રાજકોટ તા. ૨૬ મે – ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે રાજકોટ આવીને ટી.આર. પી. ગેમ ઝોન દુર્ઘટના સ્થળની મુલાકાત લઈ આ ઘટના અંગેની તમામ વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી તપાસ અર્થે તાત્કાલિક “સીટ”નું ગઠન કરી વહેલામાં વહેલી તકે જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ પગલાં લેવા માટે જણાવ્યું હોવાનું શ્રી હર્ષ સંઘવીએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું.
ઊંડા ખેદની લાગણી વ્યક્ત કરતા ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સરકારની સંવેદના આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો સાથે છે. પોલીસ વિભાગ દ્વારા ત્વરિત કામગીરી કરી ઘટનાના થોડા સમયમાં જ ગેમ ઝોનના માલીક સહીત જવાબદાર લોકોને ઝડપી લેવામાં આવ્યાં છે, તેમજ સંલગ્ન અન્ય જવાબદાર લોકોને પણ વહેલી તકે પકડી લેવામાં આવશે.
શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આગનું સ્વરૂપ અત્યંત વિકરાળ હતું, અને થોડી મીનીટોમાં જ આગ ચોતરફ પ્રસરી ગઈ હતી. ઘટના બની તેની થોડી મિનિટોમાં જ ફાયર ફાઈટરની ટીમ દ્વારા આગ ઓલવવાની કામગીરી શરુ કરી દેવામાં આવી હતી. તેમજ બચાવ કાર્ય શરુ કરી દેવામાં આવ્યું હતું. દુર્ઘટના માટે જવાબદાર એવા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ અપાવ્યો હતો. મંત્રીશ્રી હર્ષ સંઘવી રાજકોટ ખાતે જ રોકાઈ ઉચ્ચ અધિકારીશ્રીઓની સાથે રહી કામગીરી પર વોચ રાખી રહ્યા છે.
ગૃહમંત્રીશ્રીએ TRP ગેમિંગ ઝોન, દરબાર ચૌક, નાના મૌવા ખાતે આવેલા ઘટનાસ્થળની મુલાકાત લઈ પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી આનંદ પટેલ, નાયબ મ્યુનસિપલ કમિશ્નર શ્રી સ્વપ્નિલ ખરે, ચીફ ફાયર ઓફિસર શ્રી ઈલેશ ખેર સહિતના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી દુર્ઘટના અંગેના કારણો, તંત્ર દ્વારા કરવામાં આવેલી બચાવ કામગીરી વગેરેની માહિતી મેળવી હતી.
મુલાકાત બાદ ગૃહ રાજ્યમંત્રીશ્રી એ રાજકોટ કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી આ ઘટનામાં જવાબદારો સામે કડક પગલાના નિર્દેશો આપ્યા હતા. મંત્રીશ્રીની સ્થળ મુલાકાત સમયે સચિવશ્રી રાજકુમાર બેનીવાલ, મેયર શ્રી નયનાબેન પેઢડીયા, સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, અગ્રણી શ્રી મુકેશભાઈ દોશી, માધવ ભટ્ટ, વિરેન્દ્રસિંહ ઝાલા, રાજુભાઈ ધ્રુવ સાથે રહ્યા હતા.