ગેમઝોન અગ્નિકાંડ : સિવિલમાં 27 મૃતદેહોની ઓળખ મેળવવા માટે DNA ટેસ્ટ શરૂ
રાજકોટ સિવિલ ખાતે આવેલા 27 મૃતદેહોના પી.એમ. પહેલા જરૂરી ડી.એન.એ. ટેસ્ટ માટે સેમ્પલ કામગીરી શરૂ
રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 27 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો છે. આ ઘટના પછી ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન અનેક લોકોને બચાવી પણ લેવાયા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા હતા, જેમણે સમગ્ર ગેમ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યો છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલ પી.એમ. રૂમ ખાતે 27 મૃતદેહો લાવવામાં આવ્યા છે, જેઓના પી.એમ. અર્થે સૌપ્રથમ તેમની ઓળખ થઈ શકે તે માટે ડી.એન.એ. ટેસ્ટ કરાવવાનો હોવાથી તેઓનું સેમ્પલિંગ લેવામાં આવી રહ્યું છે, આ સાથે પી.એમ. માટે જરૂરી પંચનામાની કામગીરી અર્થે ગ્રામ્ય પોલીસ પી.આઈ. શ્રી ત્રાજિયાની આગેવાનીમાં 10 થી વધુ પોલીસની ટીમ ખડે પગે કામગીરી કરી રહી છે. મૃતકોના સ્વજનોના ડી.એન.એ. મેચ કરવા માટે રાજકોટ સિવિલ પોલીસ ચોકી ખાતે માતા પિતા અથવા ભાઈ બહેન જેવા સ્વજનોના સેમ્પલિંગ લેવાની કામગીરી હાલ ચાલી રહી છે.