- જિલ્લા પંચાયત ચોક અને ગ્રીનલેન્ડ ચોકડી ખાતે પ્રાયોગિક ધોરણે અમલવારી
- કાળઝાળ ગરમીથી ટુ-વ્હીલ ચાલકોને રાહત આપવા શહેરના તમામ પોલીસ મથક હેઠળના ટ્રાફિક પોઇન્ટ પર ગ્રીન નેટ લગાડવાનો વિચાર
રાજકોટ ન્યુઝ: કાળઝાળ ગરમીથી ટુ-વ્હીલ ચાલકોને રાહત આપવા માટે પ્રાયોગિક ધોરણે શહેરના જિલ્લા પંચાયત ચોક અને ગ્રીનલેન્ડ ચોકડી ખાતે ટ્રાફિક જંક્શન પર ગ્રીન નેટ લગાવવામાં આવી છે. ટૂંક સમયમાં પોલીસ વિભાગ દ્વારા શહેરના તમામ ટ્રાફિક પોઇન્ટ પર આ પ્રકારની નેટ લગાવવાના વિચારની અમલવારી થનારી છે. જનભાગીદારીથી આ પ્રયાસ હાથ ધરવામાં આવશે.પોલીસ વિભાગે શહેરના મહત્ત્વના ટ્રાફિક જંકશન ઉપર રેડ સિગ્નલમાં ગરમી વેઠતા વાહનચાલકો માટે રાહત આપતી હંગામી વ્યવસ્થા ઊભી કરી છે. જંકશન ઉપર ઝીબ્રા ક્રોસિંગ પાસે ગ્રીન નેટના શેડ બનાવ્યા છે. તોબા પોકારાવી રહેલી ગરમીમાં સિગ્નલ ચાલુ થવાની રાહ જોતા ટુ વ્હીલર ચાલકોને છાંયડો મળતા રાહત અનુભવી રહેલા વાહનચાલકોએ પોલીસનો આભાર પણ માન્યો છે.
રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીને પગલે નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા એક સપ્તાહથી રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પણ હિટ સ્ટ્રોક અને લૂથી બચવા માટે નાગરિકોને વિશેષ તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આ સિવાય બપોરના સુમારે નાગરિકોને ઘર-ઓફિસની બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે. જો કે, આ સ્થિતિ વચ્ચે રાજકોટ શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ વાહન ચાલકો ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો માટે રસ્તા પર વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ પ્રયાસથી લોકોને ભારે રાહત મળી રહી છે. શહેરનાં જિલ્લા પંચાયત ચોક અને ગ્રીનલેન્ડ ચોકડી ખાતે પોલીસ દ્વારા ગ્રીન નેટનો શેડ(મંડપ) બાંધવામાં આવ્યો છે. જેથી ચાર રસ્તા ઉપર રેડ સિગ્નલ વખતે ઉભા રહેતા વાહનચાલકોને ભારે રાહત મળી રહી છે.
રાજકોટ શહેરમાં આકરી ગરમી વચ્ચે પારો 40 ડિગ્રીને પાર થઈ ચુક્યો છે. આ વર્ષે સીઝનનું મહતમ તાપમાન 44.5 ડિગ્રી નોંધાઈ ચૂક્યું છે. હવામાન વિભાગ દ્વારા હજી પણ આગામી ત્રણથી ચાર દિવસ સુધી ભીષણ ગરમીની આશંકા વચ્ચે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સ્થિતિ વચ્ચે રાજકોટ પોલીસ દ્વારા માનવીય અભિગમ અપનાવવામાં આવતાં વાહન ચાલકોને ભારે રાહત મળી રહી છે.