાહમાં અ અથવા અઇ ગ્રૂપમાં પ્રવેશ મેળવવા માંગતો હોય તો જુલાઇ માસની પૂરક પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા પાસ કરવી જરૂરી હતી તે જોગવાઇ પણ રદ કરી દેવાઈ છે. બોર્ડની માન્યતા ધરાવતી સ્કૂલોએ ધો.10માં બેઝિક ગણિત સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને ધો.11 સાયન્સના ગ્રૂપ અમાં તેમની ક્ષમતા અને યોગ્યતા ચકાસીને પ્રવેશ આપવાનો રહેશે. આ માટે ગુજરાત બોર્ડ દ્વારા આનુષાંગિક નિયમો બનાવવા તેવી તાકીદ પણ કરાઈ છે.આમ, આ નિર્ણયના કારણે હવે વિદ્યાર્થીઓ બેઝિક કે સ્ટાન્ડર્ડ પૈકી કોઇપણ મેથ્સ સાથે ધો.10 પાસ થયા હોય તો પણ તેઓ ઇચ્છે તે એટલે કે અ ગ્રૂપ કે ઇ ગ્રૂપમાં પ્રવેશ મેળવી શકશે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત આ નિર્ણય કરાયો હોવાની સ્પષ્ટતા પણ કરાઈ છે.