- કાલે મોદી 3.0 યુગનો પ્રારંભ?
- સેન્સેક્સે 76583 પોઈન્ટ અને નિફ્ટીએ પણ 23338ની ઓલટાઈમ હાઈ સપાટી સ્પર્શી: રોકાણકારોને સાવધાન રહેવાની તા’તી જરૂરીયાત
કાલથી મોદી 3.0 યુગનો આરંભ થશે તેવી એક્ઝીટ પોલે આગાહી દર્શાવી છે. જેને પરિણામે આજે શેરબજારમાં તેની અસર જોવા મળી છે. આજે માર્કેટમાં અધધધ 2600 પોઇન્ટથી વધુનો ઉછાળો નોંધાયો છે. શેરબજારમાં આ ઉછાળાથી રોકાણકારો ગેલમાં આવી ગયા છે.
શેરબજારમાં આજે ધમાકેદાર શરૂઆત રહી. પ્રિ ઓપનિંગ સેશનમાં જ સેન્સેક્સે તમામ રેકોર્ડ ધરાશાયી કરી નાખતાં 76583 પોઈન્ટની સપાટી સ્પર્શી હતી. સેન્સેક્સમાં આજે એક્ઝિટ પોલની ઈફેક્ટ દેખાઈ હતી અને તેની સાથે જ 2600 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. આ સાથે નિફ્ટીમાં પણ એકઝાટકે 800થી વધુ પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો.
મોટાભાગના એક્ઝિટ પોલમાં મોદી સરકારની ત્રીજી વખત સત્તામાં વાપસીની ભવિષ્યવાણી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને જ બજારમાં મોટો ઉછાળો આવ્યાની ચર્ચા છે. આજે સવારે સેન્સેક્સે પણ ઓલટાઈમ હાઈ 76583.29 પોઈન્ટનો રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે નિફ્ટીએ પણ લગભગ 800 પોઈન્ટનો ઉછાળો દર્શાવતા 23338.70ની ઓલટાઈમ હાઈ રેકોર્ડ સર્જી દીધો હતો.
વર્ષ 2019 માં જ્યારે એક્ઝિટ પોલમાં 300 થી વધુ બેઠકો પર ભાજપની જીતની આગાહી કરવામાં આવી હતી, ત્યારે શેરબજારમાં 1.45 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બજારના પ્રી-ઓપનિંગ પહેલા જ ગિફ્ટ નિફ્ટીએ આજે રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચીને શેરબજાર માટે મોટા સંકેતો આપ્યા હતા. ગિફ્ટી નિફ્ટી 823.50 પોઈન્ટ અથવા 3.62 ટકાના વધારા સાથે 23524.50 પર જોવામાં આવી હતી.
આ રીતે, આજે 3 જૂન, 2024 ના રોજ, ગિફ્ટી નિફ્ટી પ્રથમ વખત 23500 ની ઉપર ગયો છે.
ડોલર સામે રૂપિયો 42 પૈસા મજબૂત થયો
એક્ઝિટ પોલના તારણોની અસર ન માત્ર શેરબજાર પૂરતી મર્યાદિત રહી હતી. પણ કરન્સી માર્કેટમાં પણ તેની વ્યાપક અસર જોવા મળી હતી. આજરોજડોલર સામે રૂપિયો 42 પૈસા મજબૂત થયો છે. અમેરિકી ડોલરના મુકાબલે રૂપિયો 83 રૂપિયા પ્રતિ ડોલર પર પહોંચી ગયો છે. અગાઉ રૂપિયો પ્રતિ ડોલર 83.42 રૂપિયા હતો. આમ એનડીએના જીતના એંધાણે રૂપિયાને પણ બળ આપ્યું છે.
અદાણી ગ્રુપ ઉપરાંત પાવર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના શેરોમાં જોરદાર તેજી
અદાણી ગ્રુપ ઉપરાંત પાવર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના શેરોમાં જોરદાર તેજી જોવા મળી છે. અદાણી એન્ટરપ્રાઈઝથી લઈને અદાણી પોર્ટ સુધીના તમામ શેરો જોરદાર વૃદ્ધિ સાથે ખુલ્યા છે. અદાણી ગ્રુપના તમામ શેર લગભગ 15 ટકા વધ્યા છે. અદાણી પાવરનો શેર આજે 15 ટકાથી વધુ વધીને રૂ. 860ની ઉપર પહોંચ્યો હતો. આ સાથે અદાણી એન્ટરપ્રાઇઝ 7 ટકા વધીને રૂ. 3,644 પ્રતિ શેર હતો.
અદાણી ટોટલ ગેસનો શેર 7 ટકાથી વધુ વધીને રૂ. 1,113 પર હતો, જ્યારે અદાણી વિલ્મરનો શેર 3.25 ટકા વધીને રૂ. 367 પર હતો. જ્યારે અદાણી પોર્ટનો શેર 9 ટકા વધીને રૂ. 1560 પર ટ્રેડ કરી રહ્યો હતો, ત્યારે અદાણી એનર્જી સોલ્યુશન્સ રૂ. 7 ટકા વધીને રૂ. 1200 પર ટ્રેડ કરી રહ્યો હતો. અદાણી ગ્રીન એનર્જીનો શેર 8 ટકા વધીને રૂ. 2000ની ઉપર પહોંચ્યો હતો.
સોના, ચાંદીની જેમ સેન્સેક્સ પણ 1 લાખની સપાટી સ્પર્શશે?
સોના- ચાંદીમાં છેલ્લા ઘણા સમયથી તેજીનો દોર જોવા મળી રહ્યો છે. સોનુ અને ચાંદી બન્નેએ રૂ.1 લાખની સપાટી ઓળંગવા માટે દોટ મૂકી છે. જેમાં ચાંદી 1 લાખની વધુ નજીક પહોંચી ગયું છે. એવામાં મોદી 3.0 યુગનો આરંભ શેડબજારને પણ વ્યાપક અસર કરવાનો છે. આજે જે રીતે માર્કેટમાં 2 હજાર પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે. તે જોવા નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે માર્કેટ હવે 1 લાખની સપાટી ઓળંગે તો નવાઈ નહિ.