- સરકારી કચેરીઓને પણ ફાયર સેફ્ટી અને એનઓસી અંગે નોટિસ અપાશે: હોર્ક્સ ઝોનથી લઇ મુખ્ય કચેરીનો સર્વે થશે
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાનું નિભંર તંત્ર સફાળું જાગ્યું છે. ફાયર સેફ્ટી કે એનઓસી વિના ધમધમતી મિલકતો ધડાધડ સીલ કરવામાં આવી રહી છે. કોર્પોરેશનની તમામ 600 મિલકતોમાં ફાયર સેફ્ટી અંગે સર્વે હાથ ધરવામાં આવશે. તેમ નવનિયુક્ત મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇએ જણાવ્યું હતું.
તેઓએ પત્રકારો સાથેની વાતચિત દરમિયાન જણાવ્યું હતું કે રાજકોટ મહાપાલિકા વિસ્તારમાં અલગ-અલગ 6 કેટેગરીની મિલકત આવેલી છે. જેમાં ફાયર સેફ્ટી અંગેની તપાસ કરવામાં આવી રહી છે. વોર્ડ ઇન્સ્પેક્ટર પાસેથી વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. આવતા સપ્તાહે આ કામગીરી પૂર્ણ થઇ જશે. કોર્પોરેશન હસ્તકની તમામ 600 જેટલી મિલકતોમાં ફાયર સેફ્ટી અંગે ચકાસણી કરવા માટે ત્રણેય ઝોનના સિટી એન્જીનીંયર અને ફાયર ઓફિસરને કામગીરી સોંપવામાં આવી છે. ક્યા કેટલા ફાયર સેફ્ટીના સાધનોની જરૂરિયાત છે? તે અંગે સર્વે કરવામાં આવશે અને તેને લગાવવા માટે ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવશે. હોર્ક્સ ઝોન, કોર્પોરેશનની શાળાઓ, વોર્ડ ઓફિસ, ઝોન કચેરી, કોમ્યુનિટી હોલ, ઓડિટોરીયમ, ઇન્ડોર સ્ટેડિયમ સહિતની તમામ મિલકતોમાં ફાયર સેફ્ટી માટે એક્શન પ્લાન બનાવવામાં આવશે. આ કામગીરી એક સપ્તાહમાં પૂરી કરી દેવામાં આવશે. કોર્પોરેશનની હદમાં આવેલી તમામ સરકારી કચેરીઓને પણ ફાયર સેફ્ટી અને એનઓસી અંગે નોટિસ ફટકારવામાં આવશે. કોર્પોરેશન દ્વારા 18 વોર્ડમાં ફાયર સેફ્ટી અંગે તપાસ કરવા માટે 18 ટીમ બનાવવામાં આવી છે. જે ટીમો દ્વારા રોજ અનેક મિલકતો સીલ કરવામાં આવે છે.
ત્રણેય ડીએમસીની કમિટી હાલ આના પર જ કામ કરી રહી છે. જે મિલકતો સીલ કરવામાં આવી છે તેના સીલ ખોલી દેવા માટે રોજ 50 જેટલી અરજીઓ આવે છે. પરંતુ જ્યાં ફાયર સેફ્ટીની પૂરી સુવિધા છે કે નહિં તેની પૂર્તતા કર્યા બાદ જ સીલ ખોલવા દેવાની મંજૂરી આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા પણ એવી સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે કે અગાઉ જે કામગીરી થઇ હોય તેમાં ભલે ક્ષતિ રહી ગઇ હોય પરંતુ હવે ફાયર સેફ્ટીના નવા નિયમની કડક અમલવારી કરવા માટે તાકીદ કરવામાં આવી છે. પ્રક્રિયા ઘણી લાંબી છે પરંતુ હાલ આ એક વિષયને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
ફાયર એનઓસી વિનાની 17 મિલકતો સીલ
કોર્પોરશન દ્વારા આજે બપોરે સુધીમાં વિવિધ વોર્ડની ટીમોએ ફાયર એન.ઓ.સી. અને બી.યુ. સર્ટિફિકેટ બાબતે કુલ 46 એકમોની ચકાસણી કરી હતી અને તેમાં કુલ 17 સંકુલો સીલ કરવામાં આવ્યા છે.
ફાયર બ્રિગેડ શાખામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા કાલથી જ કાર્યવાહી
રાજકોટ મહાનગર પાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખામાં અલગ-અલગ કેટેગરીની ખાલી પડેલી 64 જગ્યાઓ ભરવા માટે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પહેલા પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. દરમિયાન લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા આચાર સંહિતા અમલમાં આવી ગઇ હતી. જેના કારણે કાર્યવાહી આગળ વધારી શકાય ન હતી. આજે સાંજે આચાર સંહિતા પૂર્ણ થતાની સાથે જ કાલથી ભરતી પ્રક્રિયા અંગે ફરી કાર્યવાહી હાથ પર લેવામાં આવશે. તેમ મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇએ જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે અલગ-અલગ કેડરની કુલ 64 જગ્યાઓ ખાલી પડી છે. જે પૈકી 10 જગ્યાઓ ઇનહાઉસ ભરવામાં આવી છે. બાકી રહેતી 54 જગ્યા પૈકી 11 જગ્યાઓ માટે કોર્ટ મેટર ચાલી રહી છે. 43 જગ્યા ક્લીયર છે. જે ભરવા માટેની કામગીરી કાલથી જ શરૂ કરી દેવામાં આવશે.