નવરત્ન કોરમા, પનીર લાબબદાર, પનીર બટર મસાલા, પનીર દો પિયાઝા આવી ગયું ને મોઢામાં પાણી!
આ બધાં નામ એવા છે કે જેને સાંભળતા જ કંઇક ખાવાનું મન થઈ જાય. આવાં જ નામ તમે રેસ્ટોરાં અને હોટેલનાં મેનુ કાર્ડમાં લખાયેલાં જોયાં હશે. જો તમે ધ્યાન આપ્યું હોય, તો એ પણ જોવા મળશે કે કેટલાક વ્યંજનોનાં નામ કંઇક ખાસ પ્રકારે લખવામાં આવે છે.
કેટલીક ખાસ ડિશ એવી હોય છે કે જેનું નામ વાંચતાં જ ઓર્ડર આપવાની ઇચ્છા થઈ જાય. રેસ્ટોરાનાં મેનુ કાર્ડ બનાવવા અને વાનગીઓના નામ નક્કી કરવા તે ખરેખર એક કળા જ છે. તેની પાછળ એક ખાસ રિસર્ચ કરવામાં આવે છે અને તેમાં ઘણાં રહસ્યો છૂપાયેલાં હોય છે. ઘણી વખત તો મેનુ કાર્ડમાં શબ્દોના ફૉન્ટ બદલીને તેમને વધારે આકર્ષક બનાવાય છે. તો ઘણી વખત વાનગીઓને જગ્યાને અનુરૂપ નામ આપી નવી રીતે રજૂ કરાય છે. મેનુ કાર્ડમાં આ હેરફેરને મેનુ એન્જિનિયરિંગ કહેવાય છે. મેનુ કાર્ડમાં લખાયેલા શબ્દોના ફૉન્ટ પણ ખૂબ મહત્વ ધરાવે છે.
ઇટૅલિકમાં લખાયેલા શબ્દ કોઈ ડિશની ક્વૉલિટીનો ભરોસો આપે છે. સ્વિટ્ઝરલૅન્ડમાં થયેલા એક સંશોધનથી જાણવા મળે છે કે જે વાઇનનું નામ વાંચવામાં મુશ્કેલી પડે છે, તેને ગ્રાહક વધુ પસંદ કરે છે. જે નામ સહેલાઇથી વાંચી શકાય, તેમાં ગ્રાહકો રસ નથી દાખવતા. ગોળ-ગોળ લખાયેલા શબ્દો મીઠી વાનગીઓનો સંકેત આપે છે. તો વાંકા-ચૂંકા લખાયેલા ફૉન્ટ ગ્રાહકોને સંકેત આપે છે કે તે વસ્તુ નમકીન અથવા તો તીખી હશે.
નામને આડકતરી રીતે લખવું પણ ગ્રાહકોને લલચાવવાની એક રીતે છે. જેમ કે, ચોકલેટને એ રીતે લખો કે તે બેલ્જિયમ ચોકલેટ છે, જે અંદરથી પીગળેલી હોય છે અને બહારથી કડક હોય છે કોઈ ડિશનું નામ એવું લખવામાં આવે કે જેને બોલતા સમયે તમારે મોં આગળથી પાછળ ચલાવવું પડે, તો એવી ડિશ વધારે વેચાય છે.
આ વાત જર્મનીમાં થયેલા એક સંશોધનમાં બહાર આવી છે. જ્યારે તમે કોઈ નામ વાંચો છો તો તમારૂં મગજ તે નામ અંગે તમામ વસ્તુઓ વિચારવાનું શરૂ કરી દે છે. પછી તેની અસર હેઠળ જીભમાં સ્વાદની અપેક્ષા ઉભી થાય છે. ઘર પરિવાર કે દેશ અને વિસ્તારોના નામ પર ડિશનું નામ બનવાથી પણ તેનું વેચાણ વધારે થાય છે.