• ઝાલાવાડ પંથકમાં ખનીજ વિભાગે થોકબંધ દરોડા પાડી કરોડો રૂપિયાનો મુદ્દામાલ ઝડપ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ધમધમતી ખનીજચોરીને ઉજાગર કરતા ’અબતક’ના અહેવાલ બાદ રહી રહીને ખનીજ વિભાગ જાણે સફાળી જાગી ગઈ હોય તેવું રીતે સમગ્ર ઝાલાવાડ પંથકમાં સતત દરોડા પાડીને ખનીજ ચોરીમાં વપરાતા વાહનો સહીતનો કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ખનીજ વિભાગની આ કાર્યવાહી સો ટકા પ્રસંશનીય છે પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે, જયારે સુરેન્દ્રનગર પંથકમાં આટલી હદે કાર્બોસેલની ખાણો ધમધમી રહી હોય અને અબજો રૂપિયાની ખનીજ ચોરી કરવામાં આવતી હોય ત્યારે શું સરકારી તિજોરીને અબજો રૂપિયાનો ધુંબો મારવાનું ષડયંત્ર ખનન માફિયા સ્થાનિક તંત્રની મીઠી નજર વગર કેવી રીતે ચલાવી શકે તે એક મોટો સવાલ છે. જયારે સમગ્ર સૌરાષ્ટ્રના લોકો પણ સુરેન્દ્રનગર પંથકમાં બેફામ ખનીજ ચોરી અંગે બધું જાણતા હોય ત્યારે શું તંત્રને આ બાબતની જાણ ન હોય તેવું બને ખરા? આખેઆખા ખનીજ ચોરીમાં તંત્રની મીઠી નજર હોય જ તેવું ચોક્કસ કહી શકાય છે ત્યારે આ કૌભાંડમાં શામેલ સરકારી બાબુઓ સામે તંત્ર કાર્યવાહી નહિ કરીને શા માટે છાવરી રહ્યું છે તે પણ એક મોટો સવાલ છે.

સુરેન્દ્રનગર પંથકમાં બેફામ ધમધમતી કાર્બોસેલની ખાણમાં અવાર નવાર દુર્ઘટનાઓ બનતી રહેતી હોય છે અને આ દુર્ઘટનામાં અનેક નિર્દોષ શ્રમિક જીવ પણ ગુમાવતા હોય છે પરંતુ બેખૌફ ખનન માફિયાઓ મૃતકોના બારોબાર અંતિમ સંસ્કાર કરીને મામલો દબાવી દેતાં હોય છે ત્યારે આટલા બેખૌફ અને બેલગામ ખનન માફિયાઓ સામે તંત્ર ખામોશ શા માટે? શું અગ્નિકાંડ જેવી ગોઝારી ઘટનાની રાહ જોવાઈ રહી છે? આ તમામ પ્રશ્નો સાથે ’અબતક’ દ્વારા સુરેન્દ્રનગર પંથકમાં થતી બેફામ ખનીજચોરીને ઉજાગર કરતો અહેવાલ પ્રસિદ્ધ કરાયા બાદ ખનીજ વિભાગ સફાળી જાગી ગઈ હોય તેમ સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે.

ખનીજ વિભાગે ગત સપ્તાહમાં સાયલા, થાનગઢ, ચોટીલા, ધ્રાંગધ્રા અને મુળી તાલુકામાં દરોડાનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં ખનીજ વિભાગ દ્વારા 14 જેટલાં ડમ્પર, 6 હિટાચી, 1 નાવડી, 9 ટ્રેકટર, 10 ચકરડી સહીતનો આશરે રૂ. 3 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ખનીજ વિભાગ દ્વારા ચાર જેટલાં ટ્રેકટરના માલિક વિરુદ્ધ ફોજદારી ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે.

હવે જયારે ખનીજ વિભાગ આટલા મોટા પ્રમાણમાં દરોડા પાડીને કરોડોનો મુદ્દામાલ કબ્જે કરતી હોય ત્યારે એક અહેવાલ અનુસાર ખનીજ વિભાગ જયારે એક્શન મોડમાં આવે ત્યારે ખનીજ ચોરી અટકાવી દેવામાં આવતી હોય છે પણ તે બાદ ફરીવાર ખનન માફિયાઓ દ્વારા આ ખાણો શરૂ કરી ખનીજ ચોરી કરવામાં આવતી હોય છે ત્યારે હવે તંત્રએ ખનીજ ચોરીમાં જવાબદારી નક્કી કરવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. જેમ દારૂના વેપલામાં પોલીસ મથકની જવાબદારી નક્કી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે ખનીજ ચોરીમાં પણ સ્થાનિક તંત્રની જવાબદારી નક્કી કરવામાં આવે અને જયારે ખનીજ ચોરી ઝડપાયા તો જે તે વિસ્તારના સ્થાનિક તંત્ર વિરુદ્ધ પણ એક્શન લેવાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામેથી ખનીજ ચોરી ઝડપીડમ્પર અને નાવડી સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રની ટીમની 4 ડમ્પર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામ પાસે ચંદ્રભાગા નદીમાંથી ગેરકાયદે રેતી ચોરીની ચોક્કસ બાતમીના આધારે ખનીન વિભાગે દરોડો પાડીને ડમ્પર, નાવડી સહીતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે વઢવાણ નાયબ કલેકટર નિકુંજ ધૂળા અને અનિરુદ્ધસિંહ ચાવડાની ટીમે ખનીજનું વહન કરતા ઓવરલોડેડ ચાર ડમ્પર ઝડપી લઇ રૂ. 80 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

ખનન માફિયાઓ હવે કાર્બોસેલ છોડી પથ્થરની ખાણ તરફ વળ્યાં : સાયલા તાલુકાના જસાપર નજીક ગેરકાયદે પથ્થરોની ખાણો બની ગઈ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં હવે પથ્થરોની ગેરકાયદેસર ખાણો શરૂ થઈ ગઈ છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં સૌથી વધુ કપચીના ભરડીયા આવેલા છે અને ત્યાં ઉપયોગમાં લેવાતા પથ્થરની ગેરકાયદેસર રીતે ખાણ ધમધમી રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નજીક આવેલા જસાપર ગામમાં આવેલા ડેમ નજીક ખનીજ માફીઆઓ દ્વારા ગેરકાયદેસર પથ્થરની ખાણ ખોદી નાખવામાં આવી છે. આ મામલે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગને જાણ થતા ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે અને ગેરકાયદે પથ્થરની ખાણ ઝડપી પાડવામાં આવી છે ત્યારે ખાસ કરીને જ્યાં પથ્થરની ખાણ ધમધમી રહી હતી ત્યાં એક્સપ્લોઝિવના જથ્થા વડે બ્લાસ્ટ કરવામાં આવતા હોવાનું પણ બહાર આવ્યું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.