છેલ્લા 24 કલાકમાં રાજ્યના 72 તાલુકાઓમાં મેઘમહેર: સૌથી વધુ તાપીના ડોલવાણમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો જ્યારે અમરેલીના લાઠીમાં બે ઇંચ તેમજ બોટાદના રાણપુર, ભાવનગરના ઉંમરાડા તેમજ અમરેલીના ખાંભા પંથકમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો: ભારે પવન અને વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી

સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર-દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના ચારેય ઝોનમાં રવિવારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 72 તાલુકામાં 4 થી લઇ 1 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. રવિવારે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અમરેલીના ખાંભા, ગીર સોમનાથના ઉના, સુરેન્દ્રનગરના સાયલા, ભાવનગર, બોટાદ અને કચ્છના વાગડ પંથકમાં હળવાથી લઇ ભારે ઝાંપટા વરસ્યા હતા. અનેક સ્થળે તોફાની પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. ભાવનગરમાં તોફાની પવન ફૂંકાતા અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા તો બીજી બાજુ વીજ થાંભલાઓ પણ તૂટી પડ્યા હતા. હજુ આજે સૌરાષ્ટ્રના ચાર જિલ્લા સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ હળવાથી લઇ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની સાથેસાથે હિંમતનગરમાં 13મીમી વરસાદ, દક્ષિણ ગુજરાતના જખડીયા તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી સાથે તેજ ગતિના પવનો સાથે વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાને લઇ વડનું ઝાડ ધરાશાયી થતા એક મહિલા સહિત ત્રણના મોત થયા છે. જ્યારે 6થી વધુ લોકો ફસાઇ ગયા હતા.

અમરેલી જિલ્લાના ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. બપોરે વાતાવરણમાં પલટાની સાથે વલ્લભીપુર તાલુકામાં કરા સાથે વરસાદ શરૂ થયો હતો. ગીર સોમનાથ જિલ્લાના ઉના-ગીર ગઢડા પંથકમાં ક્યાક ભારે પવન, ક્યાક છાંટા તો ક્યાક ધોધમાર વરસાદ વરસતાં પાણી ચાલતા થયા હતા. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં પણ વરસાદના આગમનથી લોકોને બફારામાંથી થોડી રાહત મળી હતી. કચ્છના ભચાઉ અને રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એકાએક ભારે પવન ફૂંકાયા બાદ વરસાદી ઝાંપટા પડ્યા હતા. અરવલ્લી જિલ્લાના મોડાસા અને ભિલોડા પંથકમાં રાત્રિના વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. તાપી જિલ્લાના પણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. બીજી બાજુ અમદાવાદમાં પણ મોડી સાંજે મેઘરાજાએ પધરામણી કરતા હવામાનમાં ઠંડક પ્રસરી હતી. શહેરના પૂર્વ-પશ્ર્ચિમના વિવિધ વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. હજુ આજે પણ સૌરાષ્ટ્રના ચાર જિલ્લા તો રાજ્યના કુલ 14 જિલ્લાઓમાં સામાન્યથી લઇ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

મુંબઇમાં ધોધમાર વરસાદ

મુંબઇની સાથે સોલાપુર અને પૂણેમાં પણ રવિવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. મુંબઇ, થાણે સહિતના રાજ્યના ઘણા જિલ્લાઓમાં દિવસભર વાદળર્છાંયુ વાતાવરણ બાદ મોડી સાંજે ધોધમાર વરસાદ વરસતાં રસ્તાઓ પાણી-પાણી થઇ ગયા હતા અને લોકોને વરસાદ સાથે આવેલા પવનના કારણે ગરમીથી રાહત મળી હતી. ઉલ્લેખનીય છે કે દક્ષિણ મુંબઇમાં 67 મીમી જ્યારે એરપોર્ટ નજીક શાંતાક્રૂઝમાં 64 મીમી વરસાદ નોંધાયો હતો. મુંબઇમાં ચોમાસાના આગમનથી મુંબઇવાસીઓ ખુશ થયા હતા. પૂણેમાં પણ સતત બીજા દિવસે વરસાદ વરસ્યો હતો. મુંબઇના વિક્રોલી, ઘાટકોપર, મુલુંડ, પવઇ વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે અને હવામાન વિભાગે બુધવાર સુધી વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.’

ભરૂચના શુકલતીર્થ ગામે વૃક્ષ ધરાશાયી થતા એક મહિલા સહિત ત્રણના મોત

રવિવારે રાજ્યના 72 તાલુકામાં ક્યાક ભારે તો ક્યાક ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ભરૂચના શુકલતીર્થ નજીક વરસાદ અને ભારે પવનને કારણે વડનું વૃક્ષ ધરાશાયી થતા રીક્ષા અને સ્વિફ્ટ ડિઝાર્ય કાર ઝાડ નીચે દબાઇ જતા રીક્ષામાં સવાર એક મહિલા સહિત ત્રણના મોત થયા હતા. જ્યારે 6થી વધુ લોકો ફસાઇ ગયા હતા. આ ઉપરાંત ભાવનગર, બોટાદમાં પણ ભારે પવનને કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા અને સ્કૂલોના પતરા ઉડી ગયા હતા.

આજે અને કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

છેલ્લા બે દિવસ થયા રાજ્યભરના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ તો ક્યાય ઝરમર છાંટા વરસ્યા છે તો આજે અને કાલે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, બોટાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને દીવમાં વરસાદની આગાહી આપવામાં આવી છે તેમજ પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિકલાકની વચ્ચે રહેશે તેમ પણ જણાવ્યું છે.

1 23

 

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.