ત્યાંના ઉત્પાદકોએ રજુઆત કરતા યુએસ સરકાર ડ્યુટી લગાવવાની ફિરાકમાં, મોરબીના ઉદ્યોગોને મોટો ફટકો, 25 ટકા ઓર્ડર હોલ્ડ ઉપર મુકાઈ ગયા

અબતક, રાજકોટ : દેશ- વિદેશમાં ખ્યાતનામ મોરબીના સિરામિક ઉદ્યોગને વધુ એક ફટકો સહન કરવો પડે તેવી સ્થિતિ ઉદભવી છે. કારણકે હવે યુએસ ભારતીય સિરામિક ટાઇલ્સ ઉપર એન્ટીડમ્પિંગ ડ્યુટી લગાડવાની તૈયારીમાં છે. જેના પગલે મોટા પ્રમાણમાં ઓર્ડર હોલ્ડ ઉપર મુકાઈ ગયા છે.

યુએસ સરકાર ભારતમાંથી સિરામિક ટાઇલ્સની આયાત પર સત્તાવાર રીતે એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદે તેવી શકયતા છે  એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે યુ.એસ.માંથી આવેલા ઓછામાં ઓછા 25% ઓર્ડરો અટકાવી દેવામાં આવ્યા છે અને અમેરિકન સરકાર સમક્ષ એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદવાની અરજીની જાહેરાત બાદ વધુ ઓર્ડર રોકવામાં આવે તેવી શક્યતા છે.

આ આંચકો એવા સમયે આવ્યો છે જ્યારે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ દેશો દ્વારા ટેરિફમાં વધારા અને યુરોપિયન દેશોમાં મંદીને કારણે માંગ પહેલેથી જ ધીમી છે.

મોરબી દર મહિને સિરામિક ટાઇલ્સના આશરે 800 ક્ધટેનર યુએસ મોકલે છે

ઉદ્યોગના અંદાજ મુજબ, મોરબીમાંથી સિરામિક ટાઇલ્સ અને અન્ય ઉત્પાદનોની કુલ નિકાસમાં યુએસનો હિસ્સો 8-9% છે.  સરેરાશ, મોરબી દર મહિને સિરામિક ટાઇલ્સના આશરે 800 ક્ધટેનર યુએસ મોકલે છે. એવા સમયે જ્યારે લાલ સમુદ્રની કટોકટીએ શિપમેન્ટમાં વિલંબ અને વધતા જતા શિપમેન્ટ ખર્ચ સાથે વૈશ્વિક વેપારને ખોરવી નાખ્યો છે, ત્યારે મોરબીના સિરામિક ઉત્પાદકો અનિશ્ચિતતાની ગરમી અનુભવી રહ્યા છે જ્યારે યુએસ સ્થિત ઉત્પાદકો દ્વારા ઓર્ડર અસ્થાયી ધોરણે અટકાવવામાં આવ્યા છે.

મોરબીથી અમેરિકા જતી શિપમેન્ટ સદંતર બંધ થઈ ગઈ : નિલેશ જેતપરીયા

મોરબીથી અમેરિકા જતી શિપમેન્ટ સદંતર બંધ થઈ ગઈ છે.  જ્યાં સુધી લાદવામાં આવનાર ડ્યુટી અંગે વધુ સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી કોઈપણ આયાતકાર તેમની ખરીદી પર વધારાની ડ્યુટી ભરવાનું જોખમ લેશે નહીં.  પરિણામે, મોટાભાગના ઓર્ડર હોલ્ડ પર છે, તેમ મોરબી સિરામિક એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ નિલેશ જેતપરિયાએ જણાવ્યું હતું.

અમેરિકાની મોટાભાગની કંપનીઓએ ટાઇલ્સની આયાત બંધ કરી દીધી : કે.જી.કુંડારિયા

મોરબી સિરામિક એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ કે.જી. કુંડારિયાએ જણાવ્યું હતું કે, યુએસ સિરામિક ટાઇલ્સનો વ્યવસાય મોટાભાગે આયાત પર નિર્ભર છે અને ભારત તેના નિકાસકારોમાંનું એક છે. ડ્યુટી લાદવાની માંગણી કરતી અરજી દાખલ કરવામાં આવી છે, જો ડ્યુટી પૂર્વવત્ રીતે લાગુ કરવામાં આવે તેવી શકયતાએ ઘણી કંપનીઓએ હાલના સમય માટે આયાત કરવાનું બંધ કરી દીધું છે. 10 મેના રોજ, યુએસ કોમર્સ ડિપાર્ટમેન્ટે ભારતમાંથી આયાત કરાયેલી સિરામિક ટાઇલ્સ પર એન્ટિડમ્પિંગ ડ્યૂટી અને કાઉન્ટરવેલિંગ ડ્યૂટી  તપાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી,

સિરામિક ઉદ્યોગ 180 દેશોમાં રૂ. 19,000 કરોડના માલની નિકાસ કરે છે

મોરબીમાં આશરે 800 સિરામિક ટાઇલ્સ ઉત્પાદન એકમો છે અને યુએસ, સાઉદી અરેબિયા, યુએઇ, ઇરાક, ઇઝરાયેલ, તાઇવાન અને યુરોપિયન દેશો સહિત 180 દેશોમાં રૂ. 19,000 કરોડની નિકાસ કરે છે. આમ દેશના અર્થતંત્રમાં મોરબીનું મોટું યોગદાન છે. ત્યારે આ મુશ્કેલી સામે સરકારે કોઈ પગલાં લેવાની તાતી જરૂરિયાત જણાઈ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.