કાળઝાળ ગરમીનો સામનો કર્યા બાદ, વરસાદમા આહ્લાદક ઠંડકનો અનુભવ કરવા માટે લોકો ઉત્સુકતા સાથે બહાર જવાનું પ્લાનિંગ કરતા હોય છે. જો તમે પણ ચોમાસા દરમિયાન ક્યાંક ફરવાનો પ્લાન કરી રહ્યા છો, તો ગુજરાત તમારા માટે ‘પરફેક્ટ’ ડેસ્ટિનેશન બની શકે છે. ગુજરાતમાં તમને સુંદર દરિયાકિનારા, આકર્ષક ધોધ, મોહક તળાવો અને લીલાછમ જંગલો જોવા મળશે. એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે જઈને વરસાદની મજા માણી શકો છો. આવો જાણીએ ગુજરાતના આવા 5 સ્થળો વિશે, જ્યાં તમને પ્રકૃતિની સુંદરતાનો અનુભવ કરવાનો મોકો મળશે…
દાંડી બીચ:
દાંડી બીચ ગુજરાતના સુરત જિલ્લામાં આવેલું છે. આ બીચ ઐતિહાસિક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બીચ 1930માં બ્રિટિશરો સામે મહાત્મા ગાંધીની દાંડી કૂચનો સાક્ષી છે. આ એક ખૂબ જ સુંદર જગ્યા છે જ્યાં તમે તમારા પરિવાર સાથે ક્વોલીટી ટાઇમ પસાર કરી શકો છો. સૂર્યાસ્ત સમયે અહીં સુંદર દૃશ્ય જોવા મળે છે. શાંતિપૂર્ણ વાતાવરણમાં હજારો લોકો આ બીચની મુલાકાત લેવા આવે છે. અહીંનું સૌથી નજીકનું એરપોર્ટ સુરત એરપોર્ટ છે.ઉપરાંત તમે બસ અને ટ્રેન દ્વારા પણ અહીં પહોંચી શકો છો.
સાપુતારા:
ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા હરિયાળી, જંગલો અને અદ્ભુત ધોધની વચ્ચે કુદરતની ગોદમાં આવેલું છે. તેને હરિયાળીનું ‘સ્વર્ગ’ કહી શકાય. જો તમે પ્રકૃતિ પ્રેમી છો, તો આ તમારા માટે શ્રેષ્ઠ સ્થળ બની શકે છે. આ હિલ સ્ટેશન સુરતથી 157 કિલોમીટર દૂર છે. તેની ગણના ગુજરાતના સૌથી સુંદર સ્થળોમાં થાય છે. તમે બસ, ટ્રેન અથવા ફ્લાઇટ દ્વારા અહીં પહોંચી શકો છો.
વિલ્સન હિલ્સ:
દરિયાઈ સપાટીથી 2500 ફૂટની ઉંચાઈ પર સ્થિત વિલ્સન હિલ્સ ઉનાળા અને ચોમાસા માટે બેસ્ટ સ્થળ માનવામાં આવે છે. વિલ્સન હિલ્સ પરથી સમુદ્રની ઝાંખી કરી શકાય છે અને પંગરબારી વન્યજીવ અભયારણ્ય નજીકના લીલાછમ વિસ્તારનો સુંદર નઝારો પણ જોઈ શકાય છે. વરસાદની મોસમમાં આ જગ્યા ખૂબ જ સુંદર બની જાય છે. અહીં પહોંચવા માટે સુરતથી 130 કિમીનું અંતર કાપવું પડે છે. તમે વલસાડથી ટ્રેન દ્વારા પણ અહીં પહોંચી શકો છો.
પોલો ફોરેસ્ટ:
પોલો ફોરેસ્ટ અમદાવાદથી લગભગ 160 કિલોમીટર દૂર સાબરકાંઠા ગામ પાસે આવેલ છે. પોલો ફોરેસ્ટ વરસાદની મોસમમાં તેની લીલીછમ સુંદરતા માટે પ્રખ્યાત છે. તે 400 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. તમે રાત્રિ માટે અહીં કેમ્પ કરી શકો છો અથવા બેસ્ટ રિસોર્ટ્સમાં રોકાઈ શકો છો. જો તમને જંગલોમાં ફરવાનું પસંદ છે, તો આ તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે. તેનું સૌથી નજીકનું એરપોર્ટ અમદાવાદ છે. તમે અહીં બસ કે ટ્રેન દ્વારા સરળતાથી પહોંચી શકો છો.
થોલ તળાવ:
ગુજરાતમાં ચોમાસા દરમિયાન જોવા માટે સુંદર થોલ તળાવ એક બેસ્ટ ઓપ્શન છે. તમે શાંતિપૂર્ણ અને અદ્ભુત અનુભવ માટે અહીં મુલાકાત લઈ શકો છો. આ તળાવમાં તમને અનેક પ્રકારના પક્ષીઓ જોવા મળશે. તેની આસપાસ ચાલવું એ એક અનોખો અનુભવ છે. જો તમને શાંતિ ગમે છે અને તમે તમારા પરિવાર સાથે અહીં આવવા માંગો છો, તો આ એક બેસ્ટ ઓપ્શન બની શકે છે.