- ‘અબતક’ ગ્રાઉન્ડ રિપોર્ટમાં ભ્રષ્ટચાર થયો ઉઘાડો
- દેવપરા મનરેગા કામ સાઇપ પર ઓનલાઇન 97ની હાજરી સામે હાજર હતા માત્ર 52
દેશના ગ્રામીણ વિસ્તારોમાં લોકોને રોજગાર આપવા માટે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો (મનરેગા) લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ રોજગારની ખાતરી આપવામાં આવી છે. જેથી જરૂરિયાતમંદ લોકો તેમની આજીવિકા મેળવી શકે. સમય જતાં આ કાયદાને લગતા નિયમોમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા. જેમાં ભ્રષ્ટાચાર પર અંકુશ લાવવા માટે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયની માર્ગદર્શિકા પર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ હેઠળ કામ કરતા મજૂરો માટે 1 જાન્યુઆરી 2023 થી ડિજિટલ હાજરી મૂકવી ફરજિયાત કરવામાં આવી હતી. આ કાયદામાં ફેરફારનો હેતુ ભ્રષ્ટાચારને રોકવાનો તેમજ જવાબદારીને ઠીક કરવાનો અને મસ્ટર રોલમાં ડુપ્લિકેશન ટાળવાનો હતો. પરંતુ જસદણ પંથકમાં ખુલ્લો ભ્રષ્ટાચાર આચરવા માટે ડીઝીટલ હાજરીને ઘોળી પી જવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જસદણ તાલુકામાં હાલ દેવપરા, બાખલવડ, હડમતીયા(ખાંડા), ભાડલા, બળધોઈ અને દહીંસરા ગામે મનરેગા યોજના હેઠળ કામગીરી ચાલી રહી છે. જેમાં ગેરહાજર લોકોની ખોટી હાજરી પૂરી ખુલ્લો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની બુમરાણ ઉઠતા અબ તક ટીમ દ્વારા જસદણના દેવપરા, બાખલવડ અને હડમતીયા(ખાંડા) ગામે રીયાલીટી ચેક કરવામાં આવી હતી. જેમાં દેવપરા ગામે 97 લોકોની ઓનલાઈન હાજરી પુરવામાં આવી હતી. પરંતુ સ્થળ પર તપાસ કરતા માત્ર 52 લોકો જ હાજર હતા અને બાકીના લોકો ગેરહાજર હતા. હાજરીપત્ર પણ કોરેકોરા જોવા મળ્યા હતા. જ્યારે બાખલવડ ગામે 46 લોકોના બદલે 35 લોકો અને હડમતીયા(ખાંડા) ગામે 68 ના બદલે 60 લોકો જ હાજર હતા. જ્યાં હાજરીપત્રકમાં ગેરહાજર તમામ લોકોની પુરેપુરી હાજરી પણ પૂરી નાખવામાં આવી હતી. જેને જોતા જવાબદાર તંત્રના ભ્રષ્ટાચારની પોલખોલ થઈ ગઈ હતી. ખરેખર જે લોકોની ઓનલાઈન હાજરી પુરવામાં આવી હોય તેને આખો દિવસ ફરજીયાત હાજર રહેવું પડે છે અને તો જ તેમને વળતર ચૂકવવાનું હોય છે. જો કોઈ વ્યક્તિ રોજગાર મેળવવા માટે આવી શકે તેમ ન હોય તો તેની ઓનલાઈન હાજરી પૂરી શકાતી નથી. તેમ છતાં જવાબદારો મીલીભગતથી જસદણ પંથકમાં મનરેગા યોજનામાં છેલ્લા ઘણા દિવસોથી ખોટી હાજરી પૂરવાનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હતો. પરંતુ મનરેગા યોજના હેઠળ ચાલતા ભ્રષ્ટાચારનો ભાંડાફોડ કરતા જવાબદાર તંત્ર મુંજવણમાં મુકાઈ ગયું હતું. જો કે આ અંગે જસદણના ટીડીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવતા ભ્રષ્ટાચારીઓમાં દોડધામ મચી જવા પામી છે. જો આ ભ્રષ્ટાચાર અંગે તટસ્થ તપાસ કરવામાં આવે તો અનેક બાબુઓના તપેલા ચડી જાય તેવી શક્યતા છે.
