- ‘બેપરવાહ’ તંત્રની લાપરવાહીએ જ ગોઝારી ઘટનાને નોતરૂ આપ્યાનો એસઆઈટીના અહેવાલમાં ઉલ્લેખ
રાજકોટમાં બનેલી ગેમઝોનની ગોઝારી ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. નિર્દોષ 30 લોકોના મોતથી હાલ આખુ રાજ્ય શોકમગ્ન છે. ઘટના બનતાની સાથે જ ગૃહમંત્રી અને મુખ્યમંત્રી રાજકોટ દોડી આવ્યા હતા. ગૃહમંત્રીએ કોઈને પણ બખ્સવામાં નહિ આવે તેવો દાવો કર્યો હતો અને સિનિયર આઈપીએસ સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં એસઆઈટીની રચના કરવામાં આવી હતી. એસઆઈટી ત્રણ દિવસમાં પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને સોંપી દેશે તેવું સુભાષ ત્રિવેદીએ મીડિયાને જણાવ્યું હતું અને આ વાત સાચી પડી છે. એસઆઈટીએ 72 કલાક પૂર્વે જ રાજ્ય સરકારને પોતાનો ’ધગધગતો’ પ્રાથમિક રિપોર્ટ સોંપી દીધો છે. આ રિપોર્ટમાં બેપરવાહ તંત્રની લાપરવાહીએ જ અગ્નિકાંડની ગોઝારી ઘટનાને નોતરું આપ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેવું વિશ્વસનીય સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે હવે આગામી 24 કલાકમાં એસઆઈટીના રિપોર્ટને પગલે મોટા કડાકા ભડાકા થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. ઘટનામાં જવાબદાર ’બેજવાબદાર બાબુ’ પર આકરા પગલાં તોળાઈ રહયાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે.
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે તપાસ માટે નિમેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે મોડી સાંજે રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો છે. ત્રણ દિવસની તપાસના અંતે તૈયાર કરાયેલો અહેવાલ મુખ્યમંત્રી અને ચીફ સેક્રેટરીને અપાયો છે.
સૂત્રોના મતે, આ અહેવાલમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રના અધિકારોની લાપરવાહીને કારણે જ આગ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે, આ અહેવાલ બાદ સરકાર વધુ કડક કાર્યવાહી કરે તેવી શક્યતા જોવાઈ રહી છે. સવાલ એ છેકે, 30થી વધુ નિર્દોષ લોકોના મોતના જવાબદારોને સજા મળશે કે પછી કાર્યવાહીના નામે ક્લિન ચીટ આપી દેવાશે.
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ માટે રાજ્ય સરકારે સીઆઈડી ક્રાઈમના સિનિયર આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ સીટની રચના કરી હતી. સીટે ત્રણ દિવસની તપાસના અંતે મોડી સાંજે સરકારને પ્રાથમિક અહેવાલ સુપરત કરી દીધો છે. સૂત્રોના મતે, સીટે બે દિવસ સુધી ટીઆરપી ઝોન અગ્નિકાંડની તપાસ કરી કેટલાક પુરાવાઓ હાથવગા કર્યા હતાં. આ ઉપરાંત આગ દુર્ઘટના સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા મ્યુનિ. કોર્પોરેશન, ફાયર અને પોલીસ અધિકારી અને કેટલાંક શાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતાં.
આ ઉપરાંત ટીઆરપી ગેમ ઝોનની બાંધકામની પરવાનગી, ફાયર એનઓસી, પોલીસની મંજુરી, મનારંજન લાયસન્સ સહિત અન્ય જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની મંજૂરીમાં કોની સાથે સાઠગાંઠ હતી જેના તપાસ કરાઈ છે. પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો હતો. જેમાં આ કરુણાંતિકા માટે જવાબદાર કોણ? તે અંગે તારણ રજૂ કરાયા છે. સીટના બે સભ્યો પ્રાથમિક અહેવાલ લઈને રાજકોટથી ગાંધીનગર આવી પહોચ્યા હતાં.
ગમે ત્યારે અધિકારીઓ વિરૂધ્ધ નોંધાઈ શકે છે ગુનો
ગૃહમંત્રી હર્ષ સંઘવી સતત એસઆઈટીના સંપર્કમાં છે અને પળેપળની અપડેટ લઈ રહ્યા છે ત્યારે એસઆઈટીના પ્રાથમિક રિપોર્ટ બાદ ગૃહમંત્રીએ તાબડતોડ વિડીયો કોન્ફરન્સ યોજી હતી જેમાં રાજકોટના નવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યારે વિશ્વસનીય સૂત્રો એવુ જણાવી રહ્યા છે કે, રિપોર્ટમાં જેટલાં પણ અધિકારીઓની ગુનાહિત લાપરવાહી સામે આવી છે તે તમામ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવાના આદેશ છૂટ્યા છે. હર્ષ સંઘવીએ જે રીતે અગાઉ નિવેદન આપ્યું હતું કે, આ ઘટનામાં જવાબદાર એકપણ વ્યક્તિને બખ્સવામાં નહિ આવે તેમ હવે ઘટનામાં જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવનાર છે.
એસઆઈટીના અહેવાલ પૂર્વે જ સાત અધિકારીઓને અપાયું’તું પાણીચું
આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીએ મુખ્યમંત્રી-ચીફ સેક્રેટરીને અહેવાલ સોંપવામાં આવ્યો હતો. સીટનો પ્રાથમિક અહેવાલ આવે તે પહેલાં જ ચૂંટણી પંચની મજૂરી લઈને સરકારે અગ્નિકાંડમાં જવાબદાર એવાં રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન, માર્ગ અને મકાન તથા પોલીસ વિભાગનાં સાત અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયાં છે. આ ઉપરાંત રાજકોટ પોલીસ કમિશ્નર તથા મ્યુનિ.કમિશ્નર સહિત ચાર આઈએએસ- આઈપીએસ અધિકારીઓની તાબડતોબ બદલી કરી દેવામાં આવી છે.
વધુ છ એક અધિકારીઓને ‘ઘરભેગાં’ કરી દેવાનો તખ્તો તૈયાર?
ઘટનામાં જવાબદાર લાપરવાહ અધિકારીઓ પૈકી અગાઉ એટીપી, એન્જીનીયર, બે પીઆઈ સહીત કુલ 7 અધિકારીઓને પાણીચુ આપી દેવાયા બાદ ગત રાતથી જે રીતે હિલચાલ તેજ થઇ છે તે મુજબ હજુ વધારાના અડધા ડઝન જેટલાં અધિકારીઓને સસ્પેન્ડ કરી તેમની સામે પણ ઈન્કવાયરી બેસાડી દેવાનો તખ્ત તૈયાર હોય તેવું સૂત્રો જણાવી રહ્યા છે.