- રાજકોટમાં વકીલની ઓફિસમાં ઘુસી હુમલો કરી લાફા ઝીંકી દીધા
- વારસાઈ સર્ટિફિકેટ મુદ્દે પરિવારની તકરારમાં હુમલો કરાતા વકીલ આલમમાં રોષ
રાજકોટ ન્યૂઝ : રાજકોટમાં કાયદાના રક્ષકો જ સુરક્ષિત ન હોય તેમ અવાર નવાર વકીલો ઉપર જીવલેણ હુમલા થયાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવે છે, ત્યારે વધુ એક ઘટનામાં હરીહર ચોકમાં ઓફિસ ધરાવતા એડવોકેટની ઓફિસે વારસાઈ સર્ટીફિકેટમાં સહયોગ કરવા આવેલા પરિવારમાંથી એક શખ્સે ઉશ્કેરાઈ જઈ વકીલ ઉપર હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે વકીલ આલમમાં રોષ ભભૂક્યો છે અને હુમલાખોર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવા વકીલો એ-ડિવિઝન પોલીસ મથક ખાતે દોડી ગયા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં બાલાજી હોલ પાસે રહેતા અને હરીહર ચોકમાં પૂજા કોમ્પલેક્ષમાં ઓફિસ ધરાવતા એડવોકેટ પરેશભાઈ નગીનભાઈ કુકડિયા (ઉ.વ.50) પોતાની ઓફિસમાં હતાં. આ સમયે સાંજના છએક વાગ્યાના અરસામાં રાજેન્દ્રસિંહ સુરપાલસિંહ જાડેજા નામનો શખ્સ ધસી આવ્યો હતો અને એડવોકેટ પરેશભાઈ કુકડીયા ઉપર હુમલો કરી માર માર્યો હતો. હુમલાખોર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવા એડવોકેટ પરેશભાઈ કુકડીયા સહિતનો ઓફિસ સ્ટાફ તાત્કાલીક એ ડિવીઝન પોલીસ મથક ખાતે દોડી ગયો હતો.
રાજકોટના રેવન્યું પ્રેક્ટીસ કરતા સીનીયર એડવોકેટ ઉપર હુમલો થયાની વાયુવેગે ચર્ચા વહેતી થતાં વકીલ આલમમાં રોષ ભભૂક્યો હતો અને વકીલો તાત્કાલીક એ ડીવીઝન પોલીસ મથક ખાતે દોડી આવ્યા હતાં અને હુમલાખોર શખ્સ વિરુદ્ધ કાનુની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
પ્રાથમિક પુછપરછમાં હુમલાખોર રાજેન્દ્રસિંહ જાડેજાના પરિવારની વારસાઈ મિલ્કતનો કેસ એડવોકેટ પરેશભાઈ કુકડિયા પાસે હતો અને વારસાઈ સર્ટિફિકેટમાં સાઈન કરવા માટે એડવોકેટ દ્વારા પરિવારના સભ્યોને ફોન કરીને ઓફિસે બોલાવવામાં આવ્યા હતાં. આ સમયે રાજેન્દ્રસિંહ જાડેજાએ સાઈન કરવાનો ઈનકાર કર્યો હતો. જેના પગલે એડવોકેટ પરેશભાઈ કુકડિયાએ તમામ સભ્યોને ફોન કરી કેસ આગળ નહીં ચાલે જેથી પોતાના કાગળો પરત લઈ જવાં જણાવ્યું હતું અને પરિવાર એડવોકેટની ઓફિસે પહોંચ્યો હતો. ત્યારે વારસાઈ સર્ટીફિકેટમાં સાઈન કરવાનો ઈનકાર કરનાર રાજેન્દ્રસિંહ જાડેજા પણ પરેશભાઈ કુકડિયાની ઓફિસે પહોંચ્યો હતો અને એડવોકેટ ઉપર હુમલો કરી દીધો હતો.
આટલું જ નહીં , હુમલાખોર શખ્સ પોલીસ કર્મીના સગા હોવાથી લોકઅપના પુરવાને બદલે મહેમાનની જેમ રાખવામાં આવ્યો હોવાની વકીલો દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામા આવતા અંતે વકીલ ઉપર હુમલો કરનાર શખ્સને લોકઅપમાં પુરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે એડવોકેટ પરેશભાઈ કુકડિયાની ફરિયાદ નોંધી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.
હુમલાખોર શખ્સની તાતકાલિક અટકાયત કરી લેવાઈ : એસીપી ગઢવી
સમગ્ર મામલે વકીલોના ટોળાં એ ડિવિઝન પોલીસ મથકે દોડી જતાં એસીપી જે બી ગઢવી પણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની વિગતો આપતાં કહ્યું હતું કે, વારસાઈ સર્ટિફિકેટની તકરારમાં વકીલ પર હુમલો કરવામાં આવ્યો હતો જે મામલે એ ડિવિઝન પોલીસે તાતકાલિક હુમલાખોર શખ્સ રાજેન્દ્રસિંહ સુખદેવસિંહ જાડેજાની અટકાયત કરી કાયદેસરની
કાર્યવાહી આરંભી છે.
જાનથી મારી નાખવાની ધમકી સાથે હુમલો કરાયો : એડવોકેટ પરેશ કુકડીયા
મામલામાં એડવોકેટ પરેશ કુકડીયાએ જણાવ્યું હતું કે, આ પરિવારનું વારસાઈ સર્ટિફિકેટનું કામ મારી પાસે હોય પરિવારના તમામ સભ્યો વારસાઈ સર્ટિફિકેટ બનાવવાનું કહી રહ્યા હતા પરંતુ આરોપી રાજેન્દ્રસિંહ જાડેજાને આ બાબતે વાંધો હોય ત્યારે પરિવારના તમામ સભ્યો મારી ઓફિસ ખાતે હતા ત્યારે રાજેન્દ્રસિંહ ધસી આવ્યો હતો અને ગાળો બોલી સીધો જ હુમલો કરી દીધો હતો. આ શખ્સે મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે ફરીવાર હુમલો થવાની દહેશત છે.
આરોપી તરફે કોઈ વકીલ નહિ રોકાય : બાર એસો.નો ઠરાવ
મામલામાં રાજકોટ બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે. બાર એસો.એ ઠરાવ કર્યો છે કે, વકીલ પરેશ કુકડીયા પર હુમલો કરનાર શખ્સ રાજેન્દ્રસિંહ જાડેજા વતી કોઈ પણ વકીલ કેસ લડશે નહિ.