- ક્ષત્રિય સમાજના આંદોલનની સૌથી વધુ અસર ધરાવતી આ બેઠક ઉપર ભારે રસાકસી વચ્ચે પણ 1.09 લાખની લીડ
જામનગર લોકસભા બેઠક ઉપર કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. પૂનમબેન માડમ પાતળી લીડથી આગળ વધી રહ્યા છે. ક્ષત્રિય સમાજના આંદોલનની સૌથી વધુ અસર ધરાવતી આ બેઠક ઉપર ભારે રસાકસી જોવા મળી રહી છે.
લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતની તમામ બેઠકો પર ત્રીજા તબક્કામાં 7 મે ના રોજ મતદાન થયું હતું. હવે 4 આજે ઉમેદવારોના ભાવિનો ફેંસલો જાહેર થઈ રહ્યો છે. ગુજરાતની જામનગર લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના પૂનમ માડમ અને કોંગ્રેસના જેપી મારવિયા વચ્ચે જંગ જામ્યો હતો. જામનગરમાં પૂનમબેન માડમ અને જેપી મારવિયા બન્ને વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે.
પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને પગલે ક્ષત્રિય સમાજે આંદોલન છેડયું હતું. જેની અસર આ લોકસભા બેઠક ઉપર સૌથી વધુ જોવા મળ્યું હતું. ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષના ઉમેદવારો વચ્ચે પાતળી માર્જિન જોવા મળી છે.
2019માં શું આવ્યું હતું પરિણામ?
2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર પૂનમ માડમનો કોંગ્રેસના ઉમેદવાર મુરુભાઈ આહીર સામે 2,36,804 મતોથી વિજય થયો હતો. પૂનમ માડમને 58.52 ટકા અને મુરુભાઈ આહીરને 35.09 ટકા વોટ મળ્યા હતા.
બેઠક ઉપર 57.67 ટકા મતદાન થયું હતું
જામનગર લોકસભા સીટ પર 7 મે ના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું. જામનગરમાં કુલ 57.67 ટકા મતદાન થયું હતું. વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો દ્વારકામાં 53.39 ટકા, જામ જોધપુરમાં 57.66 ટકા, જામનગર નોર્થમાં 59.36 ટકા, જામનગર રુરલમાં 60.78 ટકા, જામનગર દક્ષિણમાં 59.12 ટકા, કાલાવાડમાં 57.69 ટકા અને ખંભાળિયામાં 56.60 ટકા મતદાન નોંધાયું હતું.