- હવામાનની આગાહી-ચેતવણી આપશે ‘મૌસમ એપ’: ખેડૂતોને ખેતી વિષયક, હવામાન સંબધિત નિર્ણયો લેવામાં મદદરૂપ બનશે ‘મેઘદૂત એપ’
- વીજળી પડવાની સંભાવના વિશે ચોક્કસ માહિતી પ્રદાન કરશે ‘દામિની એપ’
ભારતીય હવામાન વિભાગ દ્વારા હવે દરેક નાગરિકને ઘરબેઠાં ઇચ્છિત સમયે પોતાના મોબાઈલ ફોન થકી વાવાઝોડું, વીજળી, હીટવેવ, કમોસમી વરસાદ વિશે આગોતરી જાણ સાથે બચવાના ઉપાયો સહિતની માહિતી મળી રહે તે માટે વિશિષ્ટ ફીચર સાથેની તદ્દન ભારતીય એવી ‘મૌસમ’, ‘મેઘદૂત’, ‘દામિની’ અને ‘પબ્લિક ઓબ્ઝર્વેશન એપ્લિકેશન’ તૈયાર કરવામાં આવી છે.
મૌસમ એપ્લિકેશન:- ભારતના હવામાન વિભાગ અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે તાજેતરના વર્ષોમાં નવીનતમ સાધનો અને ટેકનોલોજીના આધારે હવામાનની આગાહી અને ચેતવણી સેવાઓના પ્રસારમાં સુધારણા માટે વિવિધ પહેલો હાથ ધરી છે, આ પહેલના ભાગરૂપે મોબાઈલ એપ્લિકેશન “મૌસમ” લોન્ચ કરવામાં આવી છે. સામાન્ય જનતાને સમર્પિત આ એપ થકી વપરાશકર્તાઓ હવામાન, આગાહીઓ, રડાર દ્વારા લેવાયેલ છબીઓને જોઈ શકે છે અને આગામી હવામાનની ઘટનાઓ વિશે ચેતવણી પણ મેળવી શકે છે.
આ એપ્લિકેશનમાં 200 શહેરો માટે વર્તમાન તાપમાન, ભેજ, પવનની ગતિ અને દિશા દિવસમાં 8 વખત અપડેટ કરવામાં આવે છે.
સૂર્યોદય/સૂર્યાસ્ત અને ચંદ્રોદય/ચંદ્રાસ્ત વિશેની માહિતી પણ આપવામાં આવે છે. હવામાન વિભાગના રાજ્ય હવામાન કેન્દ્રો દ્વારા ભારતના આશરે 800 સ્ટેશનો અને જિલ્લાઓ માટે સ્થાનિક હવામાનની ઘટનાઓ અને તેમની તીવ્રતાની ત્રણ કલાકની ચેતવણીઓ જારી કરવામાં આવે છે.
ખરાબ હવામાનના કિસ્સામાં, તેની અસર પણ ચેતવણીમાં સામેલ હોય છે. ભારતના 450 શહેરોની છેલ્લા 24 કલાક અને 7-દિવસના હવામાનની સ્થિતિઓની પણ સચોટ આગાહી કરવામાં આવે છે.આ એપ્લિકેશન જોખમી હવામાન વિશે નાગરિકોને ચેતવણી આપવા માટે આગામી પાંચ દિવસ અંગેની આગાહી જાહેર કરી, કલર કોડ (લાલ, નારંગી અને પીળો)માં તમામ જિલ્લાઓ માટે દિવસમાં બે વખત ચેતવણીઓ જાહેર કરે છે. જેમાં “લાલ” કલર કોડએ સૌથી ગંભીર કેટેગરી છે, જે સંબંધિત ઓથોરીટીને પગલાં લેવામાટેનો સંકેત આપે છે. ઓરેન્જ કોડ સતાધિકારીઓ અને લોકોને સતર્ક રહેવા માટે કહે છે.
દામિની એપ્લિકેશન:- ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મિટીયોરોલોજી, પુણે અને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા સમગ્ર દેશના વિવિધ ભાગોમાં લગભગ 48 સેન્સર સાથે લાઈટનિંગ લોકેશન નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે. જે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મિટીયોરોલોજી, પુણે ખાતે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સાથે જોડાયેલા છે. આ નેટવર્ક વીજળી પડવાની સંભાવના વિશે ચોક્કસ માહિતી પ્રદાન કરે છે. તેમજ થંડરસ્ટ્રોમ મૂવમેન્ટ પાથ એટલે કે વાવાઝોડા વિશે પણ સચોટ માહિતી આપે છે. આ એપ વીજળી/ લાઈટનિંગ સ્ટ્રાઈકનું ચોક્કસ સ્થાન, 40 ચોરસ કિલોમીટરના વિસ્તારની આસપાસ તોળાઈ રહેલી વીજળીના સંભવિત સ્થાનો અને વાવાઝોડાની હિલચાલ અને દિશાની માહિતી પૂરી પાડે છે. આ ઉપરાંત જયારે વાવાઝોડું આવે અને વીજળી પડે ત્યારે સાવચેતીના પગલાં અને અન્ય જરૂરી માહિતી પણ પુરી પાડે છે. આ એપ્લિકેશન દ્વારા 30 મિનિટ પહેલા ઓડિયો મેસેજ અને એસ.એમ.એસ.ના આધારે વીજળી અને ગાજવીજ વિશે સચોટ માહિતી જી.પી.એસ. નોટિફિકેશન એલર્ટ થકી આપવામાં આવે છે.
મેઘદૂત એગ્રો એપ્લિકેશન:- ભારતીય કૃષિ હવામાન આધારિત છે ત્યારે ‘મેઘદૂત એગ્રો’ મોબાઈલ એપ્લિકેશન ખેડૂતોને હવામાનની માહિતીના આધારે પાકની સલાહ આપે છે. આ એપનું નિર્માણ ભારતીય હવામાન વિભાગ, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મિટીયોરોલોજી પૂણે અને ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા કરવામાં આવ્યું છે.
આ એપ્લિકેશનમાં ખેડૂતો માટે અંગ્રેજી અને સ્થાનિક એમ બંને ભાષાઓમાં માહિતી ઉપલબ્ધ છે. મેઘદૂત એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ ખેડૂતે તેમનો મોબાઈલ નંબર અને તેમની પસંદગીની ભાષાનો ઓપ્શન સિલેક્ટ કરીને સાઈન ઈન કરવાનું રહેશે. આ એપ્લિકેશનમાં એગ્રો મેટ ફિલ્ડ યુનિટ્સ દ્વારા દર મંગળવારે અને શુક્રવારે પાકની માહિતી, પશુધન વ્યવસ્થાપન અંગે પ્રતિ જિલ્લાવાર માહિતી આપવામાં આવે છે. તે ખેડૂતોને પાકની વાવણી, જંતુનાશક અને ખાતરનો ઉપયોગ, સિંચાઈના સમયપત્રક અને પ્રાણીઓના રસીકરણ જેવા હવામાન-સંવેદનશીલ નિર્ણયો લેવામાં મદદ કરશે.
પબ્લિક ઓબ્ઝર્વેશન એપ:- આ એપ્લિકેશન વપરાશકર્તાઓને સ્થાન મુજબ હવામાનની માહિતી પ્રદાન કરે છે. યૂઝર્સ આ એપ પર ઝડપી અને અદ્યતન એમ બે મોડ દ્વારા ફીડબેક પણ આપી શકે છે. ઉપરોક્ત તમામ મોબાઈલ એપ્લિકેશન પ્લેસ્ટોર અને એપસ્ટોર બંને પર ઉપલબ્ધ છે. ઝડપથી બદલાતા વૈશ્ર્વિક હવામાનમાં ભારતીય નાગરિક પોતાની જરૂરિયાતો અને સાવચેતીઓને સમજી શકે તે માટે આ એપ્લિકેશન ખૂબ આવશ્યક અને ઉપયોગી છે.