- ધોરણ-10ના 317, ધોરણ-12 સાયન્સમાં 287 અને સામાન્ય પ્રવાહમાં 84 વિદ્યાર્થીઓના ગુણ વધ્યા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની ગુણ ચકાસણીના જવાબો ઓનલાઈન અપલોડ કર્યા છે. જેમાં ધોરણ-10 અને 12ના મળી કુલ 58 વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ પરિણામમાં નાપાસ થયા હતા અને ગુણ ચકાસણી બાદ તેમના ગુણમાં વધારો થતાં તેઓ પાસ થયા છે. આ ઉપરાંત ગુણ ચકાસણી દરમિયાન કુલ 688 વિદ્યાર્થીઓના ગુણમાં વધારો થયો છે. જેમાં ધોરણ-10ના 317, ધોરણ-12 સાયન્સમાં 287 અને સામાન્ય પ્રવાહમાં 84 વિદ્યાર્થીઓના ગુણ વધ્યા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 9 મેના રોજ ધોરણ-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 11 મેના રોજ ધોરણ-10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતુ. પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓ પાસે ગુણ ચકાસણી માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ગુણ ચકાસણી માટે બોર્ડ સમક્ષ અરજીઓ કરી હતી.આ દરમિયાન ધોરણ-12 સાયન્સમાં શિક્ષણ બોર્ડને સમગ્ર રાજ્યમાંથી ગુણ ચકાસણી માટે 1804 અરજીઓ મળી હતી. જ્યારે સાયન્સમાં ઉત્તરવહી અવલોકન પણ હાથ ધરવામાં આવતું હોવાથી તેના માટે 3952 અરજીઓ આવી હતી. દરમિયાન, ગુણ ચકાસણી અને ઉત્તરવહી અવલોકન બાદ ધોરણ-12 સાયન્સમાં કુલ 287 વિદ્યાર્થીઓના ગુણમાં સુધારો થયો છે. જેમાથી 19 વિદ્યાર્થીઓના ગુણમાં વધારો થવાના લીધે તેઓ નાપાસમાંથી પાસ જાહેર થયા છે. આ વિદ્યાર્થીઓનું જ્યારે પરિણામ જાહેર કરાયું ત્યારે જે તે વિષયમાં નાપાસ હતા, પરંતુ ગુણ ચકાસણી દરમિયાન ગુણ વધવાના લીધે પાસ થયા છે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં ગુણ ચકાસણી માટે કુલ 4236 અરજીઓ આવી હતી. જેમાથી ગુણ ચકાસણી બાદ 86 વિદ્યાર્થીઓના ગુણ સુધર્યાં હોવાનું સામે આવ્યું છે. આ 86 વિદ્યાર્થીઓ પૈકી 84 વિદ્યાર્થીના ગુણમાં વધારો થયો છે, જ્યારે 2 વિદ્યાર્થીઓના ગુણમાં ઘટાડો થયો છે. સામાન્ય પ્રવાહમાં 11 નાપાસ વિદ્યાર્થીઓ ગુણમાં વધારો થવાના લીધે પાસ થયા છે. ધોરણ-10માં 4918 અરજીઓ ગુણ ચકાસણી માટે આવી હતી. જેમાથી 317માં ગુણ સુધર્યા છે. ધોરણ-10માં 28 નાપાસ વિદ્યાર્થીઓઓ ગુણમાં થયેલા સુધારાના પગલે પાસ જાહેર થયાં છે. જ્યારે 4311 અરજીઓમાં ગુણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી.