- નશામાં ધૂત કારચાલકે બે બાઈક ચાલકને ઉલાળ્યા : ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
રાજકોટમાં નશાખોર શખ્સોનો રંઝાડ દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો હોય તેમ ક્યારેક મારામારી, હુમલો તો ક્યારેક નશામાં ધૂત થઇ અકસ્માત સર્જતા હોય છે. તેવો જ એક બનાવ શહેરના મવડી ચોકડી નજીક ગત રાત્રે બનવા પામ્યો હતો. જેમાં નશામાં ધૂત આઈ-20 કારના ચાલકે બે બાઈક ચાલકોને ઉલાળ્યા હતા. તેમ છતાં નશાખોર શખ્સથી કાર કાબુ નહિ થતાં અંતે કાર વીજ પોલ સાથે અથડાઈ હતી. મામલામાં ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જયારે તાલુકા પોલીસે નશાખોર કાર ચાલકને સકંજામાં લઈ લીધાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર શહેરના મવડી ચોકમાં મંગળવારે રાત્રીના પૂરપાટ ઝડપે નીકળેલી કારે બે બાઇકને ઉલાળ્યા હતા. મવડી ચોકડી પાસેના સિદ્ધિ આઇકોનમાં રહેતા પ્રફુલભાઇ મગનભાઇ નામના 50 વર્ષના પ્રૌઢ બાઇક ચલાવીને જતા હતા અને મવડી ચોકડી નજીક સંજીવની હોસ્પિટલ પાસે પહોંચ્યા હતા ત્યારે એક આઇ-20 કાર પૂરપાટ ઝડપે ધસી આવી હતી અને પ્રફુલભાઇને ઉલાળ્યા હતા. થોડે દૂર જઇ અન્ય એક બાઇકને પણ ઠોકર મારી હતી.
બબ્બે બાઇકને ઠોકર માર્યા બાદ ચાલક આગળ વધ્યો હતો અને કાર વીજ થાંભલા સાથે અથડાવી હતી. કારની સ્પીડ એટલી હતી કે વીજથાંભલો કારની ટક્કરથી ધરાશાયી થઇ ગયો હતો. થાંભલો પડતાં કાર ઊભી રહી ગઇ હતી. લોકોએ આક્રોશ સાથે કહ્યું હતું કે, કારચાલક નશાખોર હાલતમાં હતો જેથી કાર બેફિકરાઇથી ચલાવતો હતો. પોલીસે કાર નંબરના આધારે ચાલકની શોધખોળ શરૂ કરી હતી અને હાલ કાર ચાલક પોલીસ સકંજામાં હોવાનું જાણવા મળી રહ્યું છે.