- બિનખેતી, દબાણો, અપીલ, લેન્ડગ્રેબિંગ સહિતની કામગીરી પુરજોશમાં ચલાવાશે: કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને સાંજે સમીક્ષા બેઠક
આદર્શ આચારસંહિતા આજથી પૂર્ણ થવાની છે. જેથી આવતીકાલથી કલેકટર તંત્ર એક્શનમાં આવવાનું છે. બિનખેતી, દબાણો, અપીલ, લેન્ડગ્રેબિંગ સહિતની કામગીરી પુરજોશમાં ચલાવાશે. કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને સાંજે સમીક્ષા બેઠક પણ રાખવામાં આવી છે.
લોકસભાની ચૂંટણીને લઈને દેશભરમાં લાગુ કરાયેલી આદર્શ આચારસંહિતાના કારણે નવી યોજનાઓના અમલીકરણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મંગળવારે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે આજે ગુરુવારે સાંજથી આદર્શ આચારસંહિતા હટાવી લેવામાં આવશે. જેથી હવે નવી યોજનાઓ પર કામ શરૂ થશે.
આચાર સહિતા પૂરી થયા પછી સાંજે જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક રાખવામાં આવી છે. જેમાં પાયાની માળખાગત સુવિધાના મામલે ચાલતા વિવિધ પ્રોજેક્ટ સહિતના મામલે ચર્ચા થશે. એક સપ્તાહ પછી ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડના આયોજન સંદર્ભે જુદા જુદા વિભાગો સાથે બેઠક યોજી પ્લાનિંગ મંગાવવામાં આવ્યું છે.
આજની સમીક્ષા બેઠકમાં માધાપર બ્રિજ, જેતપુર અને કોટડા સાંગાણીના જમીન સંપાદન જેવા મુદ્દાઓ આવરી લેવાશે. આચારસંહિતા પૂરી થતાની સાથે જ તંત્રને કામે લાગવા ઉપરથી પણ આદેશ છૂટ્યા છે. બિનખેતી સહિતના જે પણ કામો પડતર છે તેના ત્વરિત નિકાલ માટે સરકારે પણ સૂચના આપી છે. બીજી તરફ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા આજે સાંજથી જ તમામ પેન્ડિંગ કામો પૂર્ણ કરવાની કસરત શરૂ કરી દેવામાં આવશે.બિનખેતી, દબાણો, અપીલ, લેન્ડગ્રેબિંગ સહિતની કામગીરી પુરજોશમાં ચલાવાશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી જિલ્લા કલેકટર તંત્ર ચૂંટણી કામગીરીની દોડધામમાં રોકાયેલ હતું. હવે અધિકારીઓ અને કર્મચારીઓએ ચૂંટણી કામગીરી પૂર્ણ થતાં રાહતનો શ્વાસ લીધો છે. હવે તમામ પ્રાંત અને મામલતદાર કચેરીઓ પોતાની મુખ્ય કામગીરીઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.
લોકસભાની પ્રથમ ચૂંટણીનો અનુભવ સારો રહ્યો: કલેકટર
જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું કે તેઓની આ પ્રથમ લોકસભા ચૂંટણી હતી. રાજકોટ બેઠક ચૂંટણી યોજવાનો તેઓનો અનુભવ ખૂબ સારો રહ્યો. ચૂંટણી વખતે જેમ પોર્ટલમાંથી અનેક વસ્તુઓની ખરીદી કરવામાં આવી હતી. જેથી મતદાન મથક દીઠ થનાર ખર્ચ ઘટશે તેવો જિલ્લા કલેકટરે આશાવાદ વ્યક્ત કર્યો હતો.