- ગાંધીધામમાંથી રૂ. 130 કરોડની કિંમતનો કોકેઈન ઝડપી લેતી એટીએસ
- ખારીરોહર નજીકથી મળ્યા 13 પેકેટ બિનવારસુ હાલતમાં મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી
ગાંધીધામ નજીક ખારીરોહરથી એટીએસ અને પોલીસની સંયુક્ત ટીમે અંદાજિત રૂ. 130 કરોડનો કોકેઈનનો જથ્થો ઝડપી પાડ્યો હોવાનું સામે આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ તમામ પેકેટ ખારીરોહર નજીકથી બીનવારસુ મળી આવ્યા હતા. પોલીસે આ જથ્થો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીધામ તાલુકાના ખારીરોહર નજીક કંડલાથી ખારીરોહર બાજુ આવતાં માર્ગની ડાબી બાજુએ આવેલી બાવળની ઝાડીમાંથી ગુજરાત એટીએસની ટીમે કોકેઈનના 13 પેકેટ ઝડપી પાડયા હતા. આ માદક પદાર્થની આંતર રાષ્ટ્રીય બજારમાં 130 કરોડની કિંમત હોવાનું જાણવા મળ્યું હતું. અગાઉ મીઠીરોહર પછવાડે દરિયાની ખાડીમાંથી મળી આવેલા અને ગઈકાલે મળી આવેલા પેકેટમાં સમાનતા જોવા મળી હતી. બનાવ અંગે મળતી વિગતો મુજબ રાજ્યની એટીએસની ટીમ સોમવાર રાતથી જ કચ્છમાં આવી ગઈ હતી. આ ટીમએ રાતથી અહીં ધામા નાખ્યા હોવાનું સપાટી ઉપર આવ્યું હતું.
એટીએસની ટીમએ શોધખોળ કર્યા બાદ કંડલાથી ખારીરોહર બાજુ જતાં માર્ગ પર ક્રિકેટ મેદાનની પાછળ માર્ગની ડાબી બાજુએ આવેલા બાવળની ઝાડીમાં આજે તપાસ હાથ ધરી હતી. અહીં બાવળની ઝાડીમાં જુદી-જુદી જગ્યાએ ફેંકી દેવાયેલા 13 પેકેટ મળી આવ્યા હતા. પ્લાસ્ટિકના પેકિંગમાં મળેલા આ પેકેટ તથા અગાઉ મીઠીરોહર પછવાડે દરિયાની ખાડીમાંથી મળેલા 800 કરોડની કિંમતના કોકેઇનના 80 પેકેટમાં સમાનતા જોવા મળી હતી.
મીઠીરોહરમાં માદક પદાર્થના પેકેટ અગાઉ ફેંકી દેવાયા હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે એટીએસની ટીમને મળેલા આ પેકેટ અગાઉ મળી આવેલા કોકેઈનનો જ ભાગ હોવાનું અનુમાન છે. આ માદક પદાર્થ બે ચાર દિવસ અગાઉ જ ફેંકાયા હોવાની વાતો પણ બહાર આવી હતી.
એ.ટી.એસ.એ કાર્યવાહી કર્યા બાદ સ્થાનિક પોલીસને જાણ કરતાં પૂર્વ કચ્છ એસ.ઓ.જી., એલ.સી.બી. અને સ્થાનિક બી-ડિવિઝનની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. પ્લાસ્ટિકની થેલીમાં વિંટળાયેલા 13 પેકેટ કબ્જે કરાયા બાદ એફ.એસ.એલ. અધિકારીને પણ આ અંગે જાણ કરવામાં આવી હતી.
બીજી બાજુ બાવળની ઝાડીમાં ગત સમી સાંજ સુધી સ્થાનિક પોલીસ અન્ય પેકેટની શોધખોળમાં લાગી હતી. પરંતુ રાત સુધી અન્ય કોઈ જ પેકેટ મળી આવ્યા ન હોતા. અગાઉ મીઠીરોહરમાં 80 પેકેટ મળ્યા હતા ત્યારે સ્થાનિક પોલીસ મથકે જાણવા જોગ નોંધાઈ હતી અને પેકેટના નમુના ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. જેનો અભિપ્રાય આવ્યા બાદ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
દરમ્યાન ગઈકાલે મળી આવેલા આ 13 પેકેટમાં કોકેઈન હોવાનું અને તેની આંતરરાષ્ટ્રીય બજારમાં 13 પેકેટની 130 કરોડની કિંમત હોવાનું જાણવા મળ્યું હતું. એ.ટી.એસ.ના પી. આઈ. એ એસ ચાવડા અને તેમની ટીમએ પકડી પાડેલા આ માદક પદાર્થના પ્રકરણમાં કાર્યવાહી ચાલુમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.
અગાઉ મીઠીરોહર પાસે દરીયાઈ વિસ્તારમાંથી મળી આવેલા જથ્થાનો જ ભાગ હોવાની વકી
હાલ જે ડ્રગ્સનો જથ્થો અને જે રીતે મળેલો છે તે અગાઉ મીઠીરોહર પાસે દરીયાઈ વેકળામાં મળી આવેલા જથ્થાનો જ ભાગ હોવાની વકી સેવાઈ રહી છે. સુત્રોએ જણાવ્યું કે તેનું પેકિંગ એજ રીતનું છુ તેમજ તે કોઇ ટિમ્બરના ક્ધસાઈમેન્ટમાં માલીકની જાણ બહાર આવી ગયું હોવાથી તેને છોડી મુકાયું હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. ગઈકાલે મળી આવેલો કોકેઈનનો જથ્થો અગાઉ મીઠીરોહર પાસે જપ્ત થયેલા જથ્થાનો જ ભાગ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.
કોકેઈનના એક પેકેટની બજાર કિંમત રૂ. 10 કરોડ
આ કાર્યવાહીમાં એક પેકેટની કિંમત 10 કરોડ ગણીને કુલ 13 પેકેટ કે જે દરેકની કુલ કિંમત મળીને 130 કરોડ થવા જાય છે જે જપ્ત કરવામાં આવી છે. આ સાથે કોઇ શખ્સ પણ ઝડપાયો નથી. માત્ર અવાવરુ સ્થળ પર મળેલા જથ્થાના કારણે અગાઉના કિસ્સાની જેમ જ એજન્સી દિશાહીન માલુમ પડી રહી છે.