• ઇન્ડિયા ગઠબંધનની બેઠકો સતત વધતા એક તબક્કે સેન્સેક્સમાં 6000થી વધુ અને નિફ્ટીમાં 1898 પોઇન્ટનો તોતીંગ કડાકો: ભાજપ પ્રેરિત એનડીએ ગઠબંધનને બહુમતી મળતા બજારમાં સુધારો

લોકસભાની ચૂંટણીના સાત તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ તમામ એક્ઝિટ પોલમાં ભાજપ પ્રેરિત એનડીએ ગઠબંધનને તોતીંગ બહુમતી મળતા હોવાના તારણ અપાયા બાદ સોમવારે શેરબજારમાં તેજીનું વાવાઝોડું ફૂંકાયું હતું. દરમિયાન આજે મત ગણતરીના દિવસે અણધાર્યા અને આંચકારૂપ પરિણામો આવતા શેરબજારમાં મંદીની સુનામી જોવા મળી હતી. સેન્સેક્સમાં 6,000થી વધુ પોઇન્ટનો રેકોર્ડબ્રેક કડાકો બોલી ગયો હતો. જ્યારે નિફ્ટી પણ આશરે 1900 પોઇન્ટ તૂટી હતી. ભાજપ પ્રેરિત એનડીએ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળતી હોવાના સંકેતો પ્રાપ્ત થતા શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો. આજે સવારે મુંબઇ શેરબજારના બંને આગેવાન ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે ખૂલ્યા હતા. પરંતુ એક્ઝિટ પોલના તારણ અનુસાર લોકસભાની ચૂંટણીના પરિણામો ન આવવાના કારણે બજારમાં મંદીની સુનામી જોવા મળી હતી. એક તબક્કે એનડીએ ગઠબંધન કરતા ઇન્ડિયા ગઠબંધનને વધુ સીટ મળતી હોવાના સંકેતો મળતા શેરબજાર ભાંગીને ભૂક્કો થઇ ગયો હતો. સેન્સેક્સમાં રેકોર્ડબ્રેક 6000થી વધુ પોઇન્ટનો તોતીંગ કડાકો બોલી ગયો હતો. 76,300.56નો ઇન્ટ્રાડે હાઇ કર્યા બાદ સેન્સેક્સ ઘટીને 70,234.23 સુધી આવી ગયો હતો. નિફ્ટીમાં પણ મંદીએ અજગરી ભરડો લીધો હતો. ઇન્ટ્રાડેમાં એક તબક્કે 23,179.50એ પહોંચેલી નિફ્ટી 1898 પોઇન્ટના ઘટાડા સાથે 21281.45એ પહોંચી ગઇ હતી. જેમ-જેમ ઇન્ડિયા ગઠબંધનની સીટોમાં વધારો થતો તેમ-તેમ બજારમાં મંદી વધુ વિકરાળ બનતી હતી. બેંક નિફ્ટીમાં પણ 4000 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. જ્યારે નિફ્ટી મિડકેપ-100 પણ ઉંધામાથે પટકાયો હતો. બપોરે એક વાત બહું સ્પષ્ટ થઇ ગઇ હતી કે કેન્દ્રમાં સતત ત્રીજી વખત ભાજપ પ્રેરિત એનડીએ ગઠબંધનની સરકાર બહુમતીથી બની રહી છે. જેના કારણે બજારમાં થોડી રિક્વરી જોવા મળી હતી. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 4130 પોઇન્ટના કડાકા સાથે 72338 અને નિફ્ટી 1306 પોઇન્ટના કડાકા સાથે 21957 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યા છે. ચૂંટણીના પરિણામો ધારણાથી વિપરિત આવતા આજે ભારતીય રૂપિયો ડોલર સામે નબળો પડ્યો છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.