મંદિરમાં કમિટીના સભ્યો દ્વારા 130 કિલો સોના અને રૂ. 14 કરોડની નાણાકીય ગેરરીતિ આચર્યાનો આક્ષેપ : કમિટી નીમી તમામ હિસાબો જાહેર કરવાની માંગ
હનુમાનજીની જેમ જ જૈન ધર્મમાં ઘંટાકર્ણ દાદાને સુરક્ષા પ્રદાન કરનાર દેવ તરીકે પૂજવામાં આવે છે. તેઓ સરળતાથી રિઝાય પણ છે અને ખીજાય પણ છે. તેવી માન્યતા છે. તેઓ જ્યાં બિરાજે છે તે સુપ્રસિદ્ધ મહુડી મંદિરમાં એક સુખડી પણ બહાર લઈ જવાતી નથી. તેવામાં આ મંદિરમાંથી સંચાલકોએ નિજી સ્વાર્થ માટે પૈસા અને સોનાના ગોટાળા કર્યાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં ઘા થતા ખળભળાટ મચી ગયો છે.
જૈનોની આસ્થાના તીર્થસ્થળ મહુડીનફા શ્રી ઘંટાકર્ણ મહાવીર મંદિરમાં કમિટીના સભ્યો દ્વારા 130 કિલો સોના અને રૂ. 14 કરોડની નાણાકીય ગેરરીતિના આક્ષેપ સાથે હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. કમિટીના સભ્યો ભુપેન્દ્રભાઇ વોરા અને કમલેશભાઇ મહેતા ઉપર અરજદાર દ્વારા નાણાકીય ગોટાળાના આક્ષેપોના પગલે ખળભળાટ મચ્યો છે. અરજદારે એવી માંગ કરી છે કે મંદિરના વર્ષ 2012થી વર્ષ 2024 નાણાકીય વ્યવહારોની તપાસ માટે રાજ્ય સરકાર અથવા તો ચેરિટી કમિશ્નર એક કમિટીની નિમણૂક કરે અને કમિટીના અંતિમ અહેવાલને જાહેરમાં મૂકવામાં આવે, જેથી કરીને વિશ્વપ્રસિદ્ધ મંદિરના નાણાકીય વ્યવહારો અંગેની પારદર્શિતા સામે આવી શકે. આ જાહેરહિતની અરજીની સુનાવણી વેકેશન બાદ ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ થાય એવી શક્યતા છે.
પ્રસ્તુત કેસમાં અરજદાર જયેશભાઇ બાબુલાલ મહેતાએ એડવોકેટ ધર્મેશ ગુર્જર મારફતે પીઆઈએલ દાખલ કરી છે. જેમાં એવી રજૂઆત કરી છે કે,‘અરજદાર પોતે જૈન છે અને એ પોતાની ફરજ સમજે છે કે મહુડીના સુપ્રસિદ્ધ તીર્થસ્થળ ઘંટાકર્ણ મહાવીર મંદિરના બે મેનેજમેન્ટ કમિટીના સભ્યો દ્વારા 130 કિલો સોનું અને રૂ. 14 કરોડ રોકડની નાણાકીય ગેરરીતિ આચરી છે. વર્ષ 2012થી વર્ષ 2024 સુધીમાં આ કથિત કમિટી સભ્યો દ્વારા ગેરકાયદાસેર અને ગેરબંધારણીય રીતે મહુડીના પવિત્ર મંદિરના દૈનિક કામકાજો પોતાની મરજી અને માંગ મુજબ ચલાવ્યું છે અને એ રીતે તેમણે નાણાકીય લાભ લેવા માટે જાહેર નાણાને ભારે નુકસાન પહોંચાડ્યું છે.’
રિટમાં વધુમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે,‘આ ગેરરીતિ મામલે ચેરિટી કમિશ્નર સમક્ષ ફરિયાદ પણ કરવામાં આવી હતી. જેની ત્રણ અરજીઓ આજે પણ ચેરિટી કમિશ્નર સમક્ષ પડતર છે, પરંતુ કોઇ અસરકારક સુનાવણી હાથ ધરવામાં આવતી નથી. મંદિરની વર્તમાન મેનેજમેન્ટ કમિટી વિરૂદ્ધ વિવિધ પ્રકારના ગંભીર આક્ષેપો છે, ત્યારે અરજદારની નામદાર હાઇકોર્ટને વિનંતી છે કે આ તમામ આક્ષેપોની પારદર્શી તપાસ માટે રાજ્ય સરકાર અથવા તો ચેરિટી કમિશ્નર દ્વારા એક કમિટીનું ગઠન કરવામાં આવે. જે કમિટી દ્વારા વર્ષ 2012 થી વર્ષ 2024 સુધીના મંદિરના વિવિધ વ્યવહારો, ઓડિટ અને એકાઉન્ટ રિપોર્ટ્સની તપાસ કરીને એક ફાઇનલ રિપોર્ટ તૈયાર કરવામાં આવે. જે રિપોર્ટ જાહેરહિતને લક્ષ્યમાં રાખીને પબ્લિક ડોમેઇનમાં મુકવો જોઇએ, જેથી કરીને મહુડી જેવા વિશ્વપ્રસિદ્ધ મંદિરને મળતાં દાન અંગેની પારદર્શિતા પણ વધે.’
નોટબંધી વખતે 20 ટકા કમિશને જૂની નોટોની લેતી-દેતી થઈ હતી
અરજદારે સમિતિના સભ્યો સામે અગાઉ કરાયેલા આક્ષેપોને ટાંકીને જણાવ્યું હતું કે 2016માં નોટબંધી દરમિયાન, સંચાલકોએ 20% કમિશન લઈને જૂની નોટોની લેતી દેતી કરી હતી. વધુમાં આ આક્ષેપ વિશે સૂત્રો જણાવે છે કે જૂની ચલણી નોટો અહીંના દાનમાં જમા કરાવીને તેને બદલે નાની નોટ અથવા તો નવી નોટો બદલી દેવામાં આવી હતી. તેવા આક્ષેપ થઈ રહ્યા છે.
મંદિરના રોકડા રૂપીયેથી સોનુ ખરીદ્યું તેમાં ગોલમાલના આક્ષેપ
પીઆઈએલમાં આરોપ લગાવવામાં આવ્યો કે આદર્શ કો-ઓપરેટિવ બેંકના ચેરમેન મુકેશ મોદીએ મંદિરની રોકડમાંથી મંદિરના નામે જ 65 કિલો સોનું ખરીદ્યું હતું અને તેને મંદિરમાં રાખવામાં આવ્યું હતું. આ સોનાની ખરીદીમાં કોઈ પારદર્શિતા નથી. આ સોનામાં ગોલમાલ થઈ હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.જેથી અરજદારે કમિટી અને પોલીસ દ્વારા તપાસની માંગ કરી છે.