- ત્રણ વર્ષમાં રાજકોટ જિલ્લામાં 54 લાખથી વધુ રોપાઓનો ઉછેર-સહ-વિતરણ
ચોમાસુ હવે ઢૂકડું છે ત્યારે વરસાદના આગમન સાથે ચોતરફ હરિયાળી છવાઈ જશે. આપણી આસપાસના વાતાવરણને વધુ ઘેઘુર અને હરિયાળું બનાવવા વન વિભાગ દ્વારા નર્સરીઓમાં લાખોની સંખ્યામાં રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છેરાજ્યના વન અને પર્યાવરણ વિભાગ અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ રાજ્યને હરિયાળું બનાવવા પ્રતિ વર્ષ નર્સરીઓમાં રોપા ઉછેરની કામગીરી ચોક્કસ લક્ષ્યાંક સાથે કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં કાર્યાન્વિત નર્સરીઓમાં છેલ્લા ત્રણ વર્ષમાં ખેડુતોને ઉપયોગી વૃક્ષો, ઔષધીય ગુણ, સુશોભન, ફળ-ફુલ, જુદા જુદા કિંમતી ઝાડ વગેરેના મળીને કુલ 54 લાખ જેટલા રોપાઓ તૈયાર કરવામાં છે. જેનું ચોમાસાના પ્રારંભે નહિવત કિંમતે વિતરણ કરવામાં આવી રહ્યું છે.
રાજકોટ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક તુષાર પટેલે આ અંગેની માહિતી આપતા જણાવ્યું છે કે, વર્ષ 2022-23 માં 18,07000, ર023-24 માં 17,82000 તેમજ 2024 -25 માં આ વર્ષે 18,22000 નાં લક્ષ્યાંક સાથે રોપાઓ ઉછેરવામાં આવ્યાં છે. જેનું 75 માં ખાતાકીય વન મહોત્સવ હેઠળ ચોમાસાના પ્રારંભે વિતરણ શરુ કરવામાં આવશે.
ફૂલછોડ, ફળાઉ, ઔષધિ, સુશોભન અને છાંયડો આપતાં રોપા
નર્સરી ખાતેથી ઉછેરવામાં આવેલ રોપાઓમાં ખેડુતોને ઉપયોગી વૃક્ષોની જાતો જેવી કે વાંસ, સરગવો, લીંબુ, દાડમ, સીતાફળ, જાંબુ, ઉપરાંત સુશોભિત અને છાંયો આપતા રોપા પણ પ્રાપ્ત થઇ શકશે. આ ઉપરાંત આયુર્વેદિક ઉપયોગિતા ધરાવતી વનસ્પતિના રોપ જેવા કે હરડે, બહેડા, આંબળા, અરડુસી, અશ્વગંધા, ગુગળ, વિકળો તથા મીઠી આવળના રોપ પણ પ્રાપ્ત થઇ શકશે. સુશોભનની જાતો જેવી કે, ઉભા આસોપાલવ, ગુલમ્હોર, ગરમાળો, કરંજ, પેલ્ટફોરમ વગેરે ઉપરાંત ઘટાદાર છાંયો આપે તેવા વૃક્ષો જેવા કે, વડ, પીપર, ઉમરો, લીમડો વગેરેના રોપા પણ પ્રાપ્ત થઇ શકશે.
રોપાનું રાહતદરે વિતરણ
રોપાઓની કિંમત તેની પોલીથીનની બેગ ની સાઈઝ મુજબ હોય છે. 10 સે..મી. ડ્ઢ 20 નાની બેગ ના રૂ 2, 15 સે.મી.ડ્ઢ 15 સે.મી. ના રૂ. 4, 20 સે..મી. ડ્ઢ 30 સે..મી. ની બેગના રૂ. 7.50 અને 30 સે..મી. ડ્ઢ 40 સે..મી. ની બેગના માત્ર 15 રૂ. છાયડો આપતાં મોટા વૃક્ષના રોપાઓ કે જેની ઉંચાઈ 7 થી 8 ફૂટ હોય છે તેના 100 રૂ., શાળાને 100 રોપાઓ અને ગ્રામપંચાયતને 500 રોપા નિ:શુલ્ક!
વનીકરણ યોજનાઓ
ખેડૂતો માટે વૃક્ષ ખેતી યોજના, એગ્રો ફોરેસ્ટ્રી યોજના, ફાર્મ ફોરેસ્ટ્રી યોજના, વિકેન્દ્રિત પ્રજા નર્સરી યોજનામાં સામેલ થઈ ખેતર અથવા શેઢામાં વૃક્ષારોપણ કરી આર્થિક લાભ મેળવી શકાય છે. વન વિભાગ દ્વારા સ્ટ્રીટ પ્લાન્ટેશન, ગ્રામ વાટિકા જેવી બહુઆયામી યોજના પણ અમલમાં છે. યોજનાકીય વધુ વિગત માટે રેંજ ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરવા નાયબ વન સંરક્ષક તુષાર પટેલે જણાવ્યું છે.
વન વિભાગની પહેલને વધાવી માત્ર રોપાનું વાવેતર નહી પરંતુ તેનું જતન કરવું અને તે પુખ્ત ન બને ત્યાં સુધી તેની પરિવારના સભ્ય માફક સંભાળ લઈ પૃથ્વીને ગ્લોબલ વોર્મિગથી સુરક્ષિત કરીએ.