- ‘એન્ઝાયટી પીડિત લોકો નિંદા કરવામાં માસ્ટર હોય છે.’: ડો. પ્રજ્ઞા મલિક
જીવનમાં અનેક પ્રકારના જુદા જુદા રસ છે. ભજનનો રસ,નાટક જોવાનો રસ,પિક્ચર જોવાનો રસ,સંગીતનો રસ વગેરે.આ બધા રસમાં એક રસ મોટે ભાગે સૌ કોઈને પ્રિય છે.તે છે નિંદા રસ.જે જાણે અજાણે પણ જીવનમાં વણાઈ ગયેલો હોય છે.આખી રાત ભજન કરો તો પાછળની રાત્રે ઊંઘ આવવાની છે.નાટકનું પણ આવું કંઈક છે.સંગીત રસમાં પણ આખી રાત સંગીત ગાઈ શકાતું નથી.જ્યારે નિંદા રસ એવો રસ છે કે કોઈ ટોપીક હાથમાં આવી જાય અને બધા વિરોધીઓનું ટોળું ભેગું થાય એટલે આખી રાત નીકળી જાય.રાજકીય વ્યક્તિઓમાં પણ આવું જ કાંઈક છે.વક્તા પોતાના ઉમેદવારના વખાણ કરે તો તે લાંબો સમય બોલી શકતો નથી,પણ વિરોધ પક્ષના ઉમેદવારના વિરોધની વાત કરવામાં આવે તો શ્રોતાઓ કંટાળે પણ વક્તવ્ય આપનાર અટકે નહીં.જોકે જાણે અજાણે વિરોધ કરી કર્મનું ભાથું બાંધી લેશે.બીજાની ગેરહાજરીમાં કોઈ વ્યક્તિની નિંદા કરવી તે યોગ્ય નથી.જોકે નિંદા વ્યક્તિની ગેરહાજરીમાં જ થાય ! સામે ઊભેલી વ્યક્તિની નિંદા થઈ શકતી નથી.અમુક માનવીઓને સામાન્ય વ્યક્તિની ભૂલો જોવાની એટલા માટે મન થાય છે કે પોતાની દ્રષ્ટી ટૂંકી હોય છે.બીજા પાસે છે પણ પોતાની પાસે નથી તેવી સરખામણી કરી ઈર્ષા આવતા નિંદા કરવામાં કશું બાકી રાખતો નથી.બીજાને હલકો ગણાવી પોતે સુખ તથા સંતોષ મેળવવાનું કરતો હોય છે.નિંદાખોરનો એક વર્ગ છે. આ વર્ગને નિંદા કર્યા વિના ચેન પડતું નથી અને નિંદા કરવામાં રજનું ગજ કરે છે.નિંદા કરનાર વ્યક્તિ જેની નિંદા કરતો હોય તેની હાજરીમાં કરી શકતો નથી. કોઈની ગેરહાજરીનો લાભ ઉઠાવી મન ફાવે તેમ બોલીને પોતે ખુશ થાય છે.પોતાનો અહમ્ પોષતો રહે છે.નિંદા કરવામાં ઈર્ષા વધુ મોટો ભાગ ભજવે છે.ઈર્ષા થવાથી મનમાં અશાંતિ તથા અજંપો થતાં નિંદા કરવાનો વિચાર આવે છે.પોતે પાછળ રહી ગયો છે અને બીજો આગળ આવી ગયો છે.તેમાંથી આ નિંદા રસનો જન્મ થાય છે.નિંદા એ એક નકારાત્મક પગલું છે.નિંદાખોર બીજાને ઉતારી પાડવામાં અતિશયોક્તિ કરી બીજાને ગેરમાર્ગે દોરે છે.નિંદાખોર વ્યક્તિ જ્યારે બીજાઓની આગળ નિંદા કરે છે ત્યારે બીજાઓને તમાશો જોવા મળે છે.પરંતુ લોકો મનમાં સમજે છે કે આ નિંદાખોર આની નિંદા કરે છે,તો કાલે આપણી પણ નિંદા કરવામાં બાકી રાખશે નહીં.આવી નિંદાખોર વ્યક્તિઓથી દૂર રહેવું જોઈએ.શક્ય હોય તો કોઈની નિંદા સાંભળવી જોઈએ નહીં અને હકારાત્મક વિચાર રાખવા જોઈએ.જે વ્યક્તિ અદેખાઈ કરતો નથી,તે વ્યક્તિ નિંદા કરવાનો વિચાર સુદ્ધા પણ નહીં કરે.ભલે તમે કોઈની પ્રશંસા ન કરી શકો પણ કોઈની નિંદા કરશો નહીં.નિંદા કરવી અધમવૃત્તિ ગણાય છે.જેથી નિંદાખોર અને નિંદાથી દૂર રહેવું જોઈએ.
વધારે સમય સુધી આ નિંદા કરવાની ટેવ સાથે લઈ ચાલવાથી માણસને નેગેટિવ બનાવી દે છે.ચુગલી – નિંદા એ આપણી રોજબરોજની લાઈફનો એક ભાગ છે.પરંતુ આપણા સમાજમાં આ સારી વાત માનવામાં આવતી નથી.ક્લિનિકલ સાયકોલોજીસ્ટ ડો.પ્રજ્ઞા મલિક એવું કહે છે કે નિંદા કરવાની ટેવની સાયકોલોજીકલી અસર આપણા મગજ અને શરીર પર પડે છે.જ્યારે કોઈપણ વ્યક્તિ કોઈનાથી નાખુશ જ હોય ત્યારે તે ’લો ફીલ’ કરે છે. ચિંતા કે દુ:ખી હોય ત્યારે તે ચુગલી કરે છે.આને નેગેટિવ ડિફેન્સિવ બિહેવિયર કહેવામાં આવે છે. એન્ઝાયટી પીડિત લોકો નિંદા કરવામાં માસ્ટર હોય છે.
જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો ગુસ્સો કે ઈમોશન કંટ્રોલ કરી શકતો નથી ત્યારે તે નિંદા કરે છે તેમ છતાં બધા કરે છે.
ઘણા લોકોની આંખ ખરાબ જોવા ટેવાઈ ગઈ હોય છે અને એના કારણે એમને ક્યાંય કશું સારું દેખાતું જ નથી હોતું.આવા નીંદક ખરાબ લોકોને તો ખરાબ ચિતરે છે પણ સારા લોકો પર પણ ડાઘ લગાવવાનું ચૂકતા નથી.આવા લોકો સ્મશાનની તો નિંદા કરશે જ પણ સાથે સાથે મંદિરની પણ નિંદા કરતા ફરતા હોય છે. કતલખાનાની જ નહીં, પાંજરાપોળની પણ નિંદા કરતા હોય છે.આ નિંદાનું કૃત્ય બોમ્બ જેવું છે – એ સારુંને ખરાબ બધાને સાફ કરી નાખે છે.આ લોકો પાપ કરનાર વ્યક્તિને તો બદનામ કરે જ છે,સાથે સાથે સારી વ્યક્તિને પણ કલંકિત કરવામાં કશું બાકી નથી રાખતા.દુર્જનને જ નહીં,સજ્જનને પણ.પડોશીને જ નહીં,મા બાપને પણ ઉતારી પાડે છે.આવી પાપી વ્યક્તિ પાપીના તો પાપ ઉગાડાં કરે જ છે,પણ પરમાત્માની નિંદા કરવામાં પણ તેને હિચકિચાટ થતી નથી.
એક નગરમાં રાજા એક વાર અગિયાર બ્રાહ્મણોને ખીર – પુરી તથા અનેક મિષ્ઠાન જમાડવા બોલાવે છે.ભોજન ખુલ્લામાં તૈયાર થઈ રહ્યું હતું.તે સમયે એક સમડી પોતાના પંજામાં સાપને પકડીને જઈ રહી હતી.સાપે પોતાનો જીવ બચાવવા માટે સમડીને ડંખ માર્યો.તેનું થોડું ઝેર દુધમાં પડતા ખીર ઝેરી બને છે અને તે ખીર ખાવાથી અગિયાર બ્રાહ્મણોનું મૃત્યુ થાય છે.રાજાને ચિંતા થાય છે કે આ બ્રાહ્મણોની હત્યાનું પાપ મને લાગશે.બીજી તરફ યમરાજા પણ વિચારમાં પડી ગયા કે આ અગિયાર બ્રાહ્મણોની હત્યાનું પાપ કોના ખાતામાં નાખવું ?
રાજાને ખબર નથી કે ભોજનમાં ઝેર છે.રસોઈયા જાણતા નથી કે રસોઈ ઝેરી બની છે.સમડી ઝેરી સાપને લઈને રાજાના મહેલ ઉપરથી પસાર થઈ તેને ખબર નથી કે સાપના મુખમાંથી ઝેર રસોઈમાં પડ્યું છે.સાપે તો પોતાના જીવની રક્ષા માટે સમડીને ડંખ માર્યો છે.
ઘણા સમય સુધી યમરાજાના દરબારમાં આ પ્રશ્ન વણઉકેલ રહ્યો.એક વાર કેટલાક બ્રાહ્મણો રાજાને મળવા માટે આવે છે.નગરમાં પ્રવેશતા ચોરા ઉપર બેઠેલા કેટલાક નવરા લોકોને તે રાજમહેલ જવાનો રસ્તો પૂછે છે.ત્યારે તેઓ રસ્તો તો બતાવે છે સાથે સાથે સલાહ આપે છે કે,અમારા નગરનો રાજા આવનાર લોકોને ભોજનમાં ઝેર નાખીને જમાડીને મારી નાખે છે.એટલે તમે લોકો રાજાને ત્યાં ભોજન ના લેશો ! યમરાજાને પ્રશ્નનો ઉકેલ મળી ગયો.તેમણે અગિયાર બ્રાહ્મણોની હત્યાનું પાપ આ લોકોના ખાતામાં ઉધારી દીધું.
આ સમયે યમદૂતો યમરાજાને પ્રશ્ન પૂછે છે કે બ્રાહ્મણો મરી ગયા તેમાં નગરના ચોરા ઉપર નવરા બેઠેલા લોકોનો તો કોઈ દોષ જ નથી તો એમના ખાતે બ્રહ્મ હત્યાનો દોષ કેમ ? ત્યારે યમરાજા કહે છે કે આ કેસમાં રાજા – સમડી,સાપ કે રસોયાનો દોષ હતો જ નહીં.પરંતુ આ લોકોએ સત્ય જાણ્યા વિના રાજાની નિંદા કરી છે એટલે અગિયાર બ્રાહ્મણોની હત્યાનું ફળ તેમના ખાતે ઉધારવામાં આવે છે. ઘણીવાર આપણે વિચારીએ છીએ કે મેં તો ક્યારેય પાપ કર્યું નથી તો પછી મને કેમ સજા મળી? વાસ્તવમાં જાણે – અજાણ્યે બીજાઓની નિંદા – કુથલી કરવાના કારણે પાપનું ફળ આપણે ભોગવવું પડતું હોય છે.એટલે કોઈની નિંદા – કુથલી ક્યારેય ન કરવી.તેમ કરવાથી નીંદક બીજાના પાપ પોતાના માથે લઈ લેતો હોય છે.