ઓનલાઈન હાજરી 97 લોકોની બોલેછે,હાજરમાં 52 જેટલા લોકો છે:ભરતભાઈ વાસાણી
હું દેવપરા ગામે રાહત કામમાં મેટ તરીકેની ફરજ બજાવું છું. આજે ઓનલાઈન હાજરી 97 લોકોની બોલે છે. હાજરમાં 52 જેટલા લોકો છે. અમારે ટોટલ 155 લોકોની સંખ્યા છે. અમને તલાટી મંત્રીએ કામગીરી સોંપી હોવાથી અમે હાજરીપત્રકમાં કોઈની હાજરી પૂરી નથી. અમારા તલાટી મંત્રીનું મને નામ ભુલાઈ ગયું છે. અમારે ઓનલાઈન હાજરી પુરાઈ ગઈ છે ખાલી હાજરીપત્રકમાં જ બાકી છે.તમે અમને ધ્યાન દોર્યું એટલે આ બાબતે હવે પછી આવું નહી બને: વિપુલભાઈ ગેલાતર-નરેગા એપીઓ,જસદણ તાલુકા પંચાયત.
અત્યારે 6 ગામોમાં સામુહિક કામો શરૂ છે. સવારે એ લોકો સવારે 7થી8 વાગ્યા સુધીમાં હાજરી પૂરે છે અને બપોરે 12 વાગ્યા આસપાસ હાજરી પૂરે છે. ઓનલાઈન હાજરી સવારે 7થી8 વાગ્યાની વચ્ચે પુરવાની હોય છે. જે લોકોની ઓનલાઈન હાજરી પૂરી હોય તેમને ફરજીયાત 7થી8 કલાક સ્થળ પર હાજર રહેવાનું હોય છે. જો કોઈ સ્થળ પર હાજર ન રહે તો તેની ગેરહાજરી પૂરી તેનું પેમેન્ટ કરતા નથી. હાજરીપત્રકમાં સવારે 7 વાગ્યે અડધી હાજરી અને બપોરે 12 વાગ્યે આખી હાજરી પુરવાની હોય છે. જો હાજરીપત્રમાં હાજરી જ ન પૂરી હોય તો ઓનલાઈન હાજરી પૂરેલી હોય છે. અમે સ્થળ પર જે મેટને રાખેલા હોય છે તેમને થોડું ઘણું કામ હોય તેના લીધે હાજરી પુરવામાં વહેલા મોડું થયું હશે. અમે આ બાબતે જે તે ગામના સરપંચ, તલાટી મંત્રી અને મેટને નોટીસ આપીશું અને નિયમ હમુજબ તેમની સામે કાર્યવાહી કરીશું. જ્યારથી આવું બન્યું હશે તેની અમે તપાસ કરીશું. નરેગાના નિયમ મુજબ સ્થળ પર થયેલ કામનું ચુકવણું તેમની હાજરીને ધ્યાને લઈને જ પેમેન્ટ ચુકવવામાં આવે છે.
આ બાબતે હું આજે જ તપાસના આદેશ આપું છું: કે.આર.ચુડાસમા(ટીડીઓ,જસદણ)
જે મજુર કામે આવે તેની જ ઓનલાઈન હાજરી પુરવાની હોય છે. જે લોકોની ઓનલાઈન હાજરી પૂરી હતી અને જે લોકો હાજર ન હતા તે બાબતે હું આજે જ તપાસના આદેશ આપું છું. આ બાબતની સંપૂર્ણ જવાબદારી જે તે મેટની હોય છે. સાથોસાથ અન્ય જે કોઈની પણ જવાબદારી આવતી હશે તેની સામે પણ અમે તપાસ કરીશું કે ક્યાં ભ્રષ્ટાચાર થાય છે. અમે ઓનલાઈન હાજરી કોણે પૂરી હતી અને કોણ સ્થળ પર હાજર ન હતા તેની અમે તપાસ કરીશું. આમાં હાજરી બાબતે સૌપ્રથમ મેટની જવાબદારી બને છે અને આમાં આખા મનરેગા વિભાગની જવાબદારી સંચાલન માટેની આવે છે. મારી જવાબદારી ગ્રામપંચાયતનું સંચાલન કરવાની હોય છે. આમાં મેટની, જીઆરએસ, એપીઓ સહિતની તમામની જવાબદારી આવે છે. આમાં ઓનલાઈન હાજરી જ માન્ય રાખવામાં આવે છે અને ઓફલાઈનની હાજરી માન્ય રાખવામાં આવતી નથી. આ બાબતે અગાઉ મારી પાસે કોઈ રજૂઆત આવેલ નથી. આ બાબતે અમે ઓનલાઈન હાજરીના આધારે તપાસ કરીશું.