નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની બેઠકમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. એનડીએની બેઠક બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર હશે. અગાઉ, એવી અટકળો હતી કે વિરોધ પક્ષોનું ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવવાનો દાવો કરશે. હવે આગામી 8 જૂનના રોજ તેઓ ફરી એકવાર વડાપ્રધાન પદના શપથ લે તેવી શક્યતા છે.
નવો રેકોર્ડ સર્જાશે
ત્રીજીવાર પીએમ પદના શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીના નામ પર એક નવો રેકોર્ડ પણ બનશે. તેઓ દેશના બીજા એવા નેતા બનશે જે સતત ત્રીજીવાર ચૂંટણી જીત્યા અને દેશના PM બનશે. આ અગાઉ આ રેકોર્ડ જવાહરલાલ નહેરુના નામ પર છે. મોદી તેમના ત્રણવાર PM બનવાના રેકોર્ડની બરાબરી કરશે.
પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે
ભારતના 140 કરોડ દેશવાસીઓએ આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની NDA સરકારની લોક કલ્યાણકારી નીતિઓને કારણે છેલ્લા 10 વર્ષમાં દેશને દરેક ક્ષેત્રમાં વિકાસ થતો જોયો છે. ખૂબ લાંબા અંતરાલ પછી, લગભગ 6 દાયકાઓ પછી, ભારતની જનતાએ સતત ત્રીજી વખત સંપૂર્ણ બહુમતી સાથે મજબૂત નેતૃત્વને ચૂંટ્યું છે. આપણને બધાને ગર્વ છે કે 2024ની લોકસભાની ચૂંટણી આદરણીય શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA દ્વારા એકતાપૂર્વક લડવામાં આવી હતી અને જીતવામાં આવી હતી. અમે બધા સર્વસંમતિથી આદરણીય NDA નેતા નરેન્દ્ર મોદીને અમારા નેતા તરીકે પસંદ કરીએ છીએ.મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર ભારતના ગરીબો, મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને શોષિત, વંચિત અને પીડિત નાગરિકોની સેવા કરવા માટે પ્રતિબદ્ધ છે. NDA સરકાર ભારતની ધરોહરને સાચવીને અને દેશના સર્વાંગી વિકાસ માટે ભારતના લોકોના જીવનધોરણને સુધારવા માટે કામ કરવાનું ચાલુ રાખશે.