- મનપા, માર્ગ અને મકાન વિભાગ તેમજ પોલીસ ખાતાના અધિકારીઓ બેદરકારી દાખવ્યાનો ઘટસ્ફોટ
ટીઆરપી ગેમઝોનમાં બનેલી અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં એસઆઈટીએ પોતાનો પ્રાથમિક રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી દીધો છે. જે રિપોર્ટમાં એસઆઈટીએ અનેક ચોકાવનારા ખુલાસા કર્યા છે. સૂત્રોએ જણાવ્યું છે કે, આ રિપોર્ટમાં મનપા, પોલીસ, માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારી દર્શાવવામાં આવી છે અને આ ઘોર બેદરકારીએ જ અગ્નિકાંડ જેવી કરુણ ઘટમાં નોતરી હોય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એસઆઈટીના રિપોર્ટ બાદ અધિકારીઓ પર તેજ થયેલી તપાસ પણ એ બાબતનો સાથ પુરાવી રહ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં 28 લોકોનાં મૃત્યુ બાદ તપાસ માટે રચાયેલી સીટ દ્વારા પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આ રિપોર્ટમાં ઘટનાસ્થળ પર ઇમર્જન્સી એક્ઝિટ ન હોવાના કારણે લોકો બહાર ન નીકળી શક્યા આથી મોતને ભેટ્યા હોવાનું સામે આવ્યું છે.
આ સાથે તંત્રના વિવિધ વિભાગોની બેદરકારી હોવાનું પણ પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે. સીટની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ દુર્ઘટનામાં તમામ વિભાગો જવાબદાર જણાય છે. માર્ગ-મકાન વિભાગ દ્વારા પ્રથમ માળે પહોંચવા કાયમી સુરક્ષિત સીડી હોવાનું ચકાસવામા આવી ન હતી. પોલીસે ફાયર એનઓસી ચકાસ્યા વિના જ મંજૂરી આપી દીધી હતી. તો કોર્પોરેશને પણ કોઈપણ જાતના ચેકિંગ વિના ગુનાહિત બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું છે.
નવો સ્નોપાર્ક બનાવવાની કામગીરી ચાલુ હતી. ટીઆરપી ગેમ ઝોનમાં ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી ગેમ ઝોનના સંચાલકો દ્વારા આ વખતે સીઝનમાં ખાસ નવો સ્નોપાર્ક બનાવવા માટે કામગીરી ચાલુમાં હતી અને એના માટે જરૂરિયાત મુજબ વેલ્ડિંગ કામ કરવામાં આવી રહ્યું હતું, જેના તણખાથી આગ લાગી હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે.
ઉપર જવા અને નીચે આવવા માટે માત્ર 4-5 ફૂટની લોખંડની સીડી જ હતી. ગેમ ઝોનમાં રેસ્ટોરાં તથા સૂચિત સ્નોપાર્ક વચ્ચે નાનકડી જગ્યામાં 4-5 ફૂટની લોખંડની સીડી રાખવામાં આવી હતી. એના પરથી પ્રથમ માળે જવાતુ હતું. પ્રથમ માળમાં બોલિંગ ગેમ તથા ટ્રેમ્પોલાઈન પાર્ક હતાં. આગની ઝપટે આખું સ્ટ્રક્ચર આવી ગયું હોવાથી પ્રથમ માળે પહોંચવાનું કે ત્યાંથી નીચે આવવાનું અશક્ય બની ગયુ હતું.
ગેમ ઝોન ખાતે ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ હતી, પરંતુ એમાં પાણીનું જોડાણ નહોતું એટલે આગ વખતે એ ઉપયોગમાં આવી શકે એવી સ્થિતિ ન હોતી. એકમાત્ર ફાયર એક્સટિંગ્વિશર રસોડામાં હતું અને રસોડું પણ માર્ગ-મકાન વિભાગના નિયમોનો ભંગ કરીને બનાવવામાં આવ્યુ હોવાનું પ્રાથમિક અહેવાલમાં રજૂ કરાયું છે.
સપ્ટેમ્બર 2023માં ગેમઝોનમાં આગ લાગ્યા બાદ પણ પગલાં નહિ લેવાતા મોતનું તાંડવ સર્જાયુ
અગ્નિકાંડમાં મોટો ખુલાસો થયો છે. એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ’અબતક’ દ્વારા અગાઉ જ એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, 25 સપ્ટેમ્બર 2023ના દિવસે પણ ગેમઝોનમાં આગ લાગી હતી. આ આગ લાગવા પાછળ પણ વેલ્ડિંગ કામ જવાબદાર હતું. મવડી ફાયર સ્ટેશનની ટીમ આગ બુઝાવવા માટે પણ ગઇ હતી. મનપાએ તે સમયે પગલા લીધા હોત તો અગ્નિકાંડ ન સર્જાયો હોત. 2023માં મનપાએ કાર્યવાહી કરી હોત તો 27 જિંદગી બચાવી શકાઇ હોત.