- પારિવારિક પ્રસંગો પર આધારીત
- લગ્ન પ્રસંગ પર બનેલી ફિલ્મ દર્શકોના હ્રદયને સ્પર્શી જશે: ફિલ્મના અંતમાં મળશે મેસેજ: તમામ શુટીંગ વડોદરામાં થયું
- ફિલ્મના કલાકારો ડો. કાવ્યા જેઠવા, હાર્દિક ભાવસાર, વિવેક બુચ સહીતનાએ ફિલ્મ અંગે માહીતી આપવા લીધી અબતકની મુલાકાત
મુહુર્ત શોર્ટ ફિલ્મના બેનર હેઠળ બનેલ ગુજરાતી ફિલ્મ જલુલ જલુલથી આવજો આગામી 14 જુનના રોજ ગુજરાતભરમાં રીલીઝ થવા જઇ રહી છે. ત્યારે જલુલ જલુલથી આવજો ફિલ્મ વિશેની વિગતવાર ચર્ચા કરવા ફિલ્મના કલાકારો ડો. કાવ્યા, જેઠવા, હાર્દીક ભાવસાર, વિવેક બુચ લેખક – દિગ્દર્શક પૂર્વેશ પરમાર, નીલ જેનીશ તથા પી.આર. તથા માકેટીંગના લોકીક માણગેએ અબતક મીડીયા હાઉસની મુલાકાત લીધી હતી.
જલુલ જલુલથી આવજો ફિલ્મ લગ્નના અવસરને ઘ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ છે. આ ફિલ્મ કોમેડી, હ્યુમરથી ભરપુર છે અને ફિલ્મના અંતે એક ગંભીર મેસેજ પણ દર્શકોને આપવામાં આવેલ છે.
ફિલ્મમાં સ્વસ્તીક વ્યકિતને જીવંત બનાવનાર હાર્દીકએ જણાવ્યું હતું કે જલુલ જલુલથી આવજો ફિલ્મના શુટીંગ સમયે ખુબ જ મોજ મજા, આનંદ સાથે કામ કર્યુ છે એક પ્રસંગ ઉકેલવા માટે એક પરિવારે શું મહેનત કરવી પડે છે. તે તમામ તલસ્પર્શી વાત અમારી ફિલ્મમાં વર્ણવવામાં આવી છે. હું ગુજરાતી ફિલ્મો સાથે ઘણા વર્ષોથી જોડાયેલો છું. મેં 9 ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યુ છે. પરંતુ લીડ રોલ સાથેની આ મારી પ્રથમ ફિલ્મ છે.
ફિલ્મમાં અક્ષતનું પાત્ર ભજવનાર કલાકાર વિવેક બુચે જણાવ્યું હતું કે, હું થીયેટર આર્ટીસ્ટ છું. ઘણા પરર્ફોમેન્ટ આપ્યાં છે. હિન્દી, વેબસીરીઝ, ફિલ્મમાં પણ કામ કર્યુ છે. મેં ગુજરાતી ફિલ્મ જલુલ જલુલથી પધારજો માં ખુબ જ ઉત્સાહ સાથે, દિલથી કામ કર્યુ છે. અમારી ફિલ્મને દર્શકો જરુરથી વધાવશે.
કારણ કે ફિલ્મમાં કોમેડી, હ્યુમન ભરપુર છે. અને છેલ્લો સંદેશો પણ મળશે.
જલુલ જલુલથી આવજો ફિલ્મના લેખક દિગ્દર્શક, ગીતકાર પૂર્વેશ પરમારે જણાવ્યું હતું કે, ફિલ્મની સ્ટોરી લખવાથી લઇ પુરી ફિલ્મ તૈયાર કરવા માટે અમે 3 વર્ષ કામ કર્યુ છે. આખી ફિલ્મ વડોદરામાં જ શુટ કરવામાં આવી છે. આ એક પારિવારિક હ્યુમર સ્ટોરીવાળી ફિલ્મ છે. જે લગ્નને ઘ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. આ ફિલ્મ સહપરિવાર માણી શકાય તેવી છે. ફિલ્મમાં લગ્નગીત અને ગરબો મોજ પડાવશે. જેમાંથી ગરબો ગીત તો લોન્ચ થઇ ગયું છે. જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
વધુમાં વાત કરતાં જણાવ્યું હતું કે:, હવે દિન-પ્રતિદિન ગુજરાતી ફિલ્મનો ટ્રેન્ડ વધી રહ્યો છે. દર્શકો ગુજરાતી ફિલ્મ તરફ વળ્યા છે સારી સ્ટોરીને લોકો પસંદ કરી રહ્યા છે. જે અમારા માટે ગર્વની વાત કહી શકાય.
એકટીંગનું મારૂ નાનપણનું સપનું પુરૂ થયું: ડો. કાવ્યા જેઠવા
અબતકની મુલાકાતે આવેલ ડો. કાવ્યા જેઠવાએ જણાવ્યું હતું કે ફિલ્મમાં મારો રોલ તોરલ નો છે. હું પોતાની જાતને ખુબ જ નસીબદાર માનું છું કે, મને ફિલ્મમાં લીડ રોલની તક મળી છે. આમ તો વ્યવસાયે હું હોમિયોપેથીક ડોકટર છું. પરંતુ એકટીંગ કરવી તે મારૂ નાનપણનું સ્વપ્ન હતું જે આ ફિલ્મ જલુલ જલુલથી આવજો ના માઘ્યમથી સાકાર થયું છે. મે અગાઉ એક બહાનું આપીશ વેલ સીરીઝ, ખુલી આંખના સ્વપ્ના જેવી શોર્ટ ફિલ્મમાં કામ કર્યુ છે. તથા મોટા બેનર હેઠળ આવેલા સત્યા પ્રેમ કી કથામાં પણ અભિનયના ઓજસ પાથર્યા છે. જલુલ જલુલથી આવજો ફિલ્મ બે પરિવાર વચ્ચેની રસપ્રદ, રમુજી કહાની છે. આ આખી ફિલ્મ પારીવારીક છે. ફેમીલી સાથે બેસીને જોઇ શકાશે. તથા ફિલ્મના અંતે સુંદર મજાનો સંદેશ અપાયો છે. અમારી ફિલ્મ 14 જુને રીલીઝ થશે. બધા જરુરથી જજો મજા પડશે